Home /News /dharm-bhakti /કુંભની અનોખી વાતઃ એક 'મુલ્લા જી' 30 વર્ષથી સાધુ-સંતો માટે ફેલાવી રહ્યા છે પ્રકાશ
કુંભની અનોખી વાતઃ એક 'મુલ્લા જી' 30 વર્ષથી સાધુ-સંતો માટે ફેલાવી રહ્યા છે પ્રકાશ
'મુલ્લા જી'
'મુલ્લા જી'ને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ 12માં કુંભમાં પણ આવશો ત્યારે તેમણે એટલું જ કહ્યું કે, "ઇન્સાલ્લાહ! જો મારો અલ્લાહ મને આદેશ કરશે તો હું જરૂર આવીશ."
પ્રયાગરાજ : 21 વર્ષ પહેલા ભારતમાં આવેલા એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિએ હિન્દુ ધર્મની પરંપરાઓથી અભિભૂત થઈને ભગવો ધારણ કરી લીધાના સમાચાર તાજેતરમાં મીડિયામાં ચમક્યા હતા. આ સાધુ છેલ્લા 10 વખતથી કુંભમાં આવે છે. આજે આપણે એક "મુલ્લા જી"ની વાત કરીએ. આ મુલ્લા કુંભમાં આવતા અખાડાઓના સાધુ-સંતો માટે પ્રકાશ ફેલાવી રહ્યા છે. લાખોની સંખ્યામાં ભગવો ધારણ કરેલા સાધુઓની વચ્ચે આ મુલ્લા સાધુઓની મદદ માટે ખડેપગે રહે છે. લોકો તેમને "મુલ્લા જી લાઇટ વાલે" નામથી ઓળખે છે. મોહમ્મદ મેહમૂદ ઉર્ફે મુલ્લા જી દર કુંભમાં અચુક હાજર રહે છે અને ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે. દર વર્ષે કુંભમાં આવતા ઘણા સાધુઓ તેમના મિત્રો પણ બની ગયા છે.
મેહમૂદની ઉંમર 76 વર્ષ છે. તેઓ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી આવે છે. તેઓ એક બિઝનેસમેન છે. 1986માં જૂના અખાડાના સાધુઓએ તેમને તેમના ટેન્ટ્સની આસપાસ લાઇટ ફિટિંગનું કામ સોંપ્યું હતું. ત્યાર બાદથી તેઓ દર છ વર્ષે 800 કિલોમીટરનો પ્રવાસ કરીને કુંભ દરમિયાન અહીં આવી પહોંચે છે અને લાઇટ ફિટિંગનું કામ કરે છે.
જૂના અખાડા ખાતેથી પોતાની કુંભની યાત્રા વિશે વાત કરતા મેહમૂદ કહે છે કે,
"હું ઇલેક્ટ્રિશિયન છું. તમે રાત્રે અહીં આવશો તો તમને ખબર પડશે કે સાધુઓના ટેન્ટ્સનો આસપાસનો આખો વિસ્તાર વિવિધ કલરની લાઇટોથી ચમકી રહ્યો છે. હું આ કામ કરું છું."
મેહમૂદને હવે બધા લોકો મુલ્લા જી તરીકે ઓળખે છે. મુઝફ્ફરનગરમાં જન્માષ્ટમીથી લઈને નવચંડી મેળા સુધીના તહેવારોમાં તેઓ લાઇટિંગનાં કોન્ટ્રાક્ટ રાખે છે. આ પહેલા તેઓ ભંગારનો ધંધો કરતા હતા.
"મેં સૌપ્રથમ હરિદ્વાર ખાતે 1986માં કુંભની મુલાકાત લીધી હતી. નાશિકને બાદ કરતા દર કુંભ મેળાની મેં મુલાકાત લીધી છે. આ મારો 11મો કુંભ મેળો છે."
કુંભ ખાતે મુલ્લા જીના પાડોશી તેમજ જૂના અખાડાના નાગા સાધુ બાબા સંગમ ગીરી કહે છે કે, "મુલ્લા જી દર કુંભમાં અચૂક જોવા મળે છે. મેં ક્યારેય તેમને સાચું નામ પણ જાણવાનો પ્રયાસ નથી કર્યો. અમારા માટે 'મુલ્લા જી' એક મિત્ર છે અને હંમેશ માટે રહેશે. હિન્દુઓ માટે અમે ગુરુ છીએ. મુસ્લિમો માટે અમે પીર છીએ. મુસ્લિમો 'નિરાકાર'ની પૂજા કરે છે, જ્યારે હિન્દુઓ આકાર (મૂર્તિ)ની પૂજા કરે છે. કદાચ રસ્તા અલગ હોઈ શકે પરંતુ આપણા બધાનું અંતિમ સ્થળ એક જ છે. ઉદાહરણ તરીકે અલ્લાહબાદ ખાતે આવવા માટે 25 અલગ અલગ રસ્તા છે. રેલેવે સ્ટેશન પહોંચવા માટે દરેક અલગ અલગ રસ્તો પકડે છે. પરંતુ અંતે તો બધાએ રેલેવે સ્ટેશન જ જવું છે."
મેહબૂબ કહે છે કે સાધુ-સંતો તરફથી તેમને ખૂબ માન મળે છે. જ્યારે આવું નહીં થાય ત્યારે તેઓ કુંભમાં આવવાનું બંધ કરી દેશે. મેહબૂબ કહે છે કે, "બાબાઓ મને અહીં મારું ઘર જ હોય તેવી અનુભૂતિ કરાવે છે. ક્યારેક તેઓ મને તેમની ગાદી પર બેસવા માટે કહે છે. જોકે, તેમનું નામ જાળવવા માટે હું આવું નથી કરતો. હું સાધુઓની હાજરીમાં જ દરરોજ પાંચ નમાઝ આદ કરુ છું, આ સમયે સાધુઓ મને જગ્યા અને આદર બંને આપે છે."
'મુલ્લા જી'ને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ 12માં કુંભમાં પણ આવશો ત્યારે તેમણે એટલું જ કહ્યું કે, "ઇન્સાલ્લાહ! જો મારો અલ્લાહ મને આદેશ કરશે તો હું જરૂર આવીશ."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર