ધી૨જ સમ નહિ ધન, આવે અર્થ એ દોહલે દન, વાઢે વિ૫ત્તિનાં વન

News18 Gujarati
Updated: May 14, 2020, 10:41 PM IST
ધી૨જ સમ નહિ ધન, આવે અર્થ એ દોહલે દન, વાઢે વિ૫ત્તિનાં વન
વચનામૃત ધીરજ જાળવી રાખવાનો ઉપાય સમજાવે છે કે આત્મનિષ્ઠા હોય એટલે કે પોતાને દેહ નહિ આત્મારૂપે માનીએ તો ધીરજ ડગે નહિ.

આજના માનવીને જાણે ઉતાવળ નામનો મહારોગ લાગુ પડ્યો છે. ઈન્સ્ટન્ટ ચા, ઈન્સ્ટન્ટ કોફી, ફાસ્ટફૂડ જેવી ખાણી-પીણીએ માનવીય મનોવૃત્તિને પણ એવી ઘડી દીધી છે કે તે પળ પણ થોભવા તૈયાર નથી

  • Share this:
દીપુ મિયાણી, સારંગપુર - BAPS

દરેક વ્યક્તિ, વસ્તુ કે પટનાનું પરિમાણ માનવી સ્થળના કાટલે જ કાઢતો આવ્યો છે, થર્મોમીટરનો પારો ઊંચે ચઢે તો જ વ્યક્તિને બીમાર ગણવાની પ્રથા પડી છે, તેથી થર્મોમીટરમાં ન મપાય તેવા ઝીણા તાવમાં કણાસતાં ઘણો દર્દો યથાયોગ્ય સેવા સંભાવનાથી વંચિત રહી જાય છે, શરીરમાંથી લોહી નીકળે તો જ વ્યક્તિને ઘાયલ સમજવામાં આવે છે. આ ગે૨સમજને લીધે શબ્દથી પડતા ઘેરા ઘા નજર બહાર છટકી જાય છે અને મહાભારત સર્જાતાં રહે છે. દ્રૌપદીએ દુર્યોધન પ્રત્યે કહેલાં ‘અંધના અંધ' માંથી મહાભારત સર્જાયું હતું. ઢીમચું થાય કે હાડકું ભાંગે તો જ માર વાગ્યો તેવું મોટે ભાગે ગણવામાં આવે છે. તેમાં જ મૂઢ માર ખાનાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવાનું ચૂકાઈ જાય છે. આ જ રીતે કડકડતી નોટો અને ખણખણતા સિક્કા હોય તો જ પૈસાદારમાં પાનિયું પડે છે, કેટલો ઊંચો બંગલો છે અને કેટલી વધુ જમીન છે તેમાં આપણે ધનવાનપણે સમાઈ જાય છે. આવી લોકપ્રિય અને વ્યાપક અણસમજમાં ધન કરતાં વધુ મૂલ્યવાન એવી ઘણી બાબતો છટકી જાય છે. આવી એક બાબત તરફ આપણું ધ્યાન દોરતાં મધ્યકાલીન ગુજરાતી કવિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે:

ધી૨જ સમ નહિ ધન.. આવે અર્થ એ દોહલે દન. વાઢે વિ૫ત્તિનાં વન..

ધી૨જ સમ નહિ ધન .'' આજના રઘવાટભર્યા યુગમાં નિષ્કુળાનંદે ચીંધેલું આ ધન વધુ ને વધુ પ્રસ્તુત થતું જાય છે. આજના માનવીને જાણે ઉતાવળ નામનો મહારોગ લાગુ પડ્યો છે. ઈન્સ્ટન્ટ ચા, ઈન્સ્ટન્ટ કોફી, ફાસ્ટફૂડ જેવી ખાણી-પીણીએ માનવીય મનોવૃત્તિને પણ એવી ઘડી દીધી છે કે તે પળ પણ થોભવા તૈયાર નથી.

થોડાક વર્ષો પહેલાં જ મદ્રાસમાં પૂરરાહત કુપનોનું વિતરણ થતું હતું. તેમાં લાઈનમાં ઊભા રહેલાએ એવી ધક્કામુક્કી મચાવી મૂકી કે પિસ્તાલીસ લોકો માર્યા ગયા. વળી ઉત્તરપ્રદેશમાં થઈ રહેલા વસ્ત્રવિતરણમાં લોકોએ કરેલી ઉતાવળે પચાસ જેટલાંનો દમ તોડેલો. મંદિરોમાં પ્રસાદ વહેંચતી વખતે થતી ઉતાવળમાં પગ અને પ્રસાદ બંને કચરાતાં હોય છે. રેલ્વે-ક્રોસિંગ બંધ હોય ત્યારે તમે જોજો, રોડની ડાબી-જમણી બંને બાજુએ લોકો પોતાનાં વાહનો ઊભા રાખી દે છે. તેને પરિણામે ક્રોસીંગ ખૂલે ત્યારે એવી ભીડ જામે છે કે કોઈ સરળતાથી આગળ વધી શકતું નથી. આમ બનવાનું કારણ નાહકની ઉતાવળ જ હોય છે કે બીજું કાંઇ?

વાતવાતમાં ધીરજ ખોઈને માણસ કેટલી વેચાતી વહોરી લેતો હોય છે તેનું એક સુંદર ઉદાહરણ ભાગવત પુરું પાડે છે, એકવાર દક્ષ પ્રજાપતિ શિવજી પાસે ગયા. તે વખતે શિવજી ધ્યાનસ્થ હતા. તેથી દક્ષનું સન્માન થયું નહીં, બસ ! આટલામાં ખેલ ખલાસ થઈ ગયો. દક્ષે ઉતાવળિયો નિર્ણય લઈ લીધો કે ‘શિવજી અહંકારી બની બેઠા છે. પોતાનું કાંઈ ઠેકાણું નથી તોય આટલું અભિમાન? તેઓની સાન પણ ઠેકાણે લાવવી પડશે.’ આમ, ધુંવાપુવા થતાં તે ચાલી નીકળ્યા અને એક યજ્ઞનું આયોજન કર્યું. તેમાં દેવ તરીકેનો ભાગ પણ શિવજીનો ન રાખ્યો, આ જોઈ પાર્વતીને માઠું લાગ્યું. તે હઠ કરીને યજ્ઞશાળામાં ગયા અને યજ્ઞભંગ કરવા યજ્ઞકુંડમાં કૂદીને બળી મર્યા. આ જોઇ શિવના ગણો વિફર્યા. તેઓએ દક્ષનું માથું ઉડાડી નાંખ્યું. તે જોતાં દક્ષના સમર્થકો પણ ઉછળ્યા અને યજ્ઞભૂમિ સમરભૂમિમાં ફેરવાઈ ગઈ. આટલી ધમાલ મચી જવા પાછળ દક્ષની ઉતાવળને કારણભૂત ગણવી પડશે, થોડી ધીરજ ધારીને તેઓએ પોતાનું સન્માન ન થવા બાબતે શાંત ચિત્તે વિચાર કર્યો હોત તો? તો તેઓ સ્વયંની નાલેશી, સમર્થકોના સંહાર અને પુત્રીના મૃત્યુથી બચી ગયા હોત.ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં ધીરજ જાળવી રાખવાનો ઉપાય સમજાવે છે કે આત્મનિષ્ઠા હોય એટલે કે પોતાને દેહ નહિ આત્મારૂપે માનીએ તો ધીરજ ડગે નહિ.

રોજબરોજ આપણા જીવનમાં એવા કેટલાય પ્રસંગો બને છે જેમાં આપણે જો એક ટકા જેટલી પણ ધીરજ ધારીએ તો ઘણી હોનારતોમાંથી બચી જઈએ. ધીરજના અભાવે પતિ-પત્ની એકમેકથી મો ફેરવી લે છે અને સંતાનો ‘બિચારાં તથા બાપડાં' બની જાય છે. થોડી ધીરજના અભાવે બાપ-બેટો એકબીજા સામે બાંયો ચઢાવી બેસે છે અને ઘર, સંપત્તિ બધુ ઉજ્જડ થઈ જાય છે. ક્યારેક લોભ તો ક્યારેક ક્રોધ, ક્યારેક કામ તો ક્યારેક માન, ક્યારેક ઇર્ષ્યા તો ક્યારેક હઠ, આપણી ધીરજને ગળી જાય છે. પરંતુ તે વખતે જરા સમસ્કલકે” ડગ ભરીએ તો ઘણી રાહત રહે..

તેથી જ નિષ્કુળાનંદે ગાયું હશે : “ધીરજ સમ નહિ ધન'', સ્થૂળનું કાટલું મૂકી સૂક્ષ્મતાથી આ પંક્તિ વિચારવા જેવી નથી લાગતી?
First published: May 14, 2020, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading