સત્સંગ સુધારસ: નવું વર્ષ બદલાયું, આપણા જુના સ્વભાવ, કુટેવને પણ બદલાવીએ

ઘડિયાળના કાંટા બેસીને આરામ કરવામાં માનતા નથી. ઉંધા વહેવામાં ઝરણાં કદી માનતા નથી. જિંદગીનું પણ એવું જ છે.

News18 Gujarati
Updated: January 4, 2019, 7:31 AM IST
સત્સંગ સુધારસ: નવું વર્ષ બદલાયું, આપણા જુના સ્વભાવ, કુટેવને પણ બદલાવીએ
શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર
News18 Gujarati
Updated: January 4, 2019, 7:31 AM IST
હવે, ઈ.સ. ૨૦૧૮નું વર્ષ પૂરું થઈ ગયું છે. ઈ.સ. ૨૦૧૯ નૂતન વર્ષના પગલાં પડશે કેલેન્ડરમાં પરિવર્તન આવી જશે. આપણે આ પરિવર્તનને સ્વીકારી લઈએ છીએ. પરંતુ આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવતા નથી. જીવનમાં પણ હવે પરીવર્તન લાવવાની જરૂર છે. જૂના વર્ષની સમજણ પ્રમાણે,આપણા જૂના સ્વભાવ પ્રમાણે જ ચાલીશું તો નવું વર્ષ બદલાયું તેનો અર્થ શું ? આપણા જૂના સ્વભાવ ને બદલાવીએ, જૂની કુટેવોને બદલાવીએ. આજની નવી પેઢી સાથે જોડાઈએ. નવા મિત્રો બનાવીએ. ધંધા - વેપારમાં નૂતન સફળતાના શિખરો સર કરવાના પ્લાનિંગની સાથે-સાથે આધ્યાત્મિક માર્ગે પણ વધુ પગલાં માંડીએ. જેથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સમીપે જલ્દીથી પહોંચી શકીએ.

અમૂલ્ય આ જિંદગીમાં જેટલી પળો આપણને મળી છે તેને જાણીએ અને માણીએ અને તેને સાર્થક બનાવીએ. ઘડિયાળના કાંટા બેસીને આરામ કરવામાં માનતા નથી. ઉંધા વહેવામાં ઝરણાં કદી માનતા નથી. જિંદગીનું પણ એવું જ છે. વહેતી જતી ક્ષણોમાં કાં તો આપણે તરવું પડે છે અને કાં તો પછી ડૂબી જવું પડે છે. આ ઈ.સ. ૨૦૧૯ ના વર્ષમાં કેટલીક ક્ષણો કાંટા જેવી તીક્ષ્ણ બનીને આવશે, તો કેટલીક ક્ષણો ગુલાબની પાંદડી ઓઢીને પણ આવશે. આ બધી જ ક્ષણો અંતે તો પ્રગટેલી મીણબત્તીની જેમ ધીમે – ધીમે તે ઓગળી જ જવાની છે. તેમ આપણું જીવન સરકી જ જવાનું છે તેમાં જે કાંઈ કાર્ય સાધીને સફળતા સર કરીશું તે જ આપણે પામી શકીશું.

શેખ સાદીનું સરસ એક વાકય છે કે, સમય આપણને શાણા બનાવે એ પહેલા આપણે સમયસર શાણા બની જવું જોઈએ.

જિંદગી બનાવીએ, સુગંધી ચંદન જેવી;

નહિ તો બની જશે, જરૂર ખંડેર જેવી.

જીવન એ ભગવાનની અમૂલ્ય બક્ષિસ છે, તેનો આપણે સદુપયોગ કરવાનો છે. જિંદગીની મધુરતા એને માણવામાં છે, વેડફવામાં નથી. જિંદગી જીવવા માટે છે, ક્ષણે ક્ષણે મરવા માટે નથી. જિંદગીના જંગમાં પરિશ્રમ કરનાર જ સફળતા મેળવે છે. જિંદગીમાં સફળ થવું હોય તો શ્રદ્ધાશ્રમ અને સેવાને સ્થાન આપવું જ પડશે. સમયના પ્રવાહમાં આપણે હવે તરતા શીખવું પડશે, નહિ તો ડૂબી જઈશું. આપણે આ ઈ.સ. ૨૦૧૯ ના નૂતન વર્ષમાં સારા વિચારો અને સંકલ્પો કરીને, જીવન જીવવાનું શરૂ કરીશું તો અવશ્ય સારાં કાર્ય કરી શકીશું. આપણું સૌનું આ નૂતન વર્ષ આલોક અને પરલોકમાં સુખી કરનારું બની રહે તેવી આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ અને આપણે સાથે - સાથે આપણા વર્તનમાં પરીવર્તન લાવવા માટે પુરુષાર્થ કરીએ.

શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી
Loading...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર
First published: January 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर