Home /News /dharm-bhakti /Navratri: મહાગૌરીની પૂજાથી ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, જાણો માહત્મ્ય

Navratri: મહાગૌરીની પૂજાથી ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, જાણો માહત્મ્ય

પ્રતીકાત્મક તસવીર

મહાગૌરીનો વર્ણ શ્વેત છે, તેમનાં વસ્ત્રો અને આભુષણો પણ શ્વેત જ છે.

'માર્કંડેયપુરાણ'ની કથા પ્રમાણે દેવીશકિત બ્રહ્માની સ્તુતિથી પ્રગટ થઇને મધુ-કૈટભ જેવા રાક્ષસોનો સંહાર કરે છે. મહિષાસુરમર્દિની તરીકે તેમનું સ્વરૂપ જાણીતું છે. 'દેવીભાગવત' પ્રમાણે, આસો સુદ એકમથી દસમ સુધી દેવીશકિત અને મહિષાસુર વચ્ચે યુદ્ધ ચાલ્યું, દસમના દિવસે અસુરીશક્તિનો સંહાર થયો અને દેવીશક્તિનો વિજય થયો. આ વિજયનો ઉત્સવ ઉજવવા નવરાત્રિ-મહોત્સવનો આરંભ થયો. નવરાત્રીમાં દરેક દિવસે દેવીના અલગ અલગ સ્વરુપોની અર્ચના કરવામાં આવે છે, ત્યારે નવરાત્રીનાં આઠમા દિવસે દેવી માં દુર્ગાના આઠમાં સ્વરુપ મહાગૌરીનું પૂજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાગૌરીની પૂજાથી ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. દેવી ભગવત પુરાણ અનુસાર દેવીમાંનાં બધા 9 સ્વરુપો આદિશક્તિનો અંશ છે પણ મહાદેવ ભગવાન શિવ સાથે તેમની અર્ધાંગિની સ્વરુપે દેવી મહાગૌરી વિરાજમાન હોય છે.

આવું છે મહાગૌરીનું સ્વરુપ

મહાગૌરીનો વર્ણ શ્વેત છે, તેમનાં વસ્ત્રો અને આભુષણો પણ શ્વેત જ છે. માં મહાગૌરીની ચાર ભુજાઓમાં તેમનો એક જમણો હાથ અભય મુદ્રામાં છે જ્યારે બીજા હાથમાં તેમણે શક્તિનું પ્રતિક ત્રિશુલ ધારણ કરેલું છે. માં નાં એક ડાબા હાથમાં ડમરું અને બીજો હાથ વરમુદ્રામાં છે જેનાંથી તે ભક્તોને આશિર્વાદ આપે છે. ત્રિશુળ અને ડમરું બન્ને ભગવાન શિવનાં અભિન્ન અંગો છે જે મહાગૌરીનાં સ્વરુપમાં પણ જોવા મળે છે. મહાગૌરી પણ ભગવાન શિવની જેમ જ વૃષભની સવારી કરે છે, જો કે પૌરાણિક કથાઓ અનુસાર વૃષભ અને સિંહ એમ માંની બે સવારી છે. માંનું આ રુપ ખુબ સૌમ્ય અને શાંત છે.

કહેવાય છે કે અપરણિત કન્યાઓ દ્વારા જો આઠમનું વ્રત કરવામાં આવે તો તેમને મનગમતો જીવનસાથી મળે છે. જે પણ ભક્તો માં મહાગૌરીનું પૂજન કરે છે તેમનાં પર માં પોતાની કૃપાદ્રષ્ટી રાખે છે. જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થઈ રહ્યા તો મહાગૌરીનું પૂજન કરવાથી આ સમસ્યા દૂર થાય છે. આઠમના દિવસે કન્યાઓને ભોજન કરાવવાથી પણ માંના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.

માતા મહાગૌરીના નામ અને સ્વરુપને લઈને કેટલાક પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે.

એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવને પતિ રુપે પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ કઠોર તપ કર્યું હતું. એક વખત ભગવાન ભોળાનાથ પાર્વતીને જોઈને તેમના પર ટિપ્પણી કરે છે જેનાંથી માં પાર્વતીને દુખ થાય છે અને તે તપ કરવામાં લીન થઈ જાય છે. જ્યારે પાર્વતી વર્ષો સુધી તપમાં બેસી રહે છે અને પાછા નથી આવતા તો ભગવાન શિવ તેમને શોધતા શોધતા માં પાર્વતી પાસે પહોંચે છે, જ્યારે મહાદેવ પાર્વતી સન્મુખ આવે છે તો તેમના રુપને જોઈને તે આશ્ચર્યમાં પડી જાય છે. માં પાર્વતીનું રુપ અત્યંત સ્વરુપવાન થઈ ગયું હોય છે. તે ચંદ્રની ચાંદનીથી પણ વધુ શ્વેત દેખાય છે ત્યારે માતાના વસ્ત્ર અને આભુષણોથી પ્રસન્ન થઈ ભગવાન શિવ તેમને ગૌર રંગનું વરદાન આપે છે અને ત્યારથી માતાને મહાગૌરીના સ્વરુપમાં પૂજવામાં આવે છે.

એક બીજી કથા અનુસાર ભગવાન શિવને પતિ સ્વરુપે મેળવવા જ્યારે દેવીમાં કઠોર તપ કરે છે તો તેમનું શરીર કાળું પડી જાય છે. માતાના કઠોર તપથી ભગવાન શિવ પ્રસન્ન થઈ તેમનો સ્વીકાર કરે છે અને તેમના અંગોને ગંગાજળથી ધોવે છે, જ્યારે ભગવાન શિવ આવું કરે છે તો માતાનો વર્ણ અત્યંત કાંતિવાન અને શ્વેત થઈ જાય છે અને ત્યારથી જ તેનું નામ મહાગૌરી પાડવામાં આવ્યું. મહાગૌરીનાં રુપમાં કરુણા, સ્નેહ, શાંતિ અને મૃદુતા દેખાય છે.

અન્ય એક પ્રચલિત કથા અનુસાર રાક્ષસોનો સંહાર કરવા માટે માં જ્યારે રણમાં ઉતરે છે ત્યારે ક્રોધની જ્વાળાથી તેમનો વર્ણ કાળો થઈ જાય છે. એક દિવસ ભગવાન શિવ તેમને ઉપહાસમાં કાળી કહી દે છે, જેનાંથી નારાજ થઈ દેવી કૈલાશ પર્વત છોડી પૃથ્વી પર ચાલ્યા જાય છે અને ઘણા વર્ષો સુધી તપ કરે છે અને બ્રહ્માજીને અર્ધ્ય અર્પણ કરે છે, ત્યારે બ્રહ્માજી દેવી પાર્વતીના તપથી પ્રસન્ન થઈને તેમને કૈલાશની માનસરોવર નદીમાં સ્નાન કરવાનું સુચન કરે છે. બ્રહ્માજીનું સુચન માનીને પાર્વતી તેમાં સ્નાન કરે છે. માનસરોવરમાં સ્નાન કર્યા બાદ માતાનું સ્વરુપ ગૌરવર્ણ થઈ ગયું અને ત્યારથી જ તેમને મહાગૌરી કહેવામાં આવે છે.

આ પણ વાંચો- ધર્મ અંગેની અન્ય રસપ્રદ જાણકારી માટે અહીં કરો ક્લિક

માં મહાગૌરીના બે વાહનોને લઈને પણ એક કથા પ્રચલિત છે જે મુજબ જ્યારે ભગવાન શિવથી નારાજ થઈને માં તપસ્યા કરવા જાય છે ત્યારે ત્યાં એક સિંહ તેમનો શિકાર કરવા આવે છે પણ તપના કારણે શિકાર કરવાને બદલે તે સિંહ વર્ષો સુધી માતાની બાજુમાં બેસી રહે છે. જ્યારે માતાનું તપ પુર્ણ થાય છે ત્યારે તે જુએ છે કે સિંહ પણ આટલા વર્ષોથી કંઈ પણ ખાધા વિના તેમની પાસે બેસી રહ્યો ત્યારે તે પ્રસન્ન થઈને સિંહને પોતાનું વાહન બનાવે છે. આ રીતે માતા સિંહ અને વૃષભ બંને પર સવારી કરે છે.
First published:

Tags: Dharam bhakti, Navratri 2021, Navtarri

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો