પુરુષાર્થ એ જ સફળતાનું રહસ્ય, 'નિરમા કંપનીના માલિક સાયકલ પર ઘરે-ઘરે ફરી પાવડર વેચતા હતા'

News18 Gujarati
Updated: June 13, 2020, 4:32 PM IST
પુરુષાર્થ એ જ સફળતાનું રહસ્ય, 'નિરમા કંપનીના માલિક સાયકલ પર ઘરે-ઘરે ફરી પાવડર વેચતા હતા'
પ્રતિકાત્મક તસવીર

એટલે જ તો કહેવાય છે ને કે જે મહેનત કરે તેને નસીબ પણ સાથ આપે છે. કેમ કે ‘‘પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે.”

  • Share this:
તરુણ ઢોલા, સારંગપુર

પુરુષાર્થ જીવનની સફળતાનું રહસ્ય છે. પુરુષાર્થ એટલે કે મહેનત. માનવ જીવનમાં તે ખૂબ જ ઉપયોગી છે. અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા લોકોને જરૂર સફળતા પ્રાપ્ત થાય છે. વારંવાર પ્રયત્નથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે! આળસ તો શરૂઆતમાં સુખ આપે છે પરંતુ અંતમાં તે દુઃખરૂપ જ નીવડે છે. જ્યારે પુરુષાર્થ એ શરૂઆતમાં દુઃખ આપે છે પરંતુ અંતે સુખરૂપ નીવડે છે. મહાભારતમાં કહ્યું છે કે કંઈ ન કરવા કરતા કાંઈક કરવું વધારે સારુ છે. આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધારે સારુ છે. કહેવાય છે - ‘‘સિદ્ધિ તેને જઈ વરે છે પરસેવે ન્હાય’’

નિરમા કંપનીના માલિક કરશનભાઈ નિરમા કંપનીની પ્રોડેક્ટ બનાવી સાઈકલ પર ઘરે ઘરે વેચવા જતા. તેઓની આવી સખત મહેનત અને પુરુષાર્થથી આજે શૂન્યમાંથી એક આલીશાન કંપનીના માલિક છે.

સુરતમાં ભણેલા ભારતના સૌથી નાની ઉમરના આઈપીએસ સફીક હસનીનો પુરુષાર્થ પ્રશંસનીય છે. તેમણે આઈપીએસ બનવા માટે જીવનની ઘણી અગવડો વચ્ચે પણ મક્કમ ઈરાદા અને પ્રચંડ પુરુષાર્થથી સાબિત કરી દીધું કે નાના માણસોને પણ સપનાઓ જોવાનો અને પૂરા કરવાનો અધિકાર છે.

એડીસને વીજળીના બલ્બ શોધતાં પહેલાં લગભગ ૯૦૦૦ પ્રયોગો કરેલા. તેમને પૂછવામાં આવ્યું કે, આટલા પ્રયોગોમાં નિષ્ફળતા મળી તો મૂકી દેવાનો વિચાર ન આવ્યો? ત્યારે તેમણે કહ્યું કે આનાથી એટલી તો ખબર તો પડી કે આટલી જગ્યા છોડીને મારે આગળ વધવાનું છે.

શ્રીમદભગવદ્ ગીતામાં પણ પરિશ્રમનો મહિમા ગવાયો છે. ગીતા કહે છે કે, મનુષ્યે શ્રમ કર્યા વગર કદી રહેવું જોઈએ નહિ. પરિશ્રમ તો કરવો જ પડે. બાઈબલમાં પણ કહે છે કે મનુષ્યે મહેનત કર્યા વિનાનું ખાવું ન જોઈએ. સદીઓથી પુરુષાર્થનો મહિમા ગવાતો આવ્યો છે. આપણા પૌરાણિક ધર્મગ્રંથો, શાસ્ત્રો, વેદો, પુરાણોમાં પણ પરિશ્રમની વાત કરવામાં આવી છે. ભારત માટે આઝાદી ચળવળ શરૂ કરનાર મહાત્માગાંધી આખા ભારતમાં ગામડે ગામડે જઈને ફર્યા હતા. સમગ્ર ભરતના લોકોને સમજાવ્યા હતા. આમ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શ્રમને પોતાના જીવનમાં ઉતાર્યો હતો. તેમનું જીવન જ શ્રમમય હતું. શ્રમ કરવા માટે તેઓ હમેશા કટિબદ્ધ રહેતા. કોઈ ન હોય તો તેઓ જાતે જ સાવરણી લઈને સફાઈ કરવા લાગી જતા.આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને દેશના ટોચના વૈજ્ઞાનિક શ્રી એ.પી.જે અબ્દુલ કલામ નાનપણમાં પોતાનો અભ્યાસ પૂરો કરવા ઘરે ઘરે છાપાં નાખવાનું કામ કરતા. તેમણે પોતાની મહેનતને શસ્ત્ર બનાવીને જીવનમાં ઉચ્ચ સ્થાન અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી.

એટલે જ તો કહેવાય છે ને કે જે મહેનત કરે તેને નસીબ પણ સાથ આપે છે. કેમ કે ‘‘પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે.”

દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય પોતાના પુરુષાર્થ વડે નિર્માણ કરી શકે છે. પુરુષાર્થ કરનાર મનુષ્ય જ સુખ સંપતિ મેળવી શકે છે. સખત મહેનત કરનાર માટે નેપોલિયન એવું કહે છે કે,
‘‘Nothing is impossible in the world’’

પુરુષાર્થથી જ માનવી સુખ, સંપતિ અને સત્તાનાં શિખરો સર કરી શકે છે. પુરુષાર્થના બળે જ માનવી ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શકે છે. વિશ્વની મહાન સિદ્ધિઓ પણ આવા પુરુષાર્થનું પરિણામ છે. જગતના મહાન નેતાઓ, ચિંતકો વૈજ્ઞાનિકો પુરુષાર્થથી જ અમર બન્યા છે. પરિશ્રમનું મહત્ત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે.

એટલે જ તો કહેવાય છે કે ‘‘હરે તે ચરે ને બાંધ્યું ભુખે મરે.’’ જાપાન અને જર્મની જેવા દેશોની પ્રજાને શ્રમ વડે જ થોડા જ સમયમાં પોતાના દેશની અદ્ભુત પ્રગતિ સાધી છે.

પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ પુરુષાર્થ વિષે સમજાવતાં કહે છે- “ઈન્દ્રિયો, અંતઃકરણ નિયમમાં રાખવા તે પુરુષાર્થ.” આધ્યાત્મિક માર્ગમાં ઈન્દ્રિયો અને અંતઃકરણને વશમાં રાખવા અતિ કઠણ છે. તેમાં અતિશય પુરુષાર્થની આવશ્યકતા પડે છે.

ભગવાન સ્વામિનારાયણે વચનામૃત સારંગપુર અગિયારમાં જણાવ્યું છે કે ‘જે પુરુષાર્થ કરે છે તેને સદ્ગુરુ અને શાસ્ત્રનાં વચનથી વૈરાગ્ય, બ્રહ્મચર્ચ, શ્રદ્ધા, અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા દૃઢ થાય છે. જન્મમરણથી રહિત થાય છે. પુરુષાર્થી ઉપર જ ભગવાનની કૃપા થાય છે. અને અનાદિ અજ્ઞાનરૂપ માયાથી છુટે છે.’ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને શિરે ચડાવીને સતત વિચરતા એવા મહંત સ્વામી મહારાજનું જીવન પણ પરિશ્રમનું મહાકાવ્ય છે. સિદ્ધ પુરુષોના જીવનમાં પરિશ્રમનો ગુણ લાખોને પ્રેરણા આપનારો બને છે.
First published: June 13, 2020, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading