જ્યાં સંપ છે, જ્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે

News18 Gujarati
Updated: June 25, 2020, 3:36 PM IST
જ્યાં સંપ છે, જ્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે
પ્રતિકાત્મક તસવીર

જગતમાં સંપ તૂટવા પાછળ ભય અને સ્વાર્થ પણ રહેલો છે. એટલે સંપને કાચના વાસણની જેમ સાચવવો પડે છે.

  • Share this:
સારંગપ્રીત, સારંગપુર

અમેરિકાના રાષ્ટ્રપતિ કેનેડીએ કહ્યું હતું કે ‘united we stand , divided we fall’ જો આપણે એક રહીશું તો ટકી શકીશું, વહેંચાયા તો તૂટી જઈશું, હારી જઈશું.’ આ એકતા એટલે સંપ. સંપ એટલે શાંતિ-પૂર્વક જીવવાની કડી! લોકોમાં એકબીજા માટે ઘસાઈ છૂટવાની, મદદ કરવાની ભાવના હોય ત્યારે સંપ થાય. જો સંપ હોય તો પ્રત્યેક વ્યક્તિ એક-બીજાની ભાવનાઓને સમજીને એકબીજાના વિકાસમાં પૂરક બને છે.

વ્યક્તિઓ વચ્ચે સંપની ભાવના કેળવાય તો પૈસા અને શક્તિ બચાવીને સારામાં સારું કાર્ય કરી શકાય છે. જ્યારે લોકો બીજાના વિચારોને સમજે નહિ ને પોતાનો જ એકડો સાચો ઘૂટવાનો પ્રયાસ કરે ત્યારે કાર્યમાં વિલંબ અને વિઘ્નો આવ્યા જ કરે છે. ‘શિયાળ તાણે સીમ ભણી ને કૂતરો તાણે ગામ ભણી’ જેવી સ્થિતિ સર્જાય છે. પરિણામે કામ બગડે છે. જગતમાં સંપ તૂટવા પાછળ ભય અને સ્વાર્થ પણ રહેલો છે. એટલે સંપને કાચના વાસણની જેમ સાચવવો પડે છે. જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી જીવાતું પરંતુ સંપથી સુખી જીવન જીવી શકાય છે. તમારી પાસે કરોડ રૂપિયા હોય પણ માતા-પિતા કે સગા ભાઈ સાથે બોલવાનોય સંબંધ ન હોય તો રૂપિયાનું સુખ રહેશે? અત્યારનો માનવી પોતે જ ઊભા કરેલા કલેશ-કંકાશવાળા કાંટારૂપી દુઃખમાંથી છૂટીને સુખ શોધવાનો પ્રયત્ન કરે છે. પણ એ સુખ સંપના અભાવે દૂર જતું રહે છે. સુખ તો સંપ, સુહૃદયભાવ, એકતામાં જ છે.

ઇતિહાસમાં એવા ઘણા બધા પ્રસંગો વાંચવા કે સાંભળવા મળ્યા હશે કે મોટી મોટી સત્તાઓ અને સત્તાધીશોનો અંત કુસંપે લાવ્યો છે. ધનના લોભ માટે પણ અનેક યુદ્ધો થયા છે. એમાં ભ્રષ્ટ વ્યક્તિ ઘનના લોભને લીધે સંપ તોડીને પણ દુશ્મનોને સાથ આપવા તૈયાર થઈ જાય છે. ભારતની હજાર વર્ષની ગુલામી તેનું મુખ્ય ઉદાહરણ છે. એક જ ઘરમાં ઉછરેલા બે સગા ભાઈઓ વચ્ચે સંપ ના હોય તો જ્યાં સુધી એક મરી ના જાય ત્યાં સુધી વેર છૂટતું નથી. પરિણામે એક સ્મશાન ભેગો થાય અને એક જેલ ભેગો થાય. ઘરમાં પણ રોજ-રોજ કંકળાટ, કલેશ કંકાસ રહેવા પાછળ પણ આ ધનલોભ, વડીલોની અવગણના, પોતાના સંતોને પર મા-બાપની રોક ટોક જેવા કારણો નિમિત્ત બને છે પરંતુ તેની પાછળ તો સંપનો અભાવ જ હોય છે.

આધુનિક યુગમાં વિભક્ત કુટુંબોનું પ્રમાણ વધી રહ્યું છે. સંપ વગર સંયુક્ત કુટુંબ ટકી શકે જ નહિ. પરિણામે સાસુ-વહુના ઝઘડા, ભાઈ-ભાઈ વચ્ચે મિલકત બાબતે મતભેદ પતી-પત્ની વચ્ચે અણબનાવ જેવી સમસ્યાઓ સર્જાવવાના લીધે કુટુંબ તૂટે છે. આ બધી પરિસ્થિતિ પણ સમજશક્તિ કે સહનશક્તિ ન હોવાથી સર્જાય છે. આજના સમયમાં સહનશીલતા અને ધીરજ જેવા ગુણો ઓસરવા લાગ્યા છે, એટલે લોકો વચ્ચે સંપ, સુહૃદયભાવ અને એકતા પણ દુર્લભ થતાં જાય છે.

એટલે જ તો પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ કહેતા કે ‘‘અમારે પૈસાની જરૂર નથી પણ સંપની જરૂર છે.’’એકવાર એક રાજાએ પોતાના બધા સૈનિકોને બોલાવ્યા પછી એક સૈનિકને લાકડીઓનો ભારો લાવવા કહ્યું. ભારો આવ્યા પછી રાજાએ દરેક સૈનિકને એક-એક લાકડી આપી તોડવા કહ્યું તો સૈનિકોએ તે તરત જ તોડી નાખી. ત્યારબાદ ફરી એક લાકડીનો ભારો મંગાવી તે દરેક સૈનિકને તોડવા આપ્યો તો કોઈથી આ ભારો ના તૂટ્યો. પછી રાજાએ પોતાના સૈનિકોને સમજાવતાં કહ્યું કે આ લાકડીની જેમ જ જો આપણે અલગ-અલગ રહીશું તો દુશ્મન આપણા પર હુમલો કરી વેર વિખેર કરી નાખશે અને જો ભારાની જેમ એક થઈને રહીશું તો દુશ્મનોની સામે ટકી રહીશું.  આમ, સંપ હશે તો પ્રગતિ થશે પણ સંપ તૂટ્યો તે દિવસથી જ પડતીની શરૂઆત છે. આ આધુનિક યુગમાં તો સંઘ એટલે કે સંપમાં જ બધી શક્તિ રહેલી છે, પછી તે દેશની હોય કે પરિવારની, એકતા જ વિજયનું દ્વાર છે.

ભગવાન સ્વામિનારાયણ પણ પોતાની અમૃતવાણી વચનામૃત ગ્રંથમાં સંપ માટે પક્ષ શબ્દ વાપર્યો છે. તેઓ આનો આધ્યાધ્મિક લાભ જણાવતા કહે છે કે જો તમે સૌ એકતા કે સંપ રાખશો તો કોઈ અતિ કઠન સ્વભાવ પણ તમારું ખરાબ કરવાનું ઈચ્છશે તો પણ તમારું ખરાબ નહિ કરી શકે. આમ, જ્યાં સંપ છે, જ્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે. ત્યાં જ સદા સુખ છે.
First published: June 25, 2020, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading