Mahavir Jayanti 2022: ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસે મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે. જૈન ધર્મના આદરણીય ભગવાન મહાવીરનો જન્મદિવસ આ વર્ષે 14 એપ્રિલ ગુરુવારે ઉજવવામાં આવશે. જૈન ધર્મના લોકો મહાવીર જયંતિની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ 599 ઈસ પૂર્વે બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ ત્રિશલા અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું. ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું. 30 વર્ષની ઉંમરે તેમને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો. તેમણે મહેલ છોડી દીધો અને તપસ્યા કરવા લાગ્યા અને પોતાની ઈન્દ્રિયો પર વિજય મેળવ્યા પછી જૈન ધર્મના 24મા તીર્થંકર બન્યા. આવો જાણીએ મહાવીર જયંતિની તિથિ, મુહૂર્ત અને મહત્વ વિશે.
મહાવીર જયંતિ 2022 તિથિ અને મુહૂર્ત
પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની તેરસ 14 એપ્રિલ ગુરુવારે સવારે 04:49 વાગ્યે શરૂ થશે અને 15 એપ્રિલે શુક્રવારે સવારે 03:55 વાગ્યે સમાપ્ત થશે. માટે 14 એપ્રિલે મહાવીર જયંતિ મનાવવામાં આવશે. આ વર્ષે મહાવીર સ્વામીનો 2620મો જન્મદિવસ ઉજવવામાં આવશે.
આ દિવસે ભગવાન મહાવીરની પૂજા કરવામાં આવે છે અને તેમના ઉપદેશોનું સ્મરણ કરીને તેમના જણાવેલા સિદ્ધાંતોને અનુસરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જૈન સમાજના લોકો ભગવાન મહાવીરની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરે છે.
ભગવાન મહાવીરના પંચશીલ સિદ્ધાંતો
ભગવાન મહાવીરે જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કામ કર્યું છે. તેમણે વિશ્વને પંચશીલ સિદ્ધાંત આપ્યો. પંચશીલ સિદ્ધાંતના પાંચ મુખ્ય સિદ્ધાંતો છે સત્ય, અહિંસા, ચોરી ન કરવી (અચૌર્ય), અપરિગ્રહ એટલે કે વસ્તુઓ અને વિષય પ્રત્યે આસક્ત ન રહેવું અને બ્રહ્મચર્ય. પોતાના જીવનના આ પાંચ મહત્વના સિદ્ધાંતોને અપનાવવાથી વ્યક્તિ માનવ જીવનનો વાસ્તવિક હેતુ સિદ્ધ કરી શકે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન મહાવીરનો જન્મ થવાનો હતો, તે પહેલા તેમની માતા ત્રિશલાને 16 પ્રકારના સપના આવ્યા હતા. એ સપનાઓને જોડીને મહારાજ સિદ્ધાર્થે તેમાં છુપાયેલ સંદેશ સમજી લીધો. જે મુજબ તેમનો થનાર પુત્ર જ્ઞાન પ્રાપ્ત કરનાર, સત્ય અને ધર્મનો પ્રચારક, જગત ગુરુ વગેરે મહાન ગુણો ધરાવનાર હશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર