Home /News /dharm-bhakti /‘Shakti Peeth Yatra’: જાણો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ક્યાં-ક્યાં સતી માતાના કયા અંગ પડ્યાં અને ‘શક્તિપીઠ’ રચાઈ

‘Shakti Peeth Yatra’: જાણો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ક્યાં-ક્યાં સતી માતાના કયા અંગ પડ્યાં અને ‘શક્તિપીઠ’ રચાઈ

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં આવેલી વિવિધ શક્તિપીઠના દર્શન

‘Shakti Peeth Yatra’: ગયા આર્ટિકલમાં આપણે શક્તિપીઠ વિશેની તમામ માહિતી મેળવી હવેથી દરરોજ નવ દિવસ સુધી આપણે અલગ-અલગ શક્તિપીઠના દર્શને જઈશું. આ આર્ટિકલમાં જાણીશું ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં આવેલી શક્તિપીઠ વિશે.

અમદાવાદઃ ગઈકાલના આર્ટિકલમાં આપણે જોયું કે, શક્તિપીઠ કેવી રીતે બની અને તેની પાછળનું કારણ શું. હવેથી નવ દિવસ આપણે દરરોજ અલગ-અલગ શક્તિપીઠના દર્શન કરીશું. આ આર્ટિકલમાં આપણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની શક્તિપીઠ વિશે વાત કરીશું. મધ્ય પ્રદેશમાં ત્રણ શક્તિપીઠ આવેલી છે. તો ગુજરાતમાં બે અને મહારાષ્ટ્રમાં એક શક્તિપીઠ આવેલી છે. તો ચાલો ‘શક્તિપીઠ યાત્રા’ની શરૂઆત કરીએ...

સૌથી પહેલાં વાત કરીશું ગુજરાતની. ગુજરાતમાં બે શક્તિપીઠ આવેલી છે. એક અંબાજી અને બીજી પ્રભાસ શક્તિપીઠ. અંબાજી શક્તિપીઠ વિશે તો સૌ કોઈ જાણતું હશે, પણ પ્રભાસ શક્તિપીઠ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

1. અંબાજી શક્તિપીઠ


ambaji shakti peeth garaphics
ગુજરાતમાં આવેલી ‘અંબાજી શક્તિપીઠ’


પ્રથમ શક્તિપીઠ ‘અંબાજી’ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. અહીં ભગવતી સતીનું હૃદય પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘અંબાજી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘બટુક’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે. અહીં મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી પણ ‘વીસા’ યંત્રની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કોઈપણ વ્યક્તિને આ ‘વીસા’ યંત્ર જોવાની પરવાનગી નથી. મંદિરના પૂજારી પણ અહીં આંખે પાટા બાંધીને યંત્રની પૂજા કરે છે.

2. પ્રભાસ શક્તિપીઠ


prabhash shakti peeth garaphics
ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી ‘પ્રભાસ શક્તિપીઠ’.


હવે વાત કરીએ બીજી શક્તિપીઠ ‘પ્રભાસ શક્તિપીઠ’ની. ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં આ શક્તિપીઠ આવેલી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી ખૂબ જ નજીક છે. અહીં ભગવતી સતીનો પેટનો ભાગ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘ચંદ્રભાગા’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘વક્રતુંડ’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ શક્તિપીઠ એટલે શું? કેવી રીતે બની શક્તિપીઠ અને તમામ માહિતી

તો આ હતી ગુજરાતમાં આવેલી શક્તિપીઠ. હવે વાત કરીશું મધ્ય પ્રદેશમાં આવેલી ત્રણ શક્તિપીઠની.

3. અવંતિ શક્તિપીઠ


avanti shakti peeth garaphics
મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈનમાં આવેલી ‘અવંતિ શક્તિપીઠ’.


‘અવંતિ શક્તિપીઠ’ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા ભૈરવ પર્વત પર આવેલી છે. અહીં ભગવતી સતીનો ઉપરનો હોઠ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘અવંતિ’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ ‘લંબકર્ણ’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

4. કાલમાધવ શક્તિપીઠ


kalmadhav shakti peeth garaphics
મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટકમાં નર્મદા કિનારે આવેલી ‘કાલમાધવ શક્તિપીઠ’.


હવે વાત ચોથી શક્તિપીઠ ‘કાલમાધવ શક્તિપીઠ’ની. આ શક્તિપીઠ મધ્ય પ્રદેશના અમરકંટકમાં નર્મદા નદી કિનારે આવેલી છે. અહીં ભગવતી સતીનું ડાબું નિતંબ પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘કાલી’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘અસિતાંગ’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

5. શોણ દેશ શક્તિપીઠ


shon desh shakti peeth garaphics
મધ્ય પ્રદેશના અમરકંટકમા નર્મદા નદીને કિનારે આવેલી ‘શોણ દેશ શક્તિપીઠ’


હવે પાંચમી શક્તિપીઠની વાત કરીએ તો, ‘શોણ દેશ શક્તિપીઠ’ પણ મધ્ય પ્રદેશના અમરકંટકમાં નર્મદા નદી કિનારે આવેલી છે. અહીં ભગવતી સતીનું જમણું નિતંબ પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘નર્મદા’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘ભદ્રસેન’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

તો આ હતી મધ્ય પ્રદેશમાં આવેલી ત્રણ શક્તિપીઠ. હવે મહારાષ્ટ્રમાં આવેલી એકમાત્ર શક્તિપીઠ વિશે વાત કરીશું.

આ પણ વાંચોઃ અંબાજીમાં 51 શક્તિપીઠના દર્શનનું સ્વપ્ન PM મોદીએ સાકાર કર્યું

6. જનસ્થાન શક્તિપીઠ


Jansthan shakti peeth garaphics
મહારાષ્ટ્રના નાસિકમાં સપ્તશૃંગી પર્વત પર આવેલી ‘જનસ્થાન શક્તિપીઠ’.


તો છઠ્ઠી અને મહારાષ્ટ્રની એકમાત્ર શક્તિપીઠ એટલે ‘જનસ્થાન શક્તિપીઠ’. અહીં ભગવતી સતીનું ચિબુક એટલે કે દાઢીની નીચેનો ઉપસેલો ભાગ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘ભ્રામરી’ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન શિવ ‘વિકૃતાક્ષ’ ભૈરવના રૂપે શક્તિપીઠની રક્ષા કરે છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Navratri 2022, Navratri Culture, Navratri Culture and Tradition, Navratri Puja

विज्ञापन
विज्ञापन