સદીનું સૌથી લાંબુ ચન્દ્ર ગ્રહણ: મહા મંગળ, લઘુ ચંદ્ર અને ગુરૂ પૂનમ સાથે ગુરૂ ગ્રહણ

 • Share this:
  નરેન્દ્ર ગોર (કચ્છ)

  આગામી ગુરુ પૂર્ણિમાએ થનાર ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ સદીનું સૌથી લાબું ગ્રહણ છે. મકર રાશીમાં થનાર આ ગ્રહણ બાબતે સામાન્ય જનતા તથા ખાગોળ રસિકોમાં ઉત્સાહ છે. જો વાદળાનું વિજ્ઞ નહિ નડે તો ગ્રહણની સાથે સાથે પૃથ્વીની નજીક આવી રહેલ મંગળ ગ્રહનો નજારો પણ જોવા મળશે. આ બાબતે વધુ માહિતી આપતા જાણીતા ખગોળ વિદ નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું હતું કે આ ચન્દ્ર ગ્રહણ કેટલીક વિશેષતાઓને કારણે તે ખાસ ધ્યાન ખેંચનારૂં બન્યું છે. ગ્રહણને કારણે ચન્દ્ર તેની તેજસ્વીતા ગુમાવશે તો મંગળ મોટો અને વધુ પ્રકાશિત હશે, જ્યારે ચન્દ્ર પૃથ્વીથી દૂર હોવાથી ગુરૂ પૂનમના તે લઘુ દેખાશે.

  આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય એ સ્વયં પ્રકાશિત ગોળો છે જ્યારે ચન્દ્ર અને પૃથ્વીને પોતાનો પ્રકાશ ન હોવાથી તેમનો પડછાયો અવકાશમાં સતત ક્યાંક ને ક્યાંક પડતો હોય છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચન્દ્રની બરોબર સીધી લીટીમાં આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચન્દ્ર ઉપર પડતાં પૂનમની રાત્રીએ પણ ચન્દ્રની ચાંદની દેખાતી નથી જેને આપણે ચન્દ્ર ગ્રહણના નામે ઓળખીએ છીએ. વાસ્તવમાં દરેક પદાર્થના પડછાયા બે પ્રકારના હોય છે. ઘેરો પડછાયો અને આછો પડછાયો. ખગોળની ભાષામાં ઘેરા પડછાયાને ઉમ્બ્રા (UMBRA) અને આછા પડછાયાને પેનુમ્બ્રા (PENUMBRA) કહેવામાં આવે છે. પડછાયાના મધ્ય ભાગે ઘાટો પડછાયો હોય છે જ્યારે તેની આજુ બાજુ આછો પડછાયો હોય છે. અવકાશમાં ચન્દ્ર પૃથ્વીની કઈ છાયામાંથી પસાર થાય છે તેના ઉપર ચન્દ્ર ગ્રહણના પ્રકારનો આધાર હોય છે. જો ચન્દ્રનો સંપુર્ણ ભાગ પૃથ્વીની ઉમ્બ્રામાંથી એટલેકે ઘેરી છાયામાંથી પસાર થાય તો ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ થાય છે. આ વખતનું ચંદ્ર ગ્રહણ સદીનું સૌથી લાંબુ ચન્દ્ર ગ્રહણ છે. પૃથ્વીની છાયા જ્યાં પડતી હોય ત્યાં જો ચન્દ્ર બરોબર વચ્ચેથી પસાર થાય તો છાયાનો વધારે ભાગ ચન્દ્રને પસાર કરવો પડે અને તેમાં વધારે સમય લાગે જેથી ગ્રહણ લાંબુ ચાલે. વળી આ વખતે ચન્દ્ર પૃથ્વીથી અતિ દૂર હોવાથી ચન્દ્રનું કદ નાનું દેખાય છે તેમજ તેની ગતી પણ ધીમી હોવાથી ગ્રહણનો સમય વધી જવા પામે છે. આમ આ ખગ્રાસ ગ્રહણ એક કલાક ચુમાલિસ મિનિટ જેટલો સમય રહેશે. તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ થયેલ ચન્દ્ર ગ્રહણ દરમિયાન સુપરમૂનની ઘટના બનેલ હતી. આ વખતે ચન્દ્ર પૃથ્વીથી દૂર હોવાથી લઘુ ચન્દ્ર (મિનિ મૂન) ની ઘટના બનશે.

  સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યાં સુધી તેના વૈજ્ઞાનિક સત્યથી લોકો માહિતગાર ન હતા ત્યારે કેટલીય કાલ્પનિક કથાઓ વિવિધ સ્થાનોમાં રહેતા લોકોમાં પ્રચલિત હતી. હવે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગ્રહણ એ સૂર્ય અને ચંદ્રના પડછાયાની રમત છે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે અને જ્યારે ચંદ્ર નો પડછાયો પૃથ્વી ઉપર પડે છે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. ગ્રહણને ધાર્મિક વિધિ વિધાન તેમજ સામાજિક રીત રીવાજો સાથે પણ જોડવામાં આવ્યું હોવાથી લોકો પરંપરાને અનુસરીને ગ્રહણ દરમિયાન જપ, દાન, વ્રત, સફાઈ વિગેરે કરતા હોય છે. પોતાની માન્યતા અનુસાર કરાતા વિધિ વિધાન સામે કોઈ વિરોધ ન હોઈ શકે પરંતુ ગ્રહણ દરમિયાન સૂર્ય કે ચંદ્ર ને રાક્ષસ ગળી જાય છે તેવી માન્યતાને દુર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવી આ ખગોળીય ઘટનાને માણવી જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવે છે.

  સૂર્ય ગ્રહણને નિહાળવા માટે ખાસ સાવધાનીઓ રાખવી પડતી હોય છે તેમજ નરી આંખે ન જોવાની સલાહ આપવામાં આવતી હોય છે તો ચંદ્ર ગ્રહણ જોવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તેવા પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું કે ચંદ્ર ગ્રહણને નરી આંખે જોઈ શકાય છે તેમજ ચંદ્ર ગ્રહણને સારી રીતે જોવા માટે દૂરબીન કે ટેલીસ્કોપ નો ઉપયોગ પણ કરી શકાય છે. તેમજ કેમેરા કે મોબાઈલની મદદથી ફોટોગ્રાફી પણ કરી શકાય છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન રાત્રિનો સમય હોઈ ખુલ્લામાં જે સાવચેતી રાખતા હોઈએ તે પ્રમાણે સાવધાની રાખવી જોઈએ.

  ગ્રહણ દ્વારા લોકોમાં ખગોળ તરફની રૂચી વધે તથા આ અંગેની અંધશ્રદ્ધા દુર થાય તે માટે કચ્છ તેમજ ગુજરાતના ખગોળ શોખીનો, એસ્ટ્રોનોમી ક્લબો, તથા લોક વિજ્ઞાન કેન્દ્રો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે જેમાં લોકોને ગ્રહણ વિષે સાચી સમજણ આપવી, ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો/વધારો માપવો, ગ્રહણ ના વિવિધ તબ્બકાઓનું ટેલિસ્કોપની મદદથી નિરિક્ષણ કરી તેની સમય સહીત નોંધ કરવી, તેમજ ગ્રહણના વિવિધ તબ્બકાઓની ફોટોગ્રાફી કરવા સહીતની કામગીરી હાથ ધરાઈ રહી છે જે માટે સ્થાનિક એસ્ટ્રોનોમી ક્લબનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. શુક્રવારની રાત્રે ૧૧-૫૪ વાગે ખગ્રાસ ચંદ્ર ગ્રહણની શરૂઆત થશે અને પૃથ્વીનો પડછાયો ધીમે ધીમે ચંદ્ર ઉપર પડવાનું શરૂ થશે. રાત્રે બરાબર એક વાગે ચંદ્ર સંપૂર્ણ ઘેરાઈ ગયો હશે. ત્યારે તે કાળાને બદલે તામ્રવર્ણ લાલ દેખાશે. આવું પૃથ્વીના વાતાવરણમાંથી વક્રીભવન પામેલા પ્રકાશના રક્ત કિરણો ચંદ્રની ધરતી ઉપર પડે છે તેથી થાય છે. પૂર્ણ ચંદ્ર ગ્રહણ ૨ વાગીને ૪૪ મિનીટ સુધી ચાલશે આમ એક કલાક ચુમ્માલીસ મીનીટનું ખગ્રાસ પૂરું થશે અને ધીરે ધીરે ચંદ્રને પૃથ્વીના પડછાયામાંથી બહાર આવતો જોઈ શકાશે. વહેલી પરોઢે ૩ ને ૪૯ મીનીટે ચંદ્ર સંપૂર્ણપણે ઘેરી છાયા માંથી બહાર આવતા પૂર્ણિમાનો ખિલેલો ચંદ્ર ફરીથી જોવા મળશે.

  ચંદ્ર ગ્રહણની આંકડાકિય માહિતિ

  ૧. ચંદ્રનો ઘેરા પડછાયામાં પ્રવેશ: 27 જુલાઈ, 23 કલાક 54 મિનિટ
  ૨. ખગ્રાસ ચન્દ્ર ગ્રહણની શરૂઆત: 28 જુલાઈ, 01 કલાક 00 મિનિટ
  ૩. ગ્રહણ મધ્ય: 01 કલાક 52 મિનિટ
  ૪ ખગ્રાસ પુર્ણ: 02 કલાક 44 મિનિટ
  ૫. ગ્રહણ મોક્ષ: 03 કલાક 49 મિનિટ
  ૭. ગ્રહણ પર્વ કાલ: 03કલાક 55 મિનિટ
  Published by:Vinod Zankhaliya
  First published: