માત્ર સંયમની શક્તિથી ઈન્દ્રીયોની આ શક્તિ વધારી શકાય છે

વચનામૃત - જીવનમાર્ગદર્શક

એક સુથાર હતા. તે દીવમાં ફિરંગી સાહેબને ત્યાં લાકડું ઘડવા ગયા. સુથાર લાકડું ઘડતો જાય અને મેડમ સામું જુએ. જોવામાં કેટલો ફાયદો થયો ? સંયમ ન રાખ્યો તો ખરાબ પરિણામ ભોગવવુ પડ્યું.

 • Share this:
  સાધુ કૌશલમૂર્તિદાસ, BAPS - સારંગપુર

  આપણને બાહ્ય જગતનું જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. ઇન્દ્રિયોમાં જ્ઞાન પ્રાપ્ત કરાવવાની અદ્ભુત શક્તિ રહેલી છે, પરંતુ મોટા ભાગના લોકોને આ વાતની જાણ નથી તેથી આ શક્તિ ખોટી રીતે વેડફાય છે, પરિણામે વિશેષ રચનાત્મક કાર્યો માટે શક્તિ ખૂટી પડે છે. વિવેકાનંદ સ્વામી કહે છે કે માત્ર સંયમના બંધથી ઇન્દ્રિયોની આ શક્તિ વધારી શકાય છે.

  એક જ લોખંડના ટુકડામાંથી ઘોડાની નાળ બને તો કિંમત ઘટી જાય અને એ જ લોખંડના ટુકડામાંથી જો ઘડિયાળના કાંટા બને તો કિંમત વધી જાય. તેમ જ સંયમથી જીવન ઘડાતા તેની કિંમત અનંત ગણી વધી જાય. દુનિયામાં પથ્થરો તો ઘણા છે પરંતુ તેમાંથી ઘડાઈને સુંદર, મૂર્તિનું રૂપ કેટલા પથ્થરો દ્વારા ઉત્પન્ન કરે છે ? લોકોનું પણ એવું જ છે. માનવીએ પૃથ્વી પર જન્મ તો લીધો પણ એ જીવાતું જીવન ઘડાઈને સફળ થયું ? ઘડાઈને સફળ થયેલા જીવનની જ કિંમત છે.

  વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યા પ્રાપ્ત કરવી એ એક સાધના છે. આ ધ્યેય સિદ્ધ કરવા માટે સંયમરૂપી લગામ જરૂરી છે. ટી.વી. દ્વારા અશ્લીલ ફિલ્મો જોઈ આજના વિદ્યાર્થીઓ સંયમ ગુમાવે છે. સંયમ ગુમાવવાથી એકાગ્રતામાં ભંગ પડે છે અને તેના કારણે જીવનનું લક્ષ્ય ખીણમાં ધકેલાઈ જાય છે.

  મુંબઈના એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર. પિતા એર ઈન્ડિયામાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા. વિદ્યાર્થીનો મોટો ભાઈ ડોક્ટર હતો, પણ આ વિદ્યાર્થીએ ઈન્દ્રિયોનો સંયમ ગુમાવ્યો. ફિલ્મ જોતા થઈ ગયો. સિગારેટ, દારૂમાં ચકચૂર રહેવા લાગ્યો. થોડા જ વખતમાં પૂનામાં ગેંગ ફાઈટમાં તેનું મૃત્યુ થયું. હોંશિયાર વિદ્યાર્થીની આ અધોગતિ પાછળ સંયમનો અભાવ જોવા મળે છે.

  વિભાંડક ઋષિએ તેના પુત્ર એકલશ્રૃંગીને આશ્રમમાં રાખી બ્રહ્મચારી તરીકે વિદ્યાના પાઠ ભણાવેલ. અભ્યાસ, સાધના અને અધ્યયનમાં જ રચ્યા પચ્યા રાખ્યા હતા. એકલશ્રૃંગીને દુનિયામાં સ્ત્રી કોને કહેવાય, એ જ ખબર ન હતી. પરંતુ પાસેના રાજ્યમાં વરસાદ વરસાવવા માટે રાજાએ તેમને આમંત્રણ આપ્યું. બ્રહ્મચારી તરીકે રાજભવનમાં આવ્યા, પરંતુ રાજપુત્રીને જોઈને મોહ પામ્યા. જેને સંસારનો ખ્યાલ પણ ન હતો તેઓએ સંયમ ગુમાવ્યો અને ગૃહસ્થ થયા.

  જેમ રૂપ જોવામાં વ્યક્તિ બરબાદ થાય છે, સ્વાદથી માણસનું અધ:પતન થાય છે. આમ, જે માણસ સંયમરૂપી લગામ નથી રાખતો, તેને જીવનમાં પસ્તાવાનો વારો આવે છે. જેમ નદીના ધસમસતા પ્રવાહને રોકવામાં આવે અને તેના પર બંધ બાંધવામાં આવે તો એ પાણીમાંથી વિજળી ઉત્પન્ન કરી શકે, ખેતી થઈ શકે, અસંખ્ય મનુષ્યો અને પ્રાણીઓને પીવામાં, નહાવા-ધોવામાં ઉપયોગમાં લઈ શકાય. તેમજ માણસના સંયમથી અનંત શક્તિ પ્રાપ્ત થાય છે, એકાગ્રતા જાળવી શકાય છે, અને ન ધારેલી સફળતા પ્રાપ્ત થાય છે. અનેક કાર્ય કરી શકીએ છીએ.
  મેશનર પર્વતારોહક માટે કહેવાય છે કે He is the king of Himalaya ઈ.સ. 1970માં તેણે સંકલ્પ કર્યો કે દુનિયામાં 8 હજાર મીટર કરતાં ઊંચા 14 પર્વતો છે. તે બધા સર કરવા. 1986 સુધામાં તેણ ચૌદ ચૌદ પર્વતો સર કર્યા. તેની પાછળનું મુખ્ય કારણ તેનું સંયમથી ભરેલું જીવન હતું. એકવાર તેના પત્નીએ તેને પૂછ્યું કે તમે મને પરણ્યા છો કે પર્વતો ને ? ત્યારે મેન્સરે કહ્યું : ‘પર્વતોને.’


  ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત સારંગપુર 2 માં વાત કરી છે જે આંખ અને કાન જેવી ઈન્દ્રિયોનો વિશેષ સંયમ રાખવો. સંયમના મર્મને સમજાવતાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કહ્યું છે જે યુવાન અવસ્થામાં ઈન્દ્રિયોનો સંયમ ન રહે તો વિદ્યા વરે જ નહી, સંયમી જીવન એ વિદ્યાર્થીની સાધના છે, સંયમ-નિયમ પાલન કરવામાં શરૂઆતમાં કંટાળો આવશે પણ ભાવના સાથે નિયમ પાળશો તો અતિ ફાયદો થશે.

  ગુરુ યોગીજી મહારાજ સંયમના મર્મને બોધકથા દ્વારા સુંદર રીતે કહેતા. એક સુથાર હતા. તે દીવમાં ફિરંગી સાહેબને ત્યાં લાકડું ઘડવા ગયા. સાહેબ અને મેડમ જાજમ ઉપર બેઠા હતા. સુથાર લાકડું ઘડતો જાય અને મેડમ સામું જુએ. સાહેબે આ જોયું ને સુથાર ભગતને કહ્યું ‘મત જો !’ પણ સુથાર ભગતની વૃત્તિ તેમાં ખેચાઈ ગયેલી. ત્રણવાર સાહેબે ના પાડી તોય ચોથી વાર જોયું અને સાહેબે ખીજાઈને સુથારની બે આંખ ફરસાથી કાઢી લીધી.

  જોવામાં કેટલો ફાયદો થયો ? સંયમ ન રાખ્યો તો ખરાબ પરિણામ ભોગવવુ પડ્યું.

  આમ, સંયમ રાખવાથી પોતાને શાંતિ, ઘરમાં પણ શાંતિ, ઘરમાં શાંતિ તો સમાજમાં શાંતિ અને સમાજમાં શાંતિ તો દેશમાં શાંતિ શાંતિ.
  Published by:kiran mehta
  First published: