બાળકોને ગણેશજીની માટીની પ્રતિમા બનાવવાની તાલીમ આપવામાં આવે છે.
ઉંબરો ગ્રુપના સભ્યો દ્વારા શહેરના નાગરિકો તેમજ બાળકોને ગણેશ પ્રતિમા બનાવવાની તાલીમ આપી સમાજમાં એક સકારાત્મક સંદેશ સાથે પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રુપ દ્વારા નાગરિકો કે બાળકો પાસે તાલીમ પેટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.
Nidhi Dave, Vadodara: શહેરને સંસ્કારી નગરી સાથે કલા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ કલાનગરીના કલાકારોએ પોતાની કળાને સામાન્ય નાગરિકોને અર્પણ કરી એક અનોખી મુહિમની શરૂઆત કરી છે. આપણે આજે વાત કરી રહ્યા છીએ ગણેશ ચતુર્થીની. ગણેશ ચતુર્થીને હવે માત્ર એક દિવસ આડે છે ત્યારે શહેરના ઉંબરો નામના ગ્રુપ સાથે સંકળાયેલા સભ્યો દ્વારા બાળકો માટે ગણેશ પ્રતિમા બનાવવાની એક અનોખી તાલીમ શાળા શરૂ કરવામાં આવી છે.
ગ્રુપના સભ્યો દ્વારા શહેરના નાગરિકો તેમજ બાળકોને ગણેશ પ્રતિમા બનાવવાની તાલીમ આપી સમાજમાં એક સકારાત્મક સંદેશ સાથે પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ગ્રુપના સભ્યો દ્વારા મોટા પ્રમાણમાં બાળકોને પ્રતિમા બનાવવાની તાલીમ આપવામાં આવી છે. બાળકોને ગણેશજીની માટીની પ્રતિમા બનાવવાની તાલીમ આપવામાં આવે છે, ત્યારે અહી આવતા બાળકો પોતેજ પોતાની ગણેશ પ્રતિમા બનાવી પોતાના ઘરે સ્થાપિત કરતા હોય છે.
બાળક જ્યારે પોતેજ પોતાના હાથથી પ્રતિમા બનાવે ત્યારે તે અલગ લાગણી સાથે બંધાય છે. આ ગ્રુપ દ્વારા નાગરિકો કે બાળકો પાસે તાલીમ પેટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. પ્રતિમા બનાવવાની સાથે સાથે બાળકોને માટીની પ્રતિમાનું મહત્વ તેમજ પી.ઓ.પી.થી થતા નુકસાન અંગે જાગૃત કરવામાં આવે છે. ત્યારે ઉંબરો ગ્રુપની આ અનોખી મુહિમ સાચા અર્થમાં પ્રભુ ભક્તિ અને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપી જાય છે.