પ્રકાશ જાની, સારંગપુર
વીસમી સદીમાં કાળામાથાના માનવીએ વિજ્ઞાનના સહારે શું શું નથી કર્યું? ચંદ્ર પર માનવની અવકાશ યાત્રાથી માંડીને અવનવા ઉપગ્રહો દ્વારા માનવીએ અવકાશ ક્ષેત્રે જે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે, એની પાછળ વૈજ્ઞાનિક ટેકનોલોજી જ કારણભૂત છે. સાગરના પેટાળમાં, જ્વાળામુખીના અંતરમાં, ઉત્તર ધ્રુવના નિર્જન બરફ-રણમાં, અરે ! જ્યાં સૂર્યનાં કિરણ નથી પહોંચી શકતાં ત્યાં વિજ્ઞાનનાં સાધનોની મદદથી પહોંચી જઈને માણસે કેટકેટલા અણ ખૂલ્લાં રહસ્યો ઉઘાડી નાંખ્યાં છે.
આમ, માનવીએ પોતાની જરૂરીયાતોની પૂર્તિ માટે અથવા જીવનને સગવડભર્યું બનાવવા જે કંઈ પણ ચીજ વસ્તુઓનું નિર્માણ કર્યું છે, તેનો સમાવેશ ટેકનોલોજીમાં કરી શકાય.
ભારતને સોનાની ચકલી તો કહેવામાં આવે જ છે પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ભંડાર પણ કહેવામાં આવે છે. સમયે -સમયે ભારતની ધરતી પર મહાન પંડિત, જ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકો જન્મ લેતા રહ્યા છે. આ મનીષીઓએ આખી દુનિયામાં ભરતનું નામ રોશન કર્યું છે.
શૂન્યની શોધ ભારતના મહાન ખગોળ શાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે કરી છે. આર્યભટ્ટનો જન્મ બિહારના પાટલીપુત્રમાં થયો હતો. આર્યભટ્ટે કરેલી શૂન્યની શોધ આખી દુનિયાને વિચારવા માટે મજબૂર કરી દીધી. આધુનિક યુગમાં પાઈની શોધ થઈ તે પહેલાં પાઈની વેલ્યુ 3.14 આર્યભટ્ટે કહી હતી.
ડૉ. એ.પી.જી. કલામે જુલાઈ 1992થી ડિસેમ્બર 1999 સુધી પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તથા રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનના ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન પોખરણ-2 પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા, જેમાં તેમણે એક રાજનૈતિક અને વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી. કલામે આ પરિયોજના દરમિયાન રાજગોપાલ ચિદમ્બરમ્ સાથે મુખ્ય પરિયોજના સમન્વયક તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન તેઓ સમગ્ર વિશ્વમાં પરમાણુ વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધ બન્યા.
આમ આધુનિક યુગમાં પણ અનેક ભારતીય વૈજ્ઞાનિકોએ વિશ્વમાં પોતાનું આગવું પ્રદાન કર્યું. પરંતુ આ બધામાં મૂળભૂત તો આધ્યાત્મિક જ્ઞાન હતું. આ જ્ઞાન પરમ સત્ય અને ત્રિકાલાબાધિત હતું. તેમાંથી જ જ્ઞાન અને વિજ્ઞાનની અનેક શાખાઓ વિકસી છે. વચનામૃતમાં પણ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનની સાથે વિજ્ઞાનની અનેક કડીઓને જોડતું વર્ણન મળી આવે છે. તેથી વચનામૃત ગ્રંથ આ વિષયનો એક ઉત્તમ દાખલો બની રહે છે. વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝ કહેતાં કે વનસ્પતિઓ પણ દુઃખને અનુભવે છે અને લાગણીઓને સમજે છે. પ્રાણીઓના જેવું તંત્ર હોય તે રીતે વનસ્પતિઓ પણ વિવિધ અનુભવોના પ્રતિભાવ આપે છે. આ સંશોધન આપનાર વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝના જન્મને 54 વર્ષની વાર હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉચ્ચારી ગયા:
“તે મને સર્વે બેરાગીએ કહ્યું જે, ‘તાંદળજાની લીલી ભાજી તોડો.’ ત્યારે મેં કહ્યું જે, ‘એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ.’ પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્વભાવ છે.”(વચ. મ.૬૦) આધુનિક યુગમાં રૂધરફોર્ડ મોડલ તરીકે ઓળખાતા પ્રયોગો દ્વારા એવું પૂરવાર થયું કે અણુ પણ તૂટી શકે છે. અને તે અણુમાં નર્યો અવકાશ જ અવકાશ છે. અણુમાં અલ્પ નક્કર ભાગ સિવાય બાકી બધુ આકાશ છે. આધુનિક અણુ વિજ્ઞાની રૂધરફોર્ડ કરતાં 99 વર્ષ પૂર્વ ભગવાન સ્વામિનારાયણે આ સિદ્ધાંત આપ્યો હતો:
“પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિષે પણ આકાશ છે અને તે એક રજના કોટાનકોટિ કટકા કરીએ તો પણ તેને વિષે આકાશ છે.”(વચ. પ્ર. ૪૬) ખગોળ શાસ્ત્રી લીસા ગાર્ડનર પોતાના શબ્દોમાં કહે છે: 3876 કિમીનો વ્યાસ ધરાવતો ચંદ્ર નાનો જણાય જેમ-જેમ તેની નજીક જઈએ તેમ તેમ મોટો થતો જાય અને ચંદ્ર પર જતાં તો 3876 કિમી લાંબો પહોળો ચંદ્ર નજર પણ ન પહોંચે તેવો મોટો જણાય. ચંદ્ર માટે અનેક પરિકથાઓ જ અસ્તિત્વમાં હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણે વૈજ્ઞાનિકોથી 148 વર્ષ પહેલાં ચંદ્રની સમીપે જવાથી મળતા વાસ્તવિક દૃશ્યની વાત કરી છે:
“જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે આંહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂંકડો જાય ત્યારે તો દૃષ્ટિ પણ પહોંચી શકે નહીં, એવું મોટું જણાય.” (વચ. સા. ૧૭) કોઈ વૈજ્ઞાનિક ઉપકરણોની મદદ વિના, અભ્યાસ વિના પણ ભગવાન સ્વામિનારાયણે કહેલી દરેક વાત આધુનિક વિજ્ઞાન સાથે કેટલું સામ્ય ધરાવે છે, તે અહીં જોઈ શકાય છે.