કુમકુમ મંદિર: શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અક્ષરનિવાસી થયા
Kumkum Temple - શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી (Anandpriyadasji Swami) એ ૧૦૧ વર્ષની ઉંમરે તા. 18-12-2021, માગશર સુદ પૂનમને શનિવારે બપોરે ૨.૦૦ કલાકે સ્વતંત્રપણે મનુષ્યલીલા સંકેલી મૂર્તિનાં સુખે સુખિયા થયાં. તેમણે મણિનગરમાં આજથી ૩૫ વર્ષ પહેલા મંદિરના પાયા નાંખ્યા હતા અને અનેક સત્સંગીઓ બનાવ્યા અને મંદિરો પણ સ્થાપ્યા
શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતિમ દર્શન કાર્યક્રમ
જનતામાં પ્રાણ ફૂંકવાની સેવા પણ કરી
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સૌ પ્રથમ ઈ.સ. ૧૯૪૮ આ આફ્રીકા પધાર્યા હતા. અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે મંત્રી તરીકે રહીને સાધુ સમાજ દ્વારા સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવા પણ તેમણે કરી છે.
ભગીરથ કાર્યને જીવનમંત્ર બનાવ્યો
શારત્રો અને અનેક સાધનાઓમાં ભૂલા પડેલા માનવીઓને સાચો માર્ગ ચીંધી આત્યંતિક મોક્ષની વાટ બતાવી શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ જેમને પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે. જેના કારણે આજે અનેક પરીવારોમાં નિરાશાઓ દૂર થઈ છે અને સ્નેહ - સંપના દિપક પ્રગટ્યા છે.અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠ્યા છે.દેશ અને વિદેશમાં તેમના દ્વારા સ્થપાયેલા મંદિરોના કારણે ઘરોઘર સત્સંગ -સદાચારના અજવાળાં પથરાયાં છે.જને - જને સત્સંગના તેજરશિમ ફેલાયાં છે.
મણીનગરમાં 35 વર્ષ પહેલા મંદિરના પાયા નાંખ્યા
શ્રી અબજીબાપાશ્રીના સિંધ્ધાતોના પ્રવર્તન માટે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સાથે મળીને તેમણે મણિનગરમાં આજથી ૩૫ વર્ષ પહેલા મંદિરના પાયા નાંખ્યા હતા અને અનેક સત્સંગીઓ બનાવ્યા અને મંદિરો પણ સ્થાપ્યા. પરંતુ પાછી ધર્મમાં શીથિલતા આવતાં ત્યાગી સંતોના નિયમ ધર્મની સાચવણી માટે ઈ.સ.૧૯૮૫ મા એ જ મણિનગરમાં કુમકુમ સંસ્થા (Maninagar Kumkum Swaminarayan Temple) નું નવસર્જન કર્યું.
કુમકુમ મંદિર સામાજીક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ
આજે એ સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજીક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સાથે - સાથે દર રવિવારે સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા - પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજયનું પ્રકાશન, આવી વિવિધતા ભરી ધાર્મિક પ્રવૃતિઓ પણ આ સંસ્થા ચલાવી રહી છે.
કુમકુમ મંદિર - સાધુ પ્રેમવત્સલદાસજી
આનંદપ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી હતી
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ તેમના દીર્ધાયુ માટે શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે,“ધર્મચિંતન અને સમાજસેવા દ્વારા સ્વામીજી માનવ જીવનના પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે, તેમના સત્કાર્યો અને સદ્ વિચાર સમાજ માટે સદૈવ પ્રેરણાસ્રોત રહયા છે.” સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આવા, શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને શત્ શત્ વંદન કરીએ અને તેમણે ચિંધેલા માર્ગે જનસમાજના કર્યોમાં જોડાઈને તેમને ખરા અર્થમાં અંજલિ અર્પણ કરીએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર