Home /News /dharm-bhakti /પાકિસ્તાનથી ભારતીય સૈનિકો હનુમાન દાદાને લઈ આવ્યા અને બનાવ્યું ભવ્ય મંદિર, જાણો તેમનો ઈતિહાસ
પાકિસ્તાનથી ભારતીય સૈનિકો હનુમાન દાદાને લઈ આવ્યા અને બનાવ્યું ભવ્ય મંદિર, જાણો તેમનો ઈતિહાસ
પાકિસ્તાનથી લાવ્યા હનુમાન દાદાને
કચ્છમાં અનેક પર્યટન સ્થળો આવેલા છે. આ સાથે અનેક પૌરાણિક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. કચ્છમાં ભારત પાકિસ્તાન આંતરાષ્ટ્રીય સરહદ પર આવેલું ભેડિયા બેટ હનુમાનજીનું મંદિર એક અનન્ય પ્રવાસન ધામ સાથે પર્યટન સ્થળ બની રહ્યું છે. ત્યારે આ મંદિરનો ઇતિહાસ અને મહત્વ શું છે?
Dhairya Gajara, Kutch: કચ્છમાં પ્રવાસન સ્થળો સાથે તીર્થધામો પણ અનેક છે. જેમાં માતાનો મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર જેવા અનેક તીર્થ સ્થળો ખાતે પ્રવાસન સીઝન દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો ઊમટતા હોય છે, પરંતુ કચ્છમાં આવેલું આ હનુમાનજીના મંદિરનું વિશેષ મહત્વ છે.
ભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદ પર આવેલું આ મંદિર દેશની સુરક્ષા કરતા જવાનોની આસ્થાનું પ્રતિક છે અને જવાનો સાથે જાણે હનુમાનજી પણ દેશની સરહદના રખોપા કરતા હોય તેવો આભાસ આ મંદિર કરાવે છે.
લોકવાયકા મુજબ, 1971ના યુદ્ધ બાદ જ્યારે જવાનો પરત ફરી રહ્યા હતા, ત્યારે જવાનોના એક સમૂહને આંતરાષ્ટ્રીય સીમા નજીક રણમાં હનુમાનજીની મૂર્તિ મળી હતી અને તે સમયે થયેલી આકાશવાણીએ જવાનોને તે સ્થાન પર હનુમાનજીનું મંદિર બનાવવા સૂચના આપી હતી. જ્યારે બીજી એક લોકવાયકા એ પણ છે કે, જવાનોને પાકિસ્તાનની જત તલાઈ ચોકી પાસે આ મૂર્તિ મળી હતી અને તેને ભારતીય સરહદમાં ખસેડી સરહદની સમીપે મંદિર બનાવ્યું હતું.
મંદિરનું 2.5 કરોડના ખર્ચે પુનઃનિર્માણ
વર્ષ 2018માં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આ મંદિરની મુલાકાત લઈ તેની દયનીય પરિસ્થિતિ નિહાળી હતી અને મહંત સ્વામીને સરહદ પરના આ વિશેષ મંદિર માટે કંઇક કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ભુજ મંદિર દ્વારા આ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ નાના એવા મંદિરને 2.5 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરી સરહદ પર એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. આજે અનેક પ્રવાસીઓ ભુજથી 150 કિલોમીટરનો લાંબો અંતર કાપી ખાસ આ મંદિરના દર્શનાર્થે પહોંચે છે.
આ મંદિર પ્રત્યે જવાનોને પણ અતૂટ શ્રદ્ધા છે. જવાનો અહીં આવી પોતાની ઈચ્છા રજૂ કરી આમન્યા માને છે અને તે પૂરી થવા પર મંદિરમાં એક ઘંટ ચઢાવે છે. તો અહીંથી બદલી પામીને જતા જવાનો પણ મંદિરમાં ઘંટ બાંધી પોતાની શ્રદ્ધાનો એક અનન્ય ઉદાહરણ પુરું પાડે છે. આંતરાષ્ટ્રીય સરહદ નજીકનો મેન્સ ઝોન કહેવાતા વિસ્તારમાં આ મંદિર આવેલું હોતાં પ્રવાસીઓને અહીં દર્શન માટે આવવા બીએસએફ પાસેથી પૂર્વ અનુમતિ મેળવવી પડે છે.
ફરવા જતા પહેલા લેખિત અરજી
પ્રવાસીઓને પોતાના પ્રવાસના દિવસથી પાંચ-સાત દિવસ પહેલા એક લેખિત અરજી ભુજના કોડકી રોડ પર આવેલા BSF સેક્ટર હેડક્વાર્ટર ખાતે જમા કરાવવાની હોય છે. BSFના DIGને સંબોધિત પત્રમાં પ્રવાસની તારીખ, ઉદ્દેશ્ય સાથે પ્રવાસીઓની સંખ્યા, નામ અને ગાડીની વિગતો પણ જણાવવી પડે છે. તો સાથે જ દરેક પ્રવાસીઓના સરકાર માન્ય ઓળખ પત્ર અને ગાડીના રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની નકલ પણ જમા કરાવવાની હોય છે. બે થી ત્રણ દિવસમાં બીએસએફ દ્વારા ચકાસણી કરી પરમીટ આપવામાં આવતી હોય છે.