Home /News /election2017 /

બાપુનગર વિધાનસભાની બેઠક માટે એક કિન્નરે નોંધાવી ઉમેદવારી

બાપુનગર વિધાનસભાની બેઠક માટે એક કિન્નરે નોંધાવી ઉમેદવારી

અમદાવાદ: બાપુનગર વિધાનસભાની બેઠક માટે કિન્નર નરેશ જયશ્વાલ ઉર્ફે કિન્નર રાજુ માતાજીએ પોતાની ઉમેદવારી નોંધાવી


રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈને અલગ અલગ રાજકીય પક્ષો વચ્ચે જબરદસ્ત પ્રચારયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ચૂંટણીના આ મહાસંગ્રામમાં તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાનાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓને ઉમેદવાર બનાવ્યાં છે. એવામાં એક કિન્નર ઉમેદવાર સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે અને કહી રહ્યો છે કે રાજકારણમાં માત્ર પુરુષો કે સ્ત્રીઓ નહિ, પરંતુ હવે કિન્નરનું પણ મહત્વનું યોગદાન નોંધવામાં આવશે.


ચૂંટણી સમયે ભલે ચૂંટણીપંચ દ્વારા ખર્ચની મર્યાદા નક્કી કરી હોય તોપણ રાજકારણના આ અખાડામાં લાખો રૂપિયા ખર્ચવા પડે છે. એમાં ઉપરથી રાજકીય પક્ષો કાર્યકર્તાઓની પ્રતિભા જોઈને અને ગજું જોઈને ટિકિટ ફાળવાતા હોય છે. એવામાં અમદાવાદના બાપુનગર વિધાનસભાની બેઠક માટે એક કિન્નરે ઉમેદવારી નોંધાવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. બાપુનગરની એક બિસમાર ચાલીમાં રહેતા નરેશ જયશ્વાલ ઉર્ફે કિન્નર રાજુ માતાજી આજકાલ બાપુનગરના રહીશોના ઘરે ઘરે ફરે છે અને એક વોટ અને તક માગી રહ્યા છે. એક તરફ મોટી મોટી પાર્ટીઓના મોટા મોટા રોડ શો તો બીજી તરફ કિન્નર રાજુ માતાજીનું ડોર ટુ ડોર પ્રચારયુદ્ધ ખરેખર કીડીના પહાડ પર ચઢવાની કહેવત અને કીડીના સાહસ જેવી વાત થઈ રહી છે.


અત્યારસુધીના રાજકારણમાં અલગ અલગ પક્ષો દ્વારા મસમોટા નેતાઓ બાપુનગરથી આગળ નીકળ્યા છે. પછી ભલે તે પૂર્વ ગૃહપ્રધાન ગોરધનભાઈ ઝડપિયા હોય કે પછી વાહન-વ્યવહારપ્રધાન વલ્લભભાઈ કાકડિયા હોય. પ્રધાનની બેઠક ગણાતી બાપુનગર વિધાનસભા બેઠક પર ભલે સામાન્ય જનતા અને મતદાતા પોતાના વોટથી પ્રધાન ઊભા રાખતા હોય, પરંતુ બાપુનગરની અનેક ચાલીઓમાં અને સોસાયટીઓમાં તંત્રના આંખ આડા કાનની ફરિયાદો અનેક વખત જોવા મળી છે. એવામાં કોંગ્રેસ અને ભાજપથી કંટાળેલા મતદાતાઓ માટે આશાનું એક કિરણ બતાવવા આજે ઘરે ઘરે ફરી રહ્યા છે કિન્નર રાજુ માતાજી!


રાજુ કિન્નર બાપુનગર વિસ્તારમાં આજે દરેક ઘરનો દરવાજો ખખડાવે છે અને પોતાની વાત રજૂ કરે છે અને લોકોની વાત જાણી પણ રહ્યા છે. રજુ કિન્નર સ્થાનિક કાર્યકર્તા છે અને અગાઉ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પોતે 2015ના વર્ષમાં 1706 જેટલા મત મેળવી સૌને આંચકો આપી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત સ્થાનિકોની મદદથી કિન્નર રાજુ માતાજી વિધાનસભાની ચૂંટણી લડવાનું સાહસ કરી રહ્યા છે ત્યારે સ્થાનિકોને પણ અપેક્ષા છે કે આ વખતે રાજુ માતાજી આશ્ચર્યજનક મત મેળવશે અને સાચા અર્થમાં બાપુનગરના સ્થાનિકોને પોતાનો નેતા મળશે. સ્થાનિકો એમ પણ કહી રહ્યા છે કે ભલભલા મર્દ પણ જેરાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી જીત્યા બાદ દેખાતા નથી, ચૂંટણી આવે એટલે નેતાજીનાં દર્શન થાય અને ચૂંટણી જીત્યા પછી માત્ર પોતાના ઘર ભરતા હોવાના અનેક આક્ષેપ થતા હોય છે. ત્યારે કિન્નર રાજુ માતાજી પણ કહી રહ્યા છે કે અત્યારસુધી નેતાજીઓ ખિસ્સાં ભરવા રાજકારણમાં આવે છે ત્યારે કિન્નર રાજુ માતાજી પોતે એક ચાલીમાં રહે છે. પોતાની પાસેની રૂ. 40 હજારની મહામૂલી બચતમાંથી રૂ.10 હજાર ચૂંટણીની ડિપોઝિટ માટે ખર્ચી છે. રૂ.17 હજારનાં પેમ્પલેટ છપાવ્યાં છે, જેના દ્વારા તેઓ પ્રચાર કરશે. જ્યારે બાકી રહેલા રૂપિયા તેમના સ્કૂટરના પેટ્રોલમાં જશે. હવે જોવું એ રહ્યું કે મતદાતાઓ કિન્નર રાજુ માતાજીનું સ્કૂટર વિધાનસભા પહોંચાડે છે કે પછી પેટ્રોલ ખૂટી પડે છે.

First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, અમદાવાદ

આગામી સમાચાર