મુંબઇ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર તેમના જીવન સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા શેર કરતા રહે છે. આગામી સમયમાં બિગ બી 'કોન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati)ને હોસ્ટ કરતાં જોવા મળશે. બે વર્ષ પહેલા કેબીસીના સેટ પર તેમણે આઇકોનિક ફિલ્મ 'શોલે'(Sholay)નો કિસ્સો સંભળાવ્યો હતો, જ્યારે ધર્મેન્દ્રએ ગુસ્સામાં ગોળી ચલાવી દીધી હતી.
અમિતાભ બચ્ચને કેબીસીના સેટ પર તે કિસ્સાને યાદ કર્યો હતો, જ્યારે ધર્મેન્દ્ર(Dharmendra)એ એક સીનના શૂટિંગ દરમિયાન અસલ બંદૂકમાં કારતૂસ નાખ્યા હતા અને ફાયરિંગ કરી દીધું હતું. આ ગોળી અમિતાભ બચ્ચનના કાનની નજીકથી નીકળી હતી.
શોમાં આવેલા એક સ્પર્ધક પ્રીત મોહન સિંહે બિગ બીને જણાવ્યું હતું કે તેઓ ફિલ્મ 'શોલે'ના ફેન છે. તેમણે કહ્યું હતું કે, ક્લાઇમેક્સમાં ધર્મેન્દ્રએ વધુ દારૂગોળો લઇ લેવાની જરૂર હતી, જેથી વિજય (અમિતાભ બચ્ચનના પાત્રનું નામ)નો જીવ બચી ગયો હતો.
પ્રીતની આ વાત સાંભળીને બિગ બીએ તેમને ધર્મેન્દ્રના ગુસ્સાવાળો કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે અમે આ સીન શૂટ કરી રહ્યા હતા ત્યારે ધર્મેન્દ્ર નીચે ઊભા હતા અને હું પહાડ પર હતો. ધરમજીને ઝડપથી દારૂગોળો ઉપાડીને પોતાની પાસે ભરવાનું હતું, પરંતુ તેઓ કારતૂસ ઉઠાવે તો પડી જતા હતા. આવું અનેક વખત થયું હતું. જેનાથી ગુસ્સે ભરાયેલા ધરમજીએ કારતૂસ લઇને બંદૂકમાં ભર્યા અને ગોળી ચલાવી દીધી હતી.
બિગ બીએ જણાવ્યું હતું કે, હું પહાડ પર ઊભો હતો અને એક ગોળી મારા કાનની નજીકથી નીકળી હતી. તે અસલ ગોળી હતી, પરંતુ હું બચી ગયો. તેમણે શો દરમિયાન કહ્યું હતું કે, આવા ઘણા કિસ્સા ફિલ્મની શૂટિંગ દરમિયાન બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફિલ્મના ક્લાઇમેક્સ સીનને રિયલ બતાવવા માટે ડાયરેક્ટરે અસલ કારતૂસનો ઉપયોગ કર્યો હતો. રમેશ સિપ્પીએ ડાયરેક્ટ કરેલી ફિલ્મ 1975માં રીલિઝ થઇ હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર