Home /News /entertainment /Ahmedabad Foundation Day : અમદાવાદની સ્થાપનાને આજે 611 વર્ષ પૂર્ણ, જાણો અમદાવાદના ઈતિહાસની જાણી-અજાણી વાતો
Ahmedabad Foundation Day : અમદાવાદની સ્થાપનાને આજે 611 વર્ષ પૂર્ણ, જાણો અમદાવાદના ઈતિહાસની જાણી-અજાણી વાતો
અમદાવાદનો સ્થાપના દિવસ - અમદાવાદનો ઈતિહાસ
Ahmedabad Foundation Day : સાબરમતીના કિનારે વસતા અમદાવાદના ઈતિહાસ (Ahmedabad History) માં અનેક શાસકો બદલાયા, હિન્દુ, મુસ્લિમ, મુગલ, મરાઠા સહિત અંગ્રેજોએ શાસન કર્યુ પરંતુ અમદાવાદનો વારસો (Heritage of Ahmedabad) હજુ પણ યથાવત
રિદ્ધી રુઘાની, અમદાવાદ : અમદાવાદનો ઈતિહાસ (Ahmedabad History) આજકાલનો નથી અમદાવાદની સ્થાપના (Ahmedabad Foundation Day) ને આજે 611 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે (Ahmedabad Birthday), એમાં પણ અમદાવાદનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ (unesco world heritage site) માં થયા બાદતો ન માત્ર અમદાવાદ સમગ્ર ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે.પરંતુ આજથી અંદાજે 5 હજાર વર્ષ પહેલાથી અમદાવાદમાં માનવ વસ્તીનો વસવાટ હોવાના પુરાવા મળેલા છે. હાલના વટવા, શ્રેયસ, થલતેજ અને સોલાના ટેકરામાંથી મળી આવેલા પુરાવા તે વાતની સાક્ષી છે. અમદાવાદનો ઈતિહાસ જાણવો હોય તો આજથી હજારો વર્ષ જૂના ઈતિહાસમાં ડોકિયું કરવું પડે. જેની શરૂઆત આશા ભીલથી થઈ હતી. આજનું અમદાવાદ જે પહેલા 'અહમદાબાદ' અને 'કર્ણાવતી' તરીકે ઓળખાતું હતુ...અને તે પહેલા 'આશાવલ' તરીકે ઓળખાતું હતુ.
અમદાવાદ ભીલોનું નગર હતુ?
ઈતિહાસકારોનું માનીએ તો સાબરમતીના પૂર્વ કાંઠે આશાવલ નામનું ભીલોનું એક નગર હતુ. હાલની કેલિકો મિલથી જમાલપુર દરવાજાની અંદર તરફ જતાં આસ્ટોડિયા દરવાજા સુધી તે સમયે અંદાજે 6 લાખ જેટલા ભીલોનો વસવાટ હતો અને આશાભીલ તેમનો રાજા હતો.આ આશાવલને ઘણા લોકો 'આશાપલ્લી' પણ કહેતા હતા. માત્ર ભારતીય ઈતિહાસકારોજ નહીં આરબ ઈતિહાસકારોએ પણ આશાવલ નગરનો ઉલ્લેખ કર્યો છે. પાટણના રાજા કર્ણદેવે તેમના રાજનો વિસ્તાર કરવો હતો આ માટે તેમણે મહી અને લાટનો પ્રદેશ જીતવો હતો આ જીતવામાં આશાવલ નગર વચ્ચે આવતું હતુ માટે તેમણે આશાવલ પર ચઢાઈ કરી અને તેને જીતી લીધું અને ત્યાં 'કર્ણાવતી' નગરની સ્થાપના કરી. ઈતિહાસના પાના ઉથલાવીએ તો 1064માં કર્ણાવતીનગરીની સ્થાપના થઈ હતી.આતો વાત થઈ આશાવલ અને કર્ણાવતીની પણ ઈ.સ 1411માં મુઝફ્ફર વંશના રાજા અહમદશાહે સાબરમતી નદીના કિનારે અહમદાબાદની સ્થાપના કરી.
અમદાવાદ પાટનગર કેવી રીતે બન્યું?
સોલંકી વંશ બાદ વાઘેલા વંશનું શાસન આવ્યું અને રાજા કર્ણદેવ વાઘેલાને અલાઉદ્દીનના લશ્કરે પરાસ્ત કર્યા અને ગુજરાતમાં દિલ્હી દ્વારા ખીલજીવંશનું શાસન આવ્યું..આમ દિલ્હી સલ્તનત ગુજરાતમાં સુબાની નિમણૂંક કરતા અને શાસન કરતા.પણ દિલ્હી પર જ્યારે તઘલક વંશ ચાલતો હતો ત્યારે ગુજરાતના સુબા મુઝફ્ફરશાહે પોતાને સ્વતંત્ર રીતે ગુજરાતનો બાદશાહ જાહેર કર્યો અને પરિણામે ગુજરાત પર સત્તાવાર રીતે મુસ્લિમ શાસનનો આરંભ થયો.આ મુઝફ્ફરશાહનો પૌત્ર એટલે અહેમદશાહ, અહેમદશાહને ગુજરાત માટે નવા પાટનગરની શોધ હતી. એક લોકવાયિકા અનુસાર એક દિવસ સાબરમતીને કાંઠે તે આ શોધ માટે ફરતો હતો અને તેમણે એક સસલાને કુતરાનો પીછો કરતાં જોયું અને વિચાર્યુ કે આ નદીના પાણીમાં કંઈક તો છે માટે જ આ જગ્યા મારા પાટનગર માટે યોગ્ય છે આથી કહેવાયું કે "જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા" અને 26 ફેબ્રુઆરી 1411માં શહેરનો પાયો નખાયો જે 'સદાબાદ' તરીકે ઓળખાયુ અને પાછળથી 'અમદાવાદ' તરીકે.
મહેમૂદ શાહનું નામ મહેમૂદ બેગડો કેવી રીતે પડ્યું?
અહેમદશાહ બાદ તેનો પૌત્ર મહેમૂદ શાહ બેગડા ગાદી પર આવ્યો તેણે જૂનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તેને 'બેગડો' તરીકે ઓળખવામાં આવ્યો. આ મહેમૂદ બેગડાએ ઇ.સ .1487માં શહેરને આક્રમણો સામે સુસજ્જ બનાવવાનો નિશ્ચય કર્યો અને શહેરની ફરતે કોટ બાંધ્યો જેમાં 12 દરવાજાઓ હતા સાથે ભદ્રની બહાર અનેક ધર્મશાળા, બાગ બગીચા અને રસ્તાઓ બનાવ્યા સાથે સરખેજમાં તળાવ પણ બંધાવ્યુ. એકવાર બેગડા પાટણથી અમદાવાદ આવ્યા બાદ 3 મહિના બીમાર રહ્યા અને બાદમાં 67 વર્ષનું રાજ કરી મૃત્યુ પામ્યા. બેગડા બાદ તેમનો પુત્ર મુઝફ્ફર શાહ ગુજરાતની ગાદી પર બેઠો અને ત્યારબાદ બહાદુર શાહ ગાદી પર આવ્યો. જેણે ચિતોડ પર હુમલો કરતા ચિતોડની રાણીએ હુમાયુને રાખડી મોકલી. રાખડી મળતા જ હુમાયુ બહેનની મદદે આવી પહોંચ્યો અને હુમાયુના લશ્કરને જોતા જ બહાદુર શાહ નાસી છુટ્યો. હુમાયુ બહાદુર શાહનો પીછો કરતા કરતા માળવા અને ત્યારબાદ ચાંપાનેર જીતી અમદાવાદ આવ્યો. હુમાયુએ અશ્કરીને સુબો બનાવ્યો અને આગ્રા રવાના થયો. હુમાયુ બાદ અમદાવાદનું શાસન ફરી મુઝફ્ફરવંશના હાથમાં આવ્યું.ઈ.સ 1573માં અકબરે ગુજરાત પર આક્રમણ કર્યું અને અમદાવાદ તેના હાથમાં આવ્યું અને એ સાથે જ મુઝફ્ફરવંશની સત્તા કાયમ માટે ગુજરાતમાંથી ખતમ થઈ ગઈ. અકબર બાદ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબે પણ અમદાવાદમાં શાસન કર્યુ. બાદમાં ઈ.સ 1753માં મરાઠા લશ્કરે અમદાવાદને મુગલોના હાથમાંથી ઝૂંટવી લીધું.
ગાંધીનગર ભલે ગુજરાતનું રાજકીય પાટનગર હોય પણ આર્થિક પાટનગરતો અમદાવાદજ છે
આમ અમદાવાદમાં હિન્દુ, મુસ્લિમ, મુગલ, મરાઠા સહિતના અનેક રાજાઓએ વહીવટ કર્યો અને છેલ્લે આવ્યું અંગ્રેજી શાસન.અંગ્રેજી શાસનમાં અમદાવાદનો વિસ્તાર થયો તો સાથે સાથે અનેક શાળા, ધર્મશાળા ઉદ્યોગ ધંધાનો પણ વિકાસ થયો. અનેક લોકો અમદાવાદ તરફ વળ્યા, હોસ્પિટલ બનવા લાગી, હઠીસિંહના દેરા બન્યાં. ટેલિફોન સેવા શરૂ થઈ, એલિસબ્રિજ બન્યો. 1861માં રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં પ્રથમ મિલની સ્થાપના કરી. આ મિલની સ્થાપના બાદ એક પછી એક અન્ય મિલની સ્થાપના થતી ગઈ અને અમદાવાદ દેશનું માન્ચેસ્ટર બન્યુ. બાદમાં 1863માં રેલવેની શરૂઆત થઈ. શાસન અને શોષણ વચ્ચે 1915માં ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી અને દેશમાં આઝાદીની ચળવળ પણ ચાલી. અંતમાં 1947માં દેશ આઝાદ થયો અને 1960માં પરમપૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે મહાગુજરાતની રચના થઈ ત્યારે અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર બન્યું. 1971માં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ગાંધીનગર ભલે ગુજરાતનું રાજકીય પાટનગર હોય પણ આર્થિક પાટનગરતો અમદાવાદજ છે.
ભૂતકાળ તરફ દોરી જતી આ ઐતિહાસિક વાર્તામાં અનેક એવી બાબતો છે જે અમદાવાદની ઓળખમાં યશકલગી સમાન છે જે અમદાવાદના ઈતિહાસને વધુ ગૌરવવંતો બનાવે છે તે આહલાદક પ્રસંગોને પણ ક્યારેક વાગોળીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર