નવાઝુદ્દીન સિદ્દીકીની બહેનનું 26 વર્ષની ઉંમરમાં કેન્સરની બીમારીથી મોત

બહેન સાથે નવાઝુદ્દીન સિદ્દીકી.

સ્યામા તામ્શી સિદ્દીકી જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેણીને અંતિમ એડવાન્સ સ્તરનું બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું.

 • Share this:
  નવી દિલ્હી : અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની બહેન સ્યામા તામ્શી સિદ્દીકીનું શનિવારે કેન્સરની બીમારીને કારણે નિધન થયું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પરિવારના સૂત્રોના હવાલેથી આ ખબર આપી છે. સ્યામાની ઉંમર ફક્ત 26 વર્ષ હતી.

  સ્યામા તામ્શી સિદ્દીકી જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેણીને અંતિમ એડવાન્સ સ્તરનું બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકાએ પોતાની એક પોસ્ટમાં આ અંગે માહિતી આપી હતી. પીટીઆઈના જણાવ્યા પ્રમાણે બહેનનું નિધન થયું ત્યારે નવાઝીદ્દીન સિદ્દીકી અમેરિકામાં બાંગ્લાદેશી ફિલ્મ નિર્માતા મુસ્તફા સરવાર ફારૂકીની આગામી ફિલ્મ 'નૉ લેન્ડ્સ મેન'નું શૂટિંગ કરવામાં વ્યસ્ત હતો. રવિવારે ઉત્તર પ્રદેશના બુધના ગામ ખાતે સ્યામાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બુધના નવાઝુદ્દીન સિદ્દીકીનું પૈતૃક ગામ છે.

  ગત વર્ષે ઓક્ટોબરમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ તેની બહેનના 25માં જન્મ દિવસે ટ્વિટર પર ભાવુક સંદેશ સાથે તેણી કેન્સર પીડિત હોવાની માહિતી આપી હતી. "મારી બહેન જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેણીને એડવાન્સ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. તીવ્ર ઇચ્છાશક્તિ અને અડગ મનને કારણે તેણી અનેક પડકારો સામે ઝઝૂમી છે. આજે તે 25 વર્ષની થઈ રહી છે, તેણી આજે પણ આ બીમારી સામે લડી રહી છે." સાથે જ નવાઝુદ્દીન સિદ્દીકીએ તેની બહેનને સતત પ્રેરણા આપવા માટે ડૉક્ટરોનો પણ આભાર માન્યો હતો.

  નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કૉમેડી ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર' ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં નવાઝ સાથે આથિયા શેટ્ટીએ કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મને બોક્સ ઓફિસ પર નબળો પ્રતિસાદ મળ્યો હતો. નવાઝુદ્દીનના ખાતામાં 'બોલે ચુડિયા' ફિલ્મ પણ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: