ધર્મ ડેસ્ક: હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પુત્રદા, પવિત્રા એકાદશી શ્રાવણ માસનાં શુક્લ પક્ષનો અગ્યારમો દિવસ માનવામાં આવે છે. અગ્યારમાં દિવસનાં કારણે તે એકાદશી કહેવાય છે. આ વર્ષની પુત્રદા, પવિત્રા એકાદશી 22 ઓગષ્ટે આવે છે.
માનવામાં આવે છે કે, વ્યક્તિ શ્રદ્ધા અને નિયમ પૂર્વક આ દિવસે વ્રત રાખે તેના પૂર્વ જન્મનાં પાપ દૂર થાય છે. સંતાન અને ધન-સંપદાનાં સુખ પ્રાપ્ત થશે. આ વ્રત કરનારાઓને પ્રાત: કાળ સ્નાન ધ્યાન કરીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઇએ. આખો દિવસ વ્રત રાખ્યા બાદ સંધ્યાનાં સમયે પૂજા કરી ફળ ફળાદી ગ્રહણ કરી શકો છો. રાત્રે જાગરણ કરવું. બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી દાન-દક્ષિણા સહિત વિદા કરવાં. પવિત્રા એકાદશીએ પુત્રદા એકાદશીનાં નામે પણ ઓળખાય છે.
પુત્રદા એકાદશી શું છે ?
હિંદુઓ માટે એક પવિત્ર દિવસ છે, પુત્રદા એકાદશીએ પવિત્રા એકાદશીનાં નામથી ઓળખાય છે ખાસ વાત એ છે કે, આ એકાદશી વર્ષમાં બે વખત આવે છે. હિન્દૂ કેલેન્ડર પ્રમાણે તેમાં એક શ્રાવણ (જુલાઇ-ઓગષ્ટ) મહિનામાં આવે છે અને બીજી પોષ એટલે કે (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં આવે છે. જ્યાં પોષ પુત્રદા એકાદશી ભારતનાં ઉત્તરી રાજ્યોમાં પ્રચલીત છે. ત્યાં અન્ય રાજ્યોમાં શ્રાવણની એકાદશી પુત્રદા એકાદશી તરીકે વધુ પ્રચલિત છે.
આપણાં સમાજમાં પુત્રની પ્રાપ્તિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે, પૂત્ર દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધથી જ પૂર્વજોની આત્માને મોક્ષ મળે છે. આ કારણે પુત્ર મેળવવાની ઇચ્છા પ્રબળ હોય છે. તેથી ઘણી વખત લોકો એક નહીં પણ બંને એકાદશીનાં વ્રતનું પાલન કરે છે.
મૂળ, પુત્રને સંતાનનાં રૂપમાં મેળવવાની ઇચ્છા રાખનારા નિ: સંતાન દંપત્તિ આ વ્રતનું પાલન કરવું. આ દિવસે પતિ-પત્ની આખા દિવસનો ઉપવાસ રાખવો. તેમજ એક પૂત્રની કામના કરતાં ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઇએ.
પુત્રદા એકાદશીનાં વ્રતનાં નિયમ- આ વ્રત કરનારને દશમીનાં દિવસે ડુંગળી-લસણ ન ખાવા જોઇએ. આ દિવસે કોઇ જ પ્રકારનાં ભોગ-વિલાસ ન કરવાં જોઇએ. દસમીની સવારે સ્નાન આદિ કરીને નિવૃત થઇને વ્રતનું પાલન કરવું જોઇએ, આ દિવસે ભગવાન વિષ્ણુનાં બાળ સ્વરૂપની પૂજા કરવી, દ્વાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્ધ્ય આપી પૂજા સમ્પન્ન કરવી.
એકાદશીની કથા
પ્રાચીન કાળમાં એક નગરમાં રાજા મહિજીત રાજ કરતાં હતાં. નિ:સંતાન હોવાને કારણે રાજા ખુબજ દુ:ખી હતાં. મંત્રિઓથી રાજાનું દુ:ખ સહન નહોતું થતું. અને તે લોમશ ઋષિની પાસે ગયા. ઋષિને રાજાનાં નિ:સંતાન હોવાનાં કારણ અને ઉપાય પુછ્યાં. મહાજ્ઞાની લોમશ ઋષિએ જણાવ્યું કે, ગત જન્મમાં રાજાને એકાદશીનાં દિવસે ભુખ્યા-તરસ્યા રહેવું પડ્યું. પાણીની તલાશમાં તેઓ એક સરોવર સુધી પહોચ્યાં તો એક ગર્ભવતી ગાય ત્યાં પાણી પી રહી હતી. રાજાએ ગાયને ભગાડી દીધી અને પોતાની તરસ બુઝાવી હતી તેમનાંથી અજાણતા એકાદશીનાં દિવસે ગર્ભવતી ગાયને તેમને તરસી રાખી. આ કારણે જ રાજા નિ:સંતાન છે. લોમેશ ઋષિએ મંત્રિઓને કહ્યું કે, જો આપ લોકો ઇચ્છો છો કે રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તો શ્રાવણ શુક્લ એકાદશીનું વ્રત રાખો અને દ્વાદશીનાં દિવસે વ્રતનું પુણ્ય રાજાને દાન કરો.
મંત્રિઓએ ઋષિની જણાવેલી વિધિ અનુસાર વ્રત કરીને તેનું ફળ રાજાને મળે તેવી કામના કરી. તે બાદ રાજાને પુત્રની પ્રાપ્તિ થઇ. આ કારણે પવિત્રા એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવાય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર