Home /News /dharm-bhakti /

Sawan 2022: રામેશ્વરમ તીર્થ યાત્રા અંગે સંપૂર્ણ જાણકારી, જાણો ધાર્મિક અને સંસ્કૃતિક મહત્વ

Sawan 2022: રામેશ્વરમ તીર્થ યાત્રા અંગે સંપૂર્ણ જાણકારી, જાણો ધાર્મિક અને સંસ્કૃતિક મહત્વ

રામેશ્વરમ મંદિર અંગે જાણો બધુ જ

હિંદુ ધર્મના ગ્રંથોમાં એવું માનવામાં આવે છે કે, ભગવાન રામ રાવણનો અંત કરીને સીતાજી સાથે પાછા આવ્યા ત્યારે ઋષિ-મુનિઓએ તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હોવાનું અને આ પાપથી મુક્ત થવાનું કહ્યું હતું. ત્યારબાદ શ્રીરામે રામેશ્વરમ ટાપુ પર બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે રામેશ્વરમમાં શિવલિંગની સ્થાપના કરવાનું વિચાર્યું હતું

વધુ જુઓ ...
  ધર્મભક્તિ ડેસ્ક:  રામેશ્વરમ જ્યોતિર્લિંગ મંદિર (Rameshwaram jyotirlinga) તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે. રામેશ્વરમ મંદિર (Rameshwaram Temple)માં સ્થિત જ્યોતિર્લિંગ ભગવાન શિવ (Lord Shiva)ના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. રામેશ્વરમને અગિયારમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ મંદિર હિન્દુઓના મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક છે. જેથી દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

  આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને ચાર ધામોમાંથી એક છે. રામેશ્વરમ તમિલનાડુ રાજ્યનું શાંત શહેર છે અને તે મનમોહક પંબન ટાપુનો એક ભાગ છે. આ શહેર પંબન ચેનલ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. રામેશ્વરમ ચેન્નાઈથી 596 કિમી અને શ્રીલંકાના મન્નાર ટાપુથી 1403 કિમી. દૂર સ્થિત છે.

  પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર હતા. ભગવાન રામે પત્ની સીતાને રાવણની ચુંગલથી બચાવવા માટે અહીંથી શ્રીલંકા સુધી એક પુલ બનાવ્યો હતો. રામેશ્વરનો અર્થ 'ભગવાન રામ' થાય છે અને આ સ્થળનું નામ ભગવાન રામના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અહીં સ્થિત પ્રસિદ્ધ રામનાથસ્વામી મંદિર ભગવાન રામને સમર્પિત છે. આ મંદિર શ્રદ્ધાળુઓમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તમે આ યાત્રાધામે હવાઈ, રેલ અને જમીન માર્ગે પહોંચી શકો છો. અહી રામેશ્વરમ મંદિરનું મહત્વ, મંદિરે કઈ રીતે પહોંચી શકાય અને અન્ય ધાર્મિક સ્થળો અંગે જાણકારી આપવામાં આવી છે.  પૌરાણિક મહત્વ

  પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ઘણા પુણ્ય અને ધાર્મિક કાર્યો કર્યા હતા. તેઓએ રાવણનો વધ કર્યો અને તેના રાક્ષસ સામ્રાજ્યનો અંત લાવ્યો હતો. હિંદુ ધર્મના ગ્રંથોમાં એવું માનવામાં આવે છે કે, ભગવાન રામ રાવણનો અંત કરીને સીતાજી સાથે પાછા આવ્યા ત્યારે ઋષિ-મુનિઓએ તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હોવાનું અને આ પાપથી મુક્ત થવાનું કહ્યું હતું.

  ત્યારબાદ શ્રીરામે રામેશ્વરમ ટાપુ પર બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે રામેશ્વરમમાં શિવલિંગની સ્થાપના કરવાનું વિચાર્યું હતું. તેમણે હનુમાનજીને કૈલાશ પર્વત પર મોકલ્યા જેથી તેઓ તેમનું લિંગ સ્વરૂપ ત્યાં લાવી શકે, હનુમાનજી ત્યાંથી નીકળી પણ ગયા, પરંતુ શિવલિંગ લઈને પાછા ફરવામાં તેમને મોડું થઈ ગયું હતું. તેથી માતા સીતાએ સમુદ્ર કિનારે રેતીના શિવલિંગની સ્થાપના કરી હતી.

  આ સાથે જ હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા શિવલિંગને સીતાજીએ બનાવેલા શિવલિંગ પાસે સ્થાપિત કરવામાં આવ્યું હતું. હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા લિંગને વિશ્વલિંગ કહેવામાં આવતું હતું, જ્યારે સીતાજીએ બનાવેલી લિંગને રામલિંગ કહેવામાં આવતું હતું. આ તીર્થના મુખ્ય મંદિરમાં આજે પણ આ બંને શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આ જ મુખ્ય શિવલિંગ જ્યોતિર્લિંગ છે. ભગવાન રામની સૂચના મુજબ વિશ્વલિંગમની પ્રથમ પૂજાનું આજે પણ ધ્યાન રખાય છે. આ પરંપરા દાયકાઓથી ચાલી આવે છે.

  પૌરાણિક ગ્રંથોમાં એવી પણ માન્યતા છે કે, ભગવાન રામ જ્યારે યુદ્ધ માટે લંકા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમણે સમુદ્ર કિનારે શિવલિંગ બનાવીને ભગવાન શિવની પૂજા કરી હતી. પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન ભોલેનાથે રામને વિજય થવાના આશીર્વાદ આપ્યા હતા. ભગવાન રામે ભોલેનાથને વિનંતી કરી હતી કે તેઓ હંમેશાં આ જ્યોતિર્લિંગ સ્વરૂપમાં અહીં રહે અને ભક્તોને તેમના આશીર્વાદ આપે. તેમની આ પ્રાર્થનાને ભગવાન શિવે સ્વીકારી લીધી અને તેઓ જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા હતા.  રામેશ્વર મંદિરનો ભવ્ય ઇતિહાસ

  રામેશ્વરમ મંદિર ભારતીય કળા અને કારીગરીનો સુંદર નમૂનો છે. ત્યાં હિંદ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલો એક સુંદર શંખ આકારનો ટાપુ છે. ટાપુના દક્ષિણ ખૂણામાં ધનુષકોટી નામનું એક મંદિર આવેલું છે, જ્યાં ભગવાન રામે લંકા પર ચડાઈ કરતા પહેલા પથ્થરોથી સેતુ બનાવ્યો હતો, જેના દરેક પથ્થર પર રામ નામ લખેલું હતું. ભગવાન રામનું નામ લખ્યું હોય તેવા પથ્થર દરિયામાં ડૂબ્યા નહોતા અને આ રામ સેતુ થકી વાનર સેના લંકા પહોંચી હતી અને ત્યાં જીત મેળવી હતી.

  આ મંદિર વિસ્તાર 15 એકરમાં છે. 11મી સદીથી વિવિધ શાસકોના શાસનકાળ દરમિયાન આ મંદિરમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. મંદિર પોતાની શાનદાર સુંદરતા માટે જાણીતું છે. રામેશ્વરમ મંદિરનો કોરિડોર દુનિયાનો સૌથી મોટો કોરિડોર માનવામાં આવે છે. તે ઉત્તર-દક્ષિણમાં 197 મીટર અને પૂર્વ-પશ્ચિમ 133 મીટર છે. તેની પહોળાઈ 6 મીટર છે અને ઊંચાઈ 9 મી છે. ગોપુરમ મંદિરના પ્રવેશદ્વારથી લઈને મંદિરના દરેક સ્તંભ, દરેક દિવાલ સ્થાપત્યની દ્રષ્ટિએ અદભૂત છે.  મંદિર અંગે માહિતી

  મંદિર સંકુલમાં 22 તીર્થ સ્થળો છે. જે પોતાની આગવી ઓળખ અને મહત્વ ધરાવે છે. અહીં 'અગ્નિ તીર્થમ' સ્થાપિત છે. આ તીર્થમાં સ્નાન કરવાથી તમામ બીમારીઓ દૂર થતી હોવાનું અને સાથે જ તમામ પાપોનો નાશ પણ થતો હોવાનું કહેવાય છે. મંદિરના આ પાણીનું રહસ્ય આજ સુધી કોઇ સમજી શક્યું નથી. પરંતુ તેને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે, જેનો લાભ અનેક લોકો લઈ રહ્યા છે.

  એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં ગંગાજળથી ભગવાનની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે દર વર્ષે લાખો લોકો ભગવાનની પૂજા કરવા માટે રામેશ્વરમ જાય છે. આવી સ્થિતિમાં તમારી પણ કોઈ આધ્યાત્મિક સ્થળે જવા માંગતા હોવ તો તમારે પણ એકવાર રામેશ્વરમના દર્શન કરવા જોઈએ.  આસપાસના પર્યટન સ્થળ

  પંબન બ્રિજ - પલ્ક જલડમરુમધ્ય પર રેલવે બ્રિજ છે, જેની સાથે રોડવેઝ પણ જોડાયેલા છે. પંબન ટાપુ રામેશ્વરમ શહેરને તામિલનાડુના અન્ય શહેરો સાથે જોડે છે. તે ભારતનો પહેલો દરિયાઈ પુલ હતો.

  ધનુષ કોડી બીચ - રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભગવાન રામે પોતાની સેનાને જવા માટે રામસેતુ પુલ અથવા પાકો રસ્તો બનાવ્યો હતો. આ રસ્તો મુખ્ય ભૂમિ અને શ્રીલંકાની વચ્ચે હતો. યુદ્ધમાં વિજય મેળવ્યા પછી ભગવાન રામે લંકાના નવા રાજા વિભીષણને તાજ પહેરાવ્યો હતા અને વિભીષણે શ્રીરામને પુલને નષ્ટ કરવાની વિનંતી કરી હતી.

  ભગવાન રામે પોતાના ધનુષના એક છેડાથી પુલ તોડી નાખ્યો હતો. આથી તે ધનુષકોડી તરીકે ઓળખાય છે. પંબન સ્ટેશનથી દોડતી ધનુષકોડી રેલવે લાઇન 1964ના ચક્રવાતમાં નાશ પામી હતી અને 100થી વધુ મુસાફરોને લઈને જતી ટ્રેન દરિયામાં ડૂબી ગઈ હતી.

  રામેશ્વરમ શહેરમાં શું છે ખાસ?

  તમિલનાડુના પંબન ટાપુ પર આવેલું આ શહેર 13,224.22 ના વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં તમિલ, અંગ્રેજી, હિન્દી, મરાઠી ભાષા બોલાય છે. આ શહેર રામનાથસ્વામી મંદિર માટે જાણીતું છે, રામેશ્વરમના દરિયાકિનારે વિવિધ પ્રકારની કોડીઓ, શંખ અને છીપ જોવા મળે છે. રામેશ્વરમનું ધાર્મિક મહત્વ તો છે જ, આ સાથે પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ પણ જોવા લાયક છે

  કઈ રીતે પહોંચવું?

  હવાઈ મુસાફરી- સૌથી નજીકનું હવાઇ મથક મદુરાઇ છે. જે રામેશ્વરમથી 163 કિમી દૂર છે.

  જમીન માર્ગે- રામેશ્વરમ્ જિલ્લો મદુરાઈ, કન્યાકુમારી, ચેન્નાઈ અને ત્રિચી જેવાં મોટાં શહેરો સાથે જોડાયેલો છે. તે મદુરાઇ થઈને પોંડિચેરી અને તંજાવુર સાથે પણ જોડાયેલું છે. જેથી તમે જીપ, ઓટો રિક્ષા અને સાઇકલ રિક્ષા ભાડે રાખીને પણ જઇ શકો છો

  રેલ માર્ગે- રામેશ્વરમ ચેન્નાઈ, મદુરાઈ, કોઈમ્બતૂર, ત્રિચી, તંજાવુર અને અન્ય મહત્વના શહેરો સાથે રેલમાર્ગે જોડાયેલું છે. નજીકમાં માંડાપમ રેલવે સ્ટેશન છે. રામેશ્વરમ તમિલનાડુની રાજધાની ચેન્નઈ રેલવે સ્ટેશનથી 596 કિમી દૂર છે, ત્યાંથી રામેશ્વરમ્ એક્સપ્રેસ ટ્રેન નિયમિત ચલાવવામાં આવે છે.

  પૂજા/દર્શનનો સમય

  આ મંદિરમાં 05:00 વાગ્યે અને પછી બપોરે 1 વાગ્યે તથા બપોરે - 03:00 અને રાત્રે 9 વાગ્યે પૂજા કરી શકાય છે.

  પૂજાની વિધિ

  મંદિરમાં 26 પ્રકારની પૂજા વિધિનો ઉલ્લેખ છે. જેમાંથી 9 પૂજા વિધી મુખ્ય છે. પૂજા વિધિ અમુક રકમ આપીને કરી શકાય છે. નિયત સમયગાળામાં પૂજા-અર્ચના કરવા માટે દેવસ્થાનમ કાર્યાલયમાંથી સ્ટેમ્પ્સ મળે છે. આ સાથે યાત્રાળુઓ વતી પૂજારીઓ દ્વારા પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે.

  અહીં અભિષેક માટે ગંગા જળ પિત્તળના વાસણમાં લાવવાનું હોય છે, કારણ કે મંદિરમાં ટીન કે લોખંડથી બનેલા વાસણ સ્વીકારાતા નથી. ઘણા દ્વાર પર ભક્તો દાન કરી શકે તે માટે ખાસ બોક્સ ઉપલબ્ધ છે. આ બોક્સને અધિકારીઓ અને લોકોની હાજરીમાં સમયાંતરે ખોલવામાં આવે છે અને અર્પણથી થતી આવક મંદિરના ખાતામાં જમા કરવામાં આવે છે.  મંદિરમાં યોજાતા તહેવારો

  - મહાશિવરાત્રી ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં 10 દિવસ ઉજવવામાં આવે છે.

  - વસંતોત્સવ જૂન મહિનામાં 10 દિવસ સુધી ચાલે છે અને વૈશાખ પૂનમે પૂર્ણ થાય છે.

  - રામલિંગ પ્રતિષ્ટાઈ મે અથવા જૂન મહિનાથી શરૂ થાય છે અને ગુરુ પૂર્ણિમાના 3 દિવસ પછી પૂર્ણ થાય છે.

  - તિરુકલ્યાણમ જુલાઈ અથવા ઓગસ્ટમાં 17 દિવસ ઉજવાય છે.

  - નવરાત્રી દશેરા ઉત્સવ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે.

  - કંઠા શષ્ઠી ઓક્ટોબર કે નવેમ્બર માસમાં 6 દિવસ સુધી ઉજવાય છે.

  - વર્ષના છેલ્લા અથવા પ્રારંભિક મહિનામાં 10 દિવસ માટે અરુધિરા દર્શન ઉજવવામાં આવે છે.

  અન્ય આંતરિક  જોવા જેવાં યાત્રાધામો

  રામેશ્વરમાં તમે   દેવી મંદિર, સેતુ માધવ, બાવીસ કુંડ, વિલ્લીરણી તીર્થ, એકાંત રામ,  કોદન્ડ સ્વામી મંદિર, સીતા કુંડ, આદિ-સેતુ
  Published by:Margi Pandya
  First published:

  Tags: Rameshwar, Rameswaram, Rameswaram Live Darshan

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन