Home /News /entertainment /પાન મસાલાની એડમાં વિવાદ થતા BIG Bએ લીધો આવો નિર્ણય, ચાહકો થયા હતા નારાજ
પાન મસાલાની એડમાં વિવાદ થતા BIG Bએ લીધો આવો નિર્ણય, ચાહકો થયા હતા નારાજ
બિગ બીએ પાન મસાલાની બ્રાંડ કમલા પસંદ સાથે તેમનો છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે.
કોઈ સેલિબ્રીટી પાસેથી કેવા પ્રકારની સામાજિક જવાબદારીની અપેક્ષા રાખી શકાય? આ પ્રશ્ન ત્યારે અગત્યનો બની જાય છે જ્યારે તે સેલીબ્રીટી કોઈ અન્ય નહી પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પોતે હોય. અમિતાભ એટલે એક એવા બેલિવુડ સેલિબ્રીટી જેને તેમના ફેન્સ ખુબ ચાહે છે, તેમને એક પ્રેરણા માને છે, તેમનું આદર કરે છે.
નવી દિલ્હી: અમિતાભ બચ્ચને (amitabh bachchan) તાજેતરમાં કરેલી એક પાન માસાલા બ્રાંડની જાહેરાતના કારણે સોશિયલ મિડીયામાં (Social media) બિગ બી (BIG B) અને તેમના ફેન્સ વચ્ચે ખટરાગ જેવી સ્થિતી પેદા થઈ છે. તેમના ફેન્સ તેમનાંથી નારાજ પણ થયા અને તેમની ખુબ આલોચના પણ કરવામાં આવી છે. પણ આજે બિગ બી પોતાનો 79મો જન્મદિવસ (Amitabh Bachchan's 79th Birthday)મનાવી રહ્યા છે ત્યારે તેમના નારાજ ફેન્સમાં ફરીથી એક ખુશીની લાગણી જોવા મળી છે. તેનું કારણ માત્ર બિગ બીનો જન્મ દિવસ નહી પણ પાન મસાલાની બ્રાંડ કમલા પસંદ સાથે તેમનો છેડો ફાડવાના સમાચાર પણ છે. બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પાન મસાલાની જાહેરાત કરવા બદલ ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા અને આ જાહેરાત કરવા બદલ તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. અભિનેતાએ આ અંગે વધારે પ્રતિક્રિયા આપી નથી, પરંતુ હવે અમિતાભ બચ્ચને આ મામલે પગલાં લીધા છે. તેમણે આ જાહેરાતમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. બિગ બીએ તેમના બ્લોગમાં આ વાતની જાણકારી આપી છે.
અમિતાભે કમલા પસંદ જાહેરાતમાંથી પાછું ખેંચ્યુંનામ
કમલા પસંદ બાબતે અમિતાભ બચ્ચનના નિર્ણયને વખોડવામાં આવ્યો હતો. ઘણા લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. લોકો માનતા હતા કે દેશના સૌથી વરિષ્ઠ વ્યક્તિત્વ હોવાથી અમિતાભ બચ્ચને આવી જાહેરાતો ન કરવી જોઈએ. રાષ્ટ્રીય તમાકુ વિરોધી સંગઠને અમિતાભ બચ્ચનને પણ આ જાહેરાતમાંથી પોતાનું નામ પાછું ખેંચવાની વિનંતી કરી હતી. ત્યારે આજે બિગ બી તરફથી સામે આવેલી પ્રતિક્રિયામાં જાણવા મળ્યું છે કે, બિગ બીએ પાન મસાલાની જાહેરાત ન કરવાનો નિર્ણય કર્યો છે અને બ્રાંડ તરફથી મળેલી કરોડોની ફી પણ તેમણે પરત કરી છે. અમિતાભનું કહેવું છે કે, તંબાકું યુક્ત પદાર્થોના વિરુધ્ધ અભિયાન ચલાવતી એક સંસ્થાના નિવેદન પર તેમણે આ પગલું ભર્યું છે. બિગ બીની ટીમ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એડ પ્રસારિત થવાના થોડા દિવસ બાદ અમિતાભે બ્રાંડને સંપર્ક કર્યો હતો અને ગત અઠવાડિયે તેમણે આ એડ અને બ્રાંડ છોડી દીધી છે. આ પાછળ જે કારણ સામે આવ્યું છે તે અનુસાર બિગ બી જ્યારે આ એડ સાથે જોડાયા ત્યારે તેમને આ એક સરોગેટ વિજ્ઞાપન હોવાનો ખ્યાલ નહોતો. ઉલ્લેખનીય છે કે, સરોગેટ વિજ્ઞાપન એટલે એવું વિજ્ઞાપન કે જ્યા પ્રતિબંધિત પદાર્થો અને વસ્તુઓની જાહેરાત કોઈ અન્ય ઉત્પાદનની આડમાં કરવામાં આવે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બ્રાંડ સાથે અમિતાભે કરાર ટર્મિનેટ કરી દીધો છે અને પ્રમોશન ફી પણ પરત કરી છે. સોશિયલ મિડીયા યુઝર્સ અને તેમના ફેન્સ ઘણા સમયથી આવી જાહેરાતો ના કરવાની અપિક કરી રહ્યા છે.
લોકોએ કર્યા સોશિયલ મીડિયા પર ટ્રોલ
આ સિવાય અમિતાભ બચ્ચનના કેટલાક ચાહકો પણ આ મામલે ગુસ્સે હતા.કમલા પસંદ ગુટખાની એડ કરવાને લઈ અમિતાભ બચ્ચનની સોશિયલ મીડિયા પર ખુબ આલોચના પણ થઈ છે. સાથે જ તેમના ફેન્સ પણ નારાજ થયા અને તેમને આ પ્રકારની જાહેરાતો ન કરવા માટેનાં સલાહ સુચન પણ આપતા જોવા મળ્યા. થોડા સમય પહેલા એક યુઝરે બિગ બીને આ પ્રકારની એડ કરવાની શું જરૂર પડી તેવો સવાલ કરતા બિગ બી એ પોતાના જવાબમાં કહ્યું હતું કે, હું માફી ચાહું છું પણ આવું કરવા પર મને પૈસા મળે છે, સાથે જ ઘણાબધા લોકો આ પ્રોફેશનમાં છે જેમને પણ આનાથી પૈસા મળે છે. અનેય એક સવાલ પર રોજીરોટીનો હવાલો આપતા અમિતાભે કહ્યું હતું કે, ક્ષમા ચાહું છું, પણ જો કોઈ પણ વ્યવસાયમાં કોઈનું ભલું થતુ હોય તો આપણે એ ન વિચારવું જોઈએ કે આપણે તેની સાથે કેમ જોડાયા, વ્યવસાય છે અને અમારે અમારા વ્યવસાય વિશે પણ વિચારવાનું છે. આ પ્રકારના પોતાના જવાબોને કારણે લોકો અમિતાભથી નારાજ જોવા મળ્યા હતા.
આ મુદ્દે National Organization for Eradication of Tobaccoના અધ્યક્ષ ડો. શેખર સાલ્કરે અમિતાભ બચ્ચનને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, મેડિકલ રિસર્ચથી ખબર પડે છે તમાકુ અને પાન મસાલા જેવા પદાર્થ વ્યક્તિ, ખાસ કરીને યુવાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેઓ યુવાઓની પ્રેરણા છે. જેથી તેમણે આ જાહેરાતમાંથી જલ્દી જ ખસી જવું જોઈએ. શેખરે પત્રમાં લખ્યું કે પાન સીધીરીતે કાર્સિનોજેન્સમાં પરિવર્તિત થઈ જાય છે. જેનાં કારણે મોંનું કેંસર થવાનો ભય રહે છે. પાન મસાલા અને તંબાકુ પ્રોડક્ટની જોહેરાતોના વિરોધમાં શેખરે પત્રમાં કહ્યું છે કે શાહરુખ ખાન, અજય દેવગણ અને રણબીરસિંહ દ્વારા કરવામાં આવેલી આવી જાહેરાતોનો વિરોધ કરવાં પણ હું તૈયાર છું કેમ કે તેમની આવી લોભામણી જાહેરાતોને કારણે યુવાનોમાં આ પદાર્થોનું સેવન અને કેંસર વધી રહ્યું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર