મુંબઈ: બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ધ બિગ બુલ’ 8 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને સોશ્યલ મીડિયા યૂઝર્સ અલગ અલગ સવાલ કરી રહ્યા છે. જૂનિયર બચ્ચન હંમેશા શાંત અને સૌમ્ય જોવા મળે છે. પરંતુ તેમના બુદ્ધિમાની ભર્યા જવાબને કારણે હંમેશા ફેન્સની પ્રશંસા મેળવી લે છે. તેમની અપકમિંગ ફિલ્મને લઈને તેમણે સોશ્યલ મીડિયા પર યુઝરને ખૂબ જ મજેદાર જવાબ આપ્યો છે.
ટ્વિટર પર એક યૂઝરે અભિષેક બચ્ચનને સવાલ પૂછ્યો કે, “મેં ‘સ્કેમ 1992’ જોઈ લીધી છે, તો મારે શા માટે ‘ધ બિગ બુલ’ જોવી જોઈએ?” જૂનિયર બચ્ચને આ સવાલનો જવાબ આપતા કહ્યું “કારણ કે, તેમાં હું છું”. જૂનિયર બચ્ચનનો આ જવાબ સાંભળીને તેમના ફેન્સને મજા પડી ગઈ છે. યૂઝરે જૂનિયર બચ્ચનને રિપ્લાય આપ્યો છે કે, “હું અભિષેક બચ્ચનના આ જવાબ માટે ‘ધ બિગ બુલ’ જોઈશ.”
‘ધ બિગ બુલ’નું ટ્રેલર રિલીઝ થતા આ ફિલ્મની સરખામણી ‘સ્કેમ 1992’ સાથે કરવામાં આવી રહી છે. આ જ વિષય પર બનાવવામાં આવેલ ફિલ્મ ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાનું પાત્ર પ્રતિક ગાંધી દ્વારા ભજવવામાં આવ્યું હતું. તેમના આ પાત્રને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલર રિલીઝ થતા જ સોશ્યલ મીડિયા પર અભિષેક બચ્ચનની અને પ્રતિક ગાંધીની સરખામણી કરવામાં આવી રહી છે.
અભિષેક બચ્ચનની અપકમિંગ ફિલ્મ ‘ધ બિગ બુલ’ 8 એપ્રિલના રોજ ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં હર્ષદ મહેતાના પાત્રને એક અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝ ડેટમાં લંબાવવમાં આવી હતી. આ ફિલ્મ અજય દેવગન અને આનંદ પંડિત દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે તથા કૂકી ગુલાટી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. હવે આ ફિલ્મને દર્શકોનો કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર