'પ્રમુખ સ્વામીમાં ગજબની આકર્ષણ શક્તિ, સરકારને તેમની જરૂર છે, તેમને સરકારની નહી'

'પ્રમુખ સ્વામીમાં ગજબની આકર્ષણ શક્તિ, સરકારને તેમની જરૂર છે, તેમને સરકારની નહી'
પ્રમુખ સ્વામી (ફાઈલ ફોટો)

પ્રમુખસ્વામી મહારાજનો સુવર્ણતુલા મહોત્સવ ઉજવાયો. પણ એ નિર્માની સંતે ના પાડતા સ્પષ્ટપણે કહ્યું, “સાધુની સુવર્ણતુલા ન હોય. છેવટે ભક્તોના આગ્રહથી સ્વામીશ્રી એ હા કહી. પણ એ ૨૦ જુલાઈ ૧૯૮૫ ના શુભ અવસરે તેઓ સાકર, પુષ્પ અને શ્રીફળથી તોલાયા !

 • Share this:
  લોકોત્તર મહાપુરુષના સાનિધ્યમાં જયારે આપણે આવીએ છીએ ત્યારે તેમની પવિત્રતા, દિવ્યતાના વલયો આપણને જરૂર સ્પર્શી જાય છે. કારણ કે આ દિવ્યતાના મૂળ તેમને થયેલો પરબ્રહ્મનો સાક્ષાતકાર હોય છે. જે આપણને તેમનામાં લોહચુંબકની જેમ આકર્ષિત કરીને ખેચે છે.

  એટલે જ પ્રમુખસ્વામીજી મહારાજ દેશ વિદેશમાં જે જે ધર્માચાર્યો, સંતો, નેતાઓ, રાજવીઓથી માંડીને સામાન્ય માનવ સમૂહને પ્રેમથી મળ્યા તે સૌએ સ્વામીશ્રીની આ દિવ્યતાનું આકર્ષણ જરૂર અનુભવ્યું હશે. વિદેશયાત્રા દરમિયાન પ્રમુખસ્વામીજી લંડનમાં પ્રોટેસ્ટેન્ટ ધર્મના વડા શ્રી આર્કબીશપ ઓફ કેન્ટરબરી, યહૂદી ધર્મના ચીફ રબાઈને તથા અન્ય ઘણા બીશપ અને પાદરીઓને મળ્યા. આફ્રિકામાં દાઉદી વોરા ના ધર્મગુરૂને પણ મળ્યા. જાપાન અને થાઇલેન્ડમાં ઘણા બૌદ્ધ ભિક્ષુઓને પણ મળ્યા.  ભારતમાં પણ ભાગવત વિદ્યાપીઠ સોલાના કુલપિત પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી, તત્વજ્ઞાન વિદ્યાપીઠના અધ્યક્ષ પાંડુરંગ આઠવલ્લેજી, પ્રસિધ્ધ રામાયણી કથાકાર મોરારીબાપુ, સાંદીપની સાધનાલયના અધ્યક્ષ સ્વામી ચીન્મયાનંદજી, દિવ્યજીવન સંઘના પ્રમુખ સ્વામી ચિદાનંદજી, ભારત સાધુ સમાજના પ્રમુખ મહામંડલેશ્વર સ્વામી રામસ્વરૂપદાસજી, સમન્વય કુટીર હારિદ્વારના મહામંડલેશ્વર અને નિવૃત્તમાન શંકરાચાર્ય સ્વામી સત્યમિત્રાનંદજી, ભાગવત પ્રવર્તક શ્રી ડોંગરેજી મહારજ, ભારત સાધુ સમાજના મહામંત્રી સ્વામી હરિનારાણાનંદજી વગેરે વિદ્ધાન સંતો સાથે સ્વામીશ્રીને આત્મીય ભાવ છે. જૈનાચાર્ય શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાથે પણ તપોવન સંસ્કારધામ નવસારીમાં મુલાકાત થઇ છે.

  વસો ગામમાં સ્વામીશ્રી મસ્જીદમાં પણ ગયા છે. મસ્જીદ પર અસોપલવના તોરણો બાંધી ૧૫૦-૨૦૦ જેટલા મુસ્લિમ ભાઈઓ સાથે સ્વામીશ્રીએ ગોષ્ઠી કરી. મુસ્લિમ બંધુઓએ સ્વામીશ્રીને જયનાદથી વધાવ્યા. સ્વામીએ કહ્યું, “સ્વામીનારાયણ ભગવાને કોઈ ભેદ રાખ્યા નથી. દેહથી જુદા હોય પણ આત્મા જુદા નથી. આપણે અલ્લાના સંતાન છીએ. બધાએ ભગવાનને રાજી કરવાના છે. ખુદાની મહેરબાની મેળવી બંદગી કરવાની છે. ભગવાન બધાને સુખી રાખે.”
  ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય મુસ્લિમ કાર્યકર શ્રી હાજી સ્વામીશ્રીના દર્શને સહેજે બોલી ઉઠ્યા, “એક હજાર વાર સાચા દિલથી ભગવાનની બંદગી કરો અને એક ક્ષણ પ્રમુખસ્વામીની મહેફિલમાં બેસો તો તે વધી જાય. હું મુસલમાન છું પણ તેમનામાં શ્રધ્ધા છે.”

  ભારતના પ્રસિધ્ધ કાયદાશાસ્ત્રી નાની પાલખીવાલાએ કહ્યું, “આપ જીવનનું પરિવર્તન કરો છો એનાથી કશું મહાન નથી. માનવતાની આપ બહુ સારી સેવા કરો છો. હિંદુ ધર્મોનું આ ઊચામાં ઊચું સ્વરૂપ છે. મને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું.”

  વર્ષ ૧૯૮૫માં અમદાવાદમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ખુબજ ભવ્યતાથી ઉજવાયેલો. એ સમયે ભારતના રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ ખાસ પધાર્યા હતા. તેમણે સ્વામિનારાયણ નગરની મુલાકાત બાદ પ્રમુખસ્વામીજીના પરિચયમાં આવતા જણાવ્યું કે, “પ્રમુખસ્વામીજીમાં એક ગજબની આકર્ષણશક્તિ છે, જેનાથી લોકો આવીને તેમની વાતો સાંભળે છે, મળે છે. અને તેથી લાગે છે કે સરકારને તેમની જરૂર છે, તેમને સરકારની જરૂર નથી.”

  લંડન ખાતે પણ ૧૯૮૫માં એલેક્ઝાન્ડ્રા પેલેસમાં કલ્ચરલ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા ખુબ શાનદાર પૂર્વક ઉજવાયો. આ અવસર પર પ્રમુખસ્વામી મહારાજનો સુવર્ણતુલા મહોત્સવ ઉજવાયો. પણ એ નિર્માની સંતે ના પાડતા સ્પષ્ટપણે કહ્યું, “સાધુની સુવર્ણતુલા ન હોય. છેવટે ભક્તોના આગ્રહથી સ્વામીશ્રી એ હા કહી. પણ એ ૨૦ જુલાઈ ૧૯૮૫ ના શુભ અવસરે તેઓ સાકર, પુષ્પ અને શ્રીફળથી તોલાયા !વળી આ સુવર્ણ તુલામાં આવેલું તમામ સોનુ ધન રાશી રૂપે કરમસદ ખાતે મેડીકલ કોલેજ કરવા શ્રી એચ.એમ.પટેલ સાહેબને દાન કર્યું.

  ૧૯૮૮ માં સ્વામીશ્રીની પુનઃ વિદેશયાત્રા યોજાય, એ દિવસે બ્રિટીશ પાર્લામેન્ટના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પ્રસંગ બની ગયો. હાઉસ ઓફ કોમન્સમાં પ્રમુખસ્વામી મહારાજનું શાહી સન્માન કરવામાં આવ્યું. બ્રિટીશની આ ૮૦૦ વર્ષ પુરાણી પાર્લામેન્ટની ઈમારતમાં ત્યાનાં વરિષ્ઠ સ્પીકર અને સંસદ સભ્યોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામીજીનું અભૂતપૂર્વ સન્માન કર્યું. બ્રિટનના આજ સુધીના ઇતિહાસમાં પ્રથમ ભારતીય ધર્મગુરુનું થયેલુ શાહી સન્માન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે મંડિત થયું છે.આ પ્રસંગે લેસ્ટર ઇસ્ટના એમ.પી. મિસ્ટર કીથવાઝે સ્વામીશ્રીનું અભિવાદન આપતા કહ્યું, “ આપને આવકારતા મને ખુબ આનંદ થાય છે. આપે અમારું ગૌરવ વધાર્યું છે.” સમાજના પ્રાણ સમાન એવા પ્રમુખસ્વામીજી માટે હર કોઈ ગૌરવ લઇ શકે.

  ૧૯૯૧ ના વર્ષમાં અમેરિકાના ગાર્ડન સ્ટેટ, ન્યુજર્સી રાજ્યના એડીસન શહેરમાં પ્રમુખસ્વામીજીના સાનિધ્યમાં કલ્ચરલ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા ઉજવાયો. ૧૨ જુલાઈ થી ૧૧ ઓગસ્ટ સુધી અહીં ૧૦ લાખ કરતાંય વધુ માણસોનો મેહરામણ હિલોળા લેતો રહ્યો. જેના પરિણામે આજે અમેરિકા જેવા દેશની અંદર હજારો કુટુંબો સત્સંગી બન્યા છે. હરિભક્તો ૧૫૦ માઈલની મુસાફરી કરીને દર રવિવારે સત્સંગ સભામાં આવતા થયા છે. આ ભોગ વિલાસના દેશમાં પણ યુવાનો એકાદશી વગેરેના ઉપવાસ નિર્જળા કરતા થયા છે. ચાતુર્માસમાં ધારણા પરના જેવા વ્રતો પણ અહીના યુવકો કરે છે. શાળા કોલેજે જતા યુવાનો ખુમારી પૂર્વક તિલક ચાંદલો કરીને જાય છે. કુટુંબોમાં નિત્યપૂજા, ઘરસભા થવા લાગી છે. સન્ડે ફોર સત્સંગનું સૂત્ર જીવમાં વણીને તેઓ રવિવારે સત્સંગને જ પ્રાધાન્ય આપે છે. ભોગ છોડીને યુવાનો બ્રહ્મચર્યના પથે ચાલીને સાધુ થવા પ્રેરાયા છે.
  First published:December 18, 2018, 18:09 pm