હવે તેને આસ્થા કહો કે અંધવિશ્વાસ, પરંતુ ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર મૂર્તિઓ દૂધ પીવાનો સીલસીલો શરૂ થઈ ગયો છે. પીલીભીત અને વારાણસી બાદ હવે શામલીના શિવ મંદિરોમાં ભગવાન શિવની સવારી નંદી મહારાજના દૂધ પીવાનો મામલો સામે આવ્યો છે. શામલીના અલગ-અલગ મંદિરોમાં નંદી મહારાજ દૂધ પી રહ્યા છે. ત્યારબાદ મંદિરોમાં ભક્તોની ભીડ લાગેલી છે. લોકોનું કહેવું છે કે આ એક ચમત્કાર છે. જોકે, વૈજ્ઞાનિકોનો મત એકદમ અલગ છે.
શામલીના ઝિંઝાના સ્થિત શિવ મંદિરમાં નંદી મહારાજ દૂધ પી રહ્યા છે અને શિવભક્તોની મંદિર બહાર સુધી લાઇન લાગેલી છે. લોકો નંદી મહારાજને દૂધ પીવડાવવા ઉત્સુક છે. શામલી જનપદના અલગ-અલગ સ્થળોથી દૂધ પીવાના અહેવાલ આવી રહ્યા છે. દૂધ પીવાના સમાચાર શહેરમાં આગની જેમ ફેલાયા અને હજારોની સંખ્યામાં લોકો દૂધ એન ચમચી લઈને મંદિર પહોંચી ગયા.
વૈજ્ઞાનિકોએ અફવા ગણાવી
દૂધ પીવડાવનારા ભક્ત પોતાને ભાગ્યશાળી સમજી રહ્યા છે અને ખુશ છે પરંતુ વૈજ્ઞાનિકોનું માનીએ તો તે માત્ર એક અંધવિશ્વાસ છે. લખનઉ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર ડો. એનકે પાંડેય મુજબ આ સાચું નથી. મૂર્તિઓના દૂધ પીવાનું કારણ સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તણાવ છે. પથ્થરની મૂર્તિમાં તમામ છિદ્ર હોય છે, જે લિક્વિડને અંદરની તરફ ખેંચે છે. મૂર્તિઓના દૂધ પીવાની પાછળ અને કોઈ કારણ નથી. તેને ભ્રમ તરીકે ફેલાવવામાં આવે છે. મૂર્તિ એક લિમિટ સુધી લિક્વિડ એબ્જોર્બ કરે છે. તેઓએ જણાવ્યું કે તમે ઘરમાં પણ કોઈ ડ્રાઈ મૂર્તિને દૂધ પીવડાવશો તો તે પણ પીશે.
નોંધનીય છે કે, વર્ષ 1995માં 21 સપ્ટેમ્બરે પણ દેશભરમાં અફવા ફેલાઈ હતી કે ભગવાન ગણેશની મૂર્તિઓ દૂધ પી રહી છે. ગુરુવારે તે દિવસે ગણેશ મંદિરો પર ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. દરેક મંદિર ખાતે આગામી બે દિવસ સુધી આ ચમત્કારની અફવાના કારણે ભક્તોની ભીડ એકત્ર થઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે તાંત્રિક ચંદ્રાસ્વામીના આશ્રમથી આ અફવા ઉડાવવામાં આવી હતી. ત્યારબાદ પણ વર્ષ 2012માં રાજસ્થાનના અનેક મંદિરોમાં ભગવાન ગણેશની મૂર્તિના દૂધ પીવાની અફવા ફેલાયા બાદ ત્યાં પણ મંદિરોમાં ભક્તોની ભીડ એકત્ર થવાનું શરૂ થઈ ગયું હતું. વર્ષ 2015માં પ્રયાગરાજમાં પણ અફવા ફેલાઈ હતી કે નંદીની મૂર્તિ દૂધ ગ્રહણ કરી રહી છે. ત્યારબાદ મંદિરોમાં ભક્તોની ભીડ ઉભટી પડી હતી.