Angarki Sankashti Chaturthi 2021: આ વ્રત કથા વગર અધુરું મનાય છે અંગારકી સંકષ્ટી ચતુર્થીનું વ્રત, જાણો તેનું મહત્વ

પ્રતિકાત્મક તસવીર

પંચાગ અનુસાર આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. પરંતુ જ્યારે તે મંગળવારે આવે છે તો તે દિવસને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તે મહિનાની પહેલી ચતુર્થી તિથિ છે.

  • Share this:
પંચાગ અનુસાર આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. પરંતુ જ્યારે તે મંગળવારે આવે છે તો તે દિવસને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તે મહિનાની પહેલી ચતુર્થી તિથિ છે. આ તિથિ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. હિંદુ ધર્મમાં શ્રાવણ મહીનામાં આવતી ચતુર્થીને ગજાનન ચતુર્થી પણ કહે છે. માન્યતાઓ અનુસાર અંગારકી ચતુર્થી વ્રત કરનાર ભક્તોના મંગળ દોષ સમાપ્ત થઇ જાય છે અને તેમના તમામ સંકટો દૂર થાય છે. આ વખતે શ્રાવણ માસની ચતુર્થી તિથિએ અંગારિકી ચતુર્થી, ગજાનન ચતુર્થી, સંકષ્ટિ ચતુર્થી અને મંગળા ગૌરી વ્રત એક સાથે હોવાથી તેનું મહત્વ વધી ગયું છે. આ વખતે મંગળવાર હોવાથી હનુમાનજીની પૂજા પણ કરી શકાય છે.

આ દિવસે વ્રત રાખીને અથવા વ્રત રાખ્યા વગર પણ પૂજા કરી શકાય છે. શ્રાવણ માસમાં આવતા દરેક તહેવાર સાથે અલગ અલગ વાર્તાઓ પણ સંકળાયેલી હોય છે. જેને સાંભળીને ભક્તો વ્રતની ધન્યતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે સંકષ્ટી ચતુર્થી સાથે પણ એક પૌરાણિક વ્રત કથા જોડાયેલી છે. જેના વગર આ વ્રતને અધુરું માનવામાં આવે છે.

તો આવો જાણીએ આ વ્રત કથા –

એક વખત માતા પાર્વતી સ્નાન માટે ગયા તો તેમણે દ્વાર પર ભગવાન ગણેશને ઊભા રાખ્યા અને કહ્યું કે, કોઈ અંદર ન આવવું જોઇએ. પરંતુ થોડી વાર બાદ જ ભગવાન શિવ ત્યાં પહોંચ્યા તો ગણેજીએ તેમને અંદર પ્રવેશતા રોક્યા. ભગવાન શિવ ક્રોધિત થઇ ગયા અને તેમણે પોતાના ત્રિશૂલથી ગણેશજીનું માથું ધડથી અલગ કરી નાખ્યું. પોતાના પુત્રની આ સ્થિતિ જોઇને માતા પાર્વતી ખૂબ દુખી થયા અને શિવજી પાસે પુત્રને સાજો કરવાની હઠ કરવા લાગ્યા.

જ્યારે માતા પાર્વતીએ શિવજીને ખૂબ આજીજી કરી તો ભગવાન શિવે ગણેશજીને હાથીનું માથું લગાવીને બીજું જીવન પ્રદાન કર્યું. ત્યારથી તેમનું નામ ગજમુખ, ગજાનન પડી ગયું. આ દિવસથી ગણપતિને પ્રથમ પૂજ્ય હોવાનું ગૌરવ મળ્યુ અને તેમને વરદાન મળ્યું કે જે પણ ભક્ત કે દેવતા તમારી પૂજા કે વ્રત કરશે તેમના તમામ સંકટોનું નિવારણ થશે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.

સંકષ્ટી ચતુર્થી વ્રત મહુર્ત

અંગારકી ચતુર્થી તિથિ – 27 જુલાઇ, 2021, મંગળવાર

અંગારકી ચતુર્થી તિથિ પ્રારંભ – 27 જુલાઇ 2021ની સવારે 2.54 કલાકેથી

અંગારકી ચતુર્થી તિથિ સમાપ્ત – 28 જુલાઇ 2021એ સવારે 2.28 કલાક સુધી

અંગારકી ચતુર્થી તિથિ પર ચંદ્રોદયનો સમય – 27 જુલાઇ, 2021એ રાત્રે 09.50 કલાકે

ગજાનન સંકષ્ટી ચતુર્થીનું મહત્વ

અંગારકી સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરવામાં આવે છે અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા ભક્તો માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે. શ્રાવણ મહીનાના આ પહેલા સંકષ્ટિ ચતુર્થી વ્રત અને મંગળવાર બંને છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજાની સાથે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોના કષ્ટો દૂર થાય છે. મંગળદોષની સાથે શનિ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે. માન્યતાઓ અનુસાર, ગજાનન ચતુર્થી પર ભગવાન શિવની પૂજા કરવાથી તેમના પણ આશીર્વાદ ભક્તોને મળે છે.
Published by:kuldipsinh barot
First published: