Home /News /dharm-bhakti /

જ્યારે શ્રીકૃષ્ણએ એક ભક્ત પાસે કરાવ્યો અન્ય ભક્તોનો અહંકાર ચૂર-ચૂર

જ્યારે શ્રીકૃષ્ણએ એક ભક્ત પાસે કરાવ્યો અન્ય ભક્તોનો અહંકાર ચૂર-ચૂર

પ્રતિકાત્મક તસવીર

ભગવાન તેમની વાતો સાંભળીને મનમાં જ હસી રહ્યાં હતા. તેઓ જાણી ગયા હતા કે, ત્રણ ભક્તોને અહંકાર થઈ ગયો છે અને તેમના અહંકારને નષ્ટ કરવાનો સમય આવી ગયો અને પછી...

  શ્રીકૃષ્ણ ભગવાન દ્વારકામાં રાણી સત્યભામા સાથે સિહાસન પર બિરાજમાન હતા, નજીક જ ગરૂડ અને સુદર્શન ચક્ર પણ બેઠા હતા. ત્રણેયના ચહેરાઓ પર દિવ્ય તેજ ઝળહળી રહ્યો હતો. વાતો વાતોમાં રાણી સત્યભામાએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે, હૈ પ્રભુ! તમે ત્રેતાયુગમાં રામના રૂપમાં અવતાર લીધો હતો, સીતા તમારી પત્ની હતા. શું તે મારા કરતાં પણ સુંદર હતા?

  દ્વારકાધીશ સમજી ગયા કે, સત્યભામાને પોતાના રૂપનો અભિમાન થઈ ગયો છે. ત્યારે ગરૂડે કહ્યું કે, ભગવાન શું દુનિયામાં મારા કરતાં પણ વધારે ઝડપી ગતિથી કોઈ ઉડી શકે છે? તો બાજુમાં બેઠેલા સુદર્શન ચક્રને પણ રહેવાયું નહી અને તે પણ બોલી ઉઠ્યો કે, ભગવાન મે મોટા-મોટા યુદ્ધોમાં તમને વિજયશ્રી અપાવ્યા છે, શું સંસારમાં મારા કરતાં પણ શક્તિશાળી કોઈ છે?

  ભગવાન તેમની વાતો સાંભળીને મનમાં જ હસી રહ્યાં હતા. તેઓ જાણી ગયા હતા કે, ત્રણ ભક્તોને અહંકાર થઈ ગયો છે અને તેમના અહંકારને નષ્ટ કરવાનો સમય આવી ગયો છે. એવું વિચારીને તેમને ગરૂડને કહ્યું કે, હૈ ગરૂડ! તમે હનુમાન પાસે જઈને કહો કે, ભગવાન રામ માતા સીતા સાથે તેમની પ્રતીક્ષા કરી રહ્યાં છે. ગરૂડ ભગવાનની આજ્ઞા લઈને હનુમાન પાસે જવા ઉપડ્યો.


  તો આ બાજુ શ્રીકૃષ્ણએ સત્યભામાને કહ્યું કે, દેવી! તમે સીતાના રૂપમાં તૈયાર થઈ જાઓ અને સ્વયં દ્વારકાધીશે રામનું સ્વરૂપ ધારણ કરી લીધું. કાળીય ઠાકોરે સુદર્શન ચક્રને પણ આજ્ઞા આપી દીધી કે, તમે મહેલના પ્રવેશ દ્વાર પર પહેરો આપો અને ધ્યાન રાખો કે મારી આજ્ઞા વગર મહેલમાં કોઈ પ્રવેશ ના કરે.

  ભગવાનની આજ્ઞા મળવાની સાથે જ ચક્ર મહેલના પ્રવેશ દ્વાર પર ઉભો થઈ ગયો. ગરૂડે હનુમાનજી પાસે પહોંચીને કહ્યું કે, હૈ વાનરશ્રેષ્ઠ! ભગવાન રામ માતા સીતા સાથે દ્વારકામાં તમને મળવા માટે પ્રતીક્ષા કરી રહ્યાં છે. તમે મારા સાથે ચાલો. હું તમને મારી પીઠ પર બેસાડીને ઝડપી ત્યાં લઈ જઈશ.

  હનુમાનજીએ વિનયપૂર્વક ગરૂડને કહ્યું, તમે ચાલો, હું આવું છું. ગરૂડે વિચાર્યું કે, ખબર નહી આ ગરડો વાનર ક્યારે પહોંચશે? આમ વિચારીને તેને ઝડપી દ્વારકા તરફ ઉડવા માંડ્યુ પરંતુ મહેલમાં પહોંચીને ગરૂડે જોયું કે, હનુમાનજી તો તેનાથી પહેલા પ્રભુ સામે બેઠા છે. ગરૂડનું માથું શરમથી નીચે ઝૂકી ગયું.

  ત્યારે શ્રીરામે હનુમાનજીને કહ્યું કે, પવનપુત્ર! તમે આજ્ઞા વગર મહેલમાં પ્રવેશ કરી લીધો? શું તમને કોઈએ પ્રવેશ દ્વાર પર રોક્યા નહી?

  હનુમાનજીએ હાથ જોડીને માથું નમાવીને પોતાના મોઢામાંથી સુદર્શન ચક્રને નિકાળીને તેમની સામે મૂકી દીધું. હનુમાનજીએ કહ્યું પ્રભુ! તમને મળવાથી મને આ ચક્રએ રોક્યો હતો તેથી તેને મોઢામાં દબાવીને જ તમને મળવા માટે આવી ગયો. મને ક્ષમા કરો.

  ભગવાન મનમાં જ હસવા લાગ્યા. હનુમાને હાથ જોડતા શ્રીરામને પ્રશ્ન કર્યો કે, "હૈ પ્રભુ! આજે તમે માતા સીતાના સ્થાન પર કોઈ દાસીને આટલો બધો સન્માન આપ્યો છે કે તે તમારા સાથે સિંહાસન પર બિરાજમાન છે"

  સત્યભામાને સુંદરતાનું અહંકાર હતું, જે હનુમાનજીના શબ્દો સાંભળીને ક્ષણભરમાં ચૂર થઈ ગયું હતું. રાણી સત્યભામા, સુદર્શન ચક્ર અને ગરૂડજી ત્રણેયનો ગર્વ ચૂર-ચૂર થઈ ગયા હતા. તેઓ ભગવાનની લીલા સમજી રહ્યાં હતા. ત્રણેય આંખોમાં આંસુ સાથે ભગવાનના ચરણોમાં ઝૂકી ગયા હતા.
  Published by:kiran mehta
  First published:

  Tags: When

  આગામી સમાચાર