Home /News /dharm-bhakti /Tulsi Vivah 2022: તમે પણ કરી શકો છો તુલસી વિવાહ, જાણી લો આ વિશેષ નિયમો, મળશે કન્યાદાનનું પુણ્ય

Tulsi Vivah 2022: તમે પણ કરી શકો છો તુલસી વિવાહ, જાણી લો આ વિશેષ નિયમો, મળશે કન્યાદાનનું પુણ્ય

દેવઉઠી એકાદશીનું શાસ્ત્રોમાં ઘણું મહત્વ

Tulsi Vivah 2022 Puja Vidhi: દેવ ઉઠી એકાદશીને આખા વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ કરાવવાનું પણ ચલણ છે. ચાલો જાણીએ કે તુલસી વિવાહ શા માટે કરાવવામાં આવે છે અને તેને કરાવવાથી શું પુણ્ય પ્રાપ્ત થાય છે.

  Dev Uthani Ekadashi 2022: દેવઉઠી એકાદશીનું શાસ્ત્રોમાં ઘણું મહત્વ માનવામાં આવે છે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ દેવોત્થાન એકાદશી, પ્રબોધિની એકાદશી અથવા દેવઉઠી એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. આ દિવસથી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે.

  આ વખતે દેવ ઉઠી એકાદશી 4 નવેમ્બરે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના તુલસી સાથે વિવાહ થાય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગ્યા પછી સૌથી પહેલા તુલસીનો પોકાર સાંભળે છે. આવો જાણીએ તુલસી વિવાહનું મહત્વ.

  આ પણ વાંચો : આ 4 રાશિઓની ખુશીઓ પર 'ગ્રહણ' લગાવશે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, પડશે નકારાત્મક પ્રભાવ

  તુલસી વિવાહનું મહત્વ


  એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી કન્યા દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો તમે હજી સુધી કન્યાદાન કર્યું નથી, તો તમે તુલસી વિવાહ કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. આ સિવાય જે ભક્તો તુલસી વિવાહ વિધિ-વિધાન સાથે કરે છે તે ભક્તોને અંતમાં મોક્ષનીન પ્રાપ્તિ થાય છે. તેની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ તેમના પર બની રહે છે. તેની સાથે લગ્નજીવનમાં આવતા અવરોધોથી પણ મુક્તિ મળે છે.

  પૌરાણિક કથા


  શિવપુરાણની કથા અનુસાર, ભગવાન શિવના ક્રોધના તેજથી, એક તેજસ્વી દૈત્ય બાળકે જન્મ લીધો, જે પાછળથી દૈત્યરાજ જલંધર કહેવાયો. જલંધરના લગ્ન વૃંદા સાથે થયા હતા. વૃંદા એક પતિવ્રતા સ્ત્રી હતી. જલંધરને વરદાન હતું કે જ્યાં સુધી તેની પત્નીનું સતીત્વ નષ્ટ ન થાય ત્યાં સુધી તેનું મૃત્યુ નહીં થાય. જલંધરે ચારે તરફ હાહાકાર મચાવી દીધો હતો. તેણે પરાક્રમથી સ્વર્ગ જીતી લીધું હતું અને તે તેની શક્તિના ઘમંડમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયો હતો.

  આ પણ વાંચો : લગ્નના શુભ મુહૂર્ત નવેમ્બરથી શરૂ, 2023માં કઇ-કઇ તારીખે વાગશે શરણાઇ, જોઇ લો લિસ્ટ

  તેવામાં એક દિવસ તે કૈલાસ પર્વત પર પહોંચ્યો. ત્યાં તેણે ભગવાન શિવનો વધ કરવાનો પ્રયાસ કર્યો. ભગવાન શિવનો અંશ હોવાથી તે શિવ જેટલો જ શક્તિશાળી હતો. આ સાથે તેની પાસે વૃંદાના સતીત્વની શક્તિ પણ હતી. આ કારણે ભગવાન શિવ પણ તેને મારી ન શક્યા. પછી બધા દેવતાઓએ મળીને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. આ પછી ભગવાન વિષ્ણુ જલંધરનો વેશ ધારણ કરીને વૃંદા પાસે પહોંચ્યા. વૃંદાએ તેને પોતાનો પતિ સમજી લીધો અને પતિવ્રતાનો વ્યવહાર કરવા લાગી. આનાથી તેનું સતીત્વ ભંગ થઇ ગયું. આવું થતાં જ વૃંદાનો પતિ જલંધર યુદ્ધમાં હાર્યો અને માર્યો ગયો.  આ પછી ભગવાન વિષ્ણુની લીલાની જાણ થતાં વૃંદા ક્રોધિત થઈ ગઈ. તેણે ભગવાન વિષ્ણુને પાષાણ બનવાનો શ્રાપ આપ્યો. આ પછી ભગવાન વિષ્ણુ પથ્થર બની ગયા. ભગવાન પથ્થર બની જતાં બ્રહ્માંડમાં અસંતુલન સર્જાયું હતું. આ પછી બધા દેવતાઓ વૃંદા પાસે પહોંચ્યા અને તેમને ભગવાન વિષ્ણુને શ્રાપમાંથી મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યા. પછી વૃંદાએ તેને શ્રાપમાંથી મુક્ત કર્યા અને આત્મદાહ કર્યો. જ્યાં વૃંદા ભસ્મ થઇ ત્યાં તુલસીનો છોડ ઉગ્યો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે વૃંદા, તારી પવિત્રતાના કારણે તું મને લક્ષ્મી કરતાં પણ વધુ પ્રિય બની ગઈ છે. તારો શ્રાપ સાકાર કરવા માટે તમે હંમેશા મારા એક સ્વરૂપમાં મારી સાથે રહેશો. હું તુલસીજી વિના પ્રસાદ સ્વીકારીશ નહીં. ત્યારથી, તુલસીને દૈવી છોડ તરીકે પૂજવામાં આવે છે. શાલિગ્રામ સાથે તુલસી વિવાહની પરંપરા દેવઉઠી એકાદશીના દિવસે શરૂ થઈ હતી.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Ekadashi 2022, Tulsi, Tulsi plant, Tulsi Vivaah

  विज्ञापन
  विज्ञापन