Home /News /dharm-bhakti /Khodiyar Mata History: જાણો કેવી રીતે થયું પ્રાગટ્ય અને ‘ખોડિયાર’ નામ પડ્યું, વાંચો સમગ્ર ગાથા
Khodiyar Mata History: જાણો કેવી રીતે થયું પ્રાગટ્ય અને ‘ખોડિયાર’ નામ પડ્યું, વાંચો સમગ્ર ગાથા
ખોડિયાર માતાજીની પ્રાગટ્ય ગાથા
Khodiyar Mata History: ખોડિયાર માતાના પ્રાગટ્ય પાછળ ઘણી લોકકથાઓ છે. તો આવો જાણીએ તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને તેમનું નામ જાનબાઈમાંથી ‘ખોડિયાર’ કેવી રીતે પડ્યું...
અમદાવાદઃ આજે વાત કરવી છે ખોડલ એટલે કે ખોડિયાર માતાજીના પ્રાગટ્યની. તેમના પ્રાગટ્ય વિશે અનેક લોકવાયકાઓ પ્રવર્તે છે. તેમનો જન્મ સાતમી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે.
ચારણ દંપતિને ત્યાં જન્મ
ભાવનગરના બોટાદ તાલુકાના રોહિશાળા ગામે મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમનાં પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝણાને લીધે લક્ષ્મીનો પાર નહોતો, પણ ખોળાનો ખુંદનાર નહોતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગરના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતું હોય તેમ લાગતું. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામા આવ્યું કે, ‘મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે. જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે’. પછી એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘૂમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે' તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુ:ખ થયું.
આમ, તેને જે લોકો સામે મળતા હતા તે વાંઝિયામેણાં મારવા લાગ્યા. તેનાથી મામડિયો ખૂબ જ દુઃખી થયો અને તે વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલી વાત માંડીને કરી હતી. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ, પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગ સામે બેસીને નિશ્ચય કર્યો કે, ‘તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે.’ મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ, છતાં કોઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા ગયા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.
મહા સુદ આઠમના દિવસે પ્રાગટ્ય
આ સાંભળીને મામડિયો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલી કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું. આ રીતે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે.
એકના એક ભાઈને ઝેરી સાપ કરડ્યો
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા-પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે, પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા, ત્યારે આવતી વેળા તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલી બહેને જાનબાઈને જોઈને કહ્યુ કે, ‘આ જાનબાઈ ખોડી તો નથી થઈને?’ ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેમનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યાં ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં, ત્યારથી તેમનું નામ ખોડિયાર પડયું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર