Home /News /dharm-bhakti /માતા પાર્વતીને તરસ લાગતા ભગવાન રામે માર્યું તીર, જાણો અંકલેશ્વરની આ જગ્યાનો મહિમા
માતા પાર્વતીને તરસ લાગતા ભગવાન રામે માર્યું તીર, જાણો અંકલેશ્વરની આ જગ્યાનો મહિમા
ભગવાન રામે અંકલેશ્વરમાં લાવી નર્મદા
અંકલેશ્વરના હાંસોટ માર્ગ પર આવેલા રામકુંડ એક પૌરાણિક ઇતિહાસ ધરાવે છે. જણાવી દઈએ કે, રામકુંડનો ઇતિહાસ ભગવાન રામ અને માતા જાનકી સાથે જોડાયેલો છે. આ ઉપરાંત, રેવાખંડ અને નર્મદા પુરાણમાં પણ રામકુંડનો ઉલ્લેખ જોવા મળે છે.
Aarti Machhi, Bharuch: ગુજરાતમાં અનેક જગ્યાએ પૌરાણિક સ્થળો આવેલા છે. જેમાં ભરૂચનો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, અંકલેશ્વર હાંસોટ માર્ગ પર રામકુંડ આવેલો છે. આ રામકુંડ સાથે પૌરાણિક ઇતિહાસ સંકળાયેલો છે. શું તમે જાણો છો? અંકલેશ્વરમાં સ્થિત રામકુંડને રામકુંડ કેમ કહેવામાં આવે છે?
રામકુંડનો નર્મદા પુરાણમાં ઉલ્લેખ
રામકુંડ તીર્થ એ ભરૂચ જિલ્લાની ધરોહર છે. ભગવાન રામ, માતા જાનકી સાથે અહીંયા પધાર્યા હતા. પૌરાણિક લોક કથા પ્રમાણે, સજોદથી આવતી વેળાએ માતાજીને તરસ લાગી હતી. આથી, ભગવાન રામે અહીં જમીન પર તીર માર્યું હતું અને એમાં નર્મદા પ્રગટ થયા હતા. ત્યારથી આ સ્થળને રામકુંડ કહેવામાં આવે છે.
આ સ્થળ ઐતિહાસિક સ્થળ છે. રામકુંડ તીર્થનો રેવાખંડ, નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં ઘણા સંતો અને મહાપુરુષો થઈ ગયા છે. આ સાથે જ, અહીંયા નર્મદા નદીની પરિક્રમા આવતા લોકોની સેવા કરવામાં આવે છે.
ભગવાન રામે અંકલેશ્વરમાં લાવી નર્મદા
નર્મદા પરિક્રમા માટે આવતા હજારો પરિક્રમાવાસીઓ રામકુંડ ખાતે આશ્રય મેળવે છે. આ સ્થળે મહંત ગંગાદાસબાપુ અને તેના અનુયાયો દ્વારા નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓને રહેવા, જમવા અને દવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી પરિક્રમા માટે આવતા નર્મદા પરિક્રમાવાસીઓને સરળતા રહે છે.
રામકુંડ તીર્થ ઉપર અમરકંટકથી રેવાસાગર સુધી નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. ચાલુ વર્ષેમાં નર્મદાની કૃપાથી રોજના 1000 થી 1500 પરિક્રમાવાસીઓ રામકુંડ ઉપર આવ્યાં હતાં. તેમને રહેવાની અને જમવાની સુવિધા પુરી પડવામાં આવે છે. તેમજ કોઇની તબીયત ખરાબ હોય તો વિનામુલ્યે દવા આપવામાં આવે છે.
રામકુંડ સ્થિત રામ જાનકી ગૌ શાળા આવેલી છે
રામકુંડ સ્થિત ભગવાન રામ અને જાનકીના નામથી રામ જાનકી ગૌ શાળા આવેલી છે. અહીં લગભગ નાની મોટી 108 થી 110 જેટલી ગાય છે. બાલમંદિર, દુધાળીથી લઈને સેવાવાળી ગાય છે. અમુક વાછરડી, વાછરડા, દુધાળી ગાય રાખવામાં આવી છે.