Home /News /dharm-bhakti /આજે છે પાપમોચની અગિયારસ, વ્રત કરવાથી તમામ પાપોમાંથી મળશે મુક્તિ, જાણો મુહૂર્ત અને કથા
આજે છે પાપમોચની અગિયારસ, વ્રત કરવાથી તમામ પાપોમાંથી મળશે મુક્તિ, જાણો મુહૂર્ત અને કથા
પાપમોચિની એકાદશી 2023
papmochani ekadashi 2023 katha: પાપમોચની એકાદશીનું વ્રત આજે એટલે 18 માર્ચ શનિવારના રોજ છે. ભગવાન શ્રીકૃષ્ણએ કથાની મદદથી પાપમોચની અગિયારસ વ્રતની વિધિ અને મહત્ત્વ વિશે જણાવ્યું હતું. આ કથા બ્રહ્મ દેવે નારદ મુનિને જણાવી હતી. આવો જાણીએ પપમોચની એકાદશી વ્રતની કથા વિશે.
ધર્મ ડેસ્ક: આજે પાપમોચની અગિયારસ છે, આ વ્રત કરવાથી મનુષ્યોના તમામ પાપ ધોવાઈ જાય છે. દર વર્ષે કૃષ્ણ પક્ષની અગિયારસના રોજ પાપમોચની અગિયારસનું વ્રત કરવામાં આવે છે. એક વાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને અગિયારસના વ્રતની જાણકારી આપવાનું કહ્યું. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ કથાની મદદથી પાપમોચની અગિયારસ વ્રતની વિધિ અને મહત્ત્વ વિશે જણાવ્યું હતું. આ કથા બ્રહ્મ દેવે નારદ મુનિને જણાવી હતી.
પાપમોચની અગિયારસ વ્રત કથા
એક સમયે દેવરાજ ઈંદ્ર દેવતાઓ અને ગાંધર્વ કન્યા સાથે ચિત્રરથ નામના વનમાં ફરી રહ્યા હતા. તે સમયે મેધાવી નામના ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. તેઓ ભગવાન શિવના ઉપાસક હતા. એકવાર કામદેવે ઋષિની તપસ્યા ભંગ કરવા માટે મંજુઘોષા નામની અપ્સરાને વનમાં મોકલી હતી.
મેધાવી ઋષિ યુવા હતા, તેઓ અપ્સરાના નૃત્ય, સંગીત અને રૂપ પર મોહિત થઈ ગયા. તેઓ રતિ ક્રીડામાં લીન થઈ ગયા. આ પ્રકારે તેમના જીવનના 57 વર્ષ વીતિ ગયા. એક દિવસ મંજુઘોષાએ મેધાવી ઋષિ પાસે દેવલોક જવા માટેની મંજૂરી માંગી હતી. તે સમયે મેધાવી ઋષિને યાદ આવ્યું કે, તેઓ વનમાં તપસ્યા કરી રહ્યા હતા, તે સમયે તેઓ આ અપ્સરાને કારણે તેમના પથથી વિચલિત થઈ ગયા હતા.
મેધાવી ઋષિએ ગુસ્સામાં આવીને અપ્સરા મંજુઘોષાને પિશાચની થવાનો શ્રાપ આપી દીધો હતો. ત્યારબાદ મંજુઘોષાએ આ શ્રાપથી મુક્તિ મેળવવા માટેનો ઉપાય પૂછ્યો હતો. તે સમયે મેધાવી ઋષિએ વિધિ વિધાનથી પાપમોચની અગિયારસનું વ્રત કરવા માટે જણાવ્યું હતું, જેનાથી પાપથી મુક્તિ મળશે અને પિશાચ યોનિથી મુક્ત થઈ જશે. આટલું કહીને મેધાવી ઋષિ તેમના પિતાના આશ્રમમાં જતા રહ્યા.
જ્યારે તેમના પિતાને આ વાતની જાણ થઈ તો તેમણે ગુસ્સે થઈને મેધાવી ઋષિને પાપમોચની અગિયારસનું વ્રત કરવા માટેનો આદેશ આપ્યો હતો. ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની તિથિ આવી તો મંજુઘોષાએ વિધિ વિધાન સાથે પાપમોચની અગિયારસનું વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની પૂજા કરી. આ વ્રતની પુણ્યથી મંજુઘોષાને પિશાચ યોનિથી મુક્તિ મળી અને સ્વર્ગ લોક જતી રહી હતી. મેધાવી ઋષિએ પણ આ વ્રત કર્યું અને તેમને તેમના તમામ પાપમાંથી મુક્તિ મળી ગઈ.
આ પ્રકારે જે લોકો પાપમોચની અગિયારસ કરે છે, તેમના તમામ પાપ ધોવાઈ જાય છે.
એકાદશી તિથિ 17 માર્ચ બપોરે 2:06 વાગ્યે શરૂ થઇ. જેનું સમાપન 18 માર્ચ એટલે આજે સવારે 11.13 કલાકે થશે. સાથે જ આ વ્રતને પૂર્ણ કરવા માટે શુભ સમય 19 માર્ચના રોજ સવારે 6:27 વાગ્યાથી રાત્રે 8:51 વાગ્યા સુધીનો છે. પાપમોચિની એકાદશી વ્રત 81 માર્ચે રાખવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર