રિવોલ્વરની ગોળી, તમામ જીવલેણ વાયરસો કરતા પણ ધૂમ્રપાન વધુ ખતરનાક

News18 Gujarati
Updated: April 14, 2020, 11:30 PM IST
રિવોલ્વરની ગોળી, તમામ જીવલેણ વાયરસો કરતા પણ ધૂમ્રપાન વધુ ખતરનાક
વચનામૃત - જીવનમાર્ગદર્શક

એક રાજસિક સુખ પાછળ આજે કરોડો હિંદુસ્તાનીઓ હાંક હાંક મંચા છે. તે છે વ્યસનોનું સુખ! તેમાં તમાકુના વ્યસને તો ખરેખર માઝા મૂકી છે.

  • Share this:
મોનાલી સવાણી, સારંગપુર - BAPS

ભગવદ ગીતાના અઢારમાં અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ત્રણ પ્રકારના સુખની વાત કરી છે. તેમાં રાજસિક સુખનું સ્વરૂપ સમજાવતાં તેઓ કહે છે; “જે શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે, પણ પરિણામે ઝેર જેવો ગુણ કરે તે રાજસિક સુખ કહેવાય છે.” આવા એક રાજસિક સુખ પાછળ આજે કરોડો હિંદુસ્તાનીઓ હાંક હાંક મંચા છે. તે છે વ્યસનોનું સુખ! તેમાં તમાકુના વ્યસને તો ખરેખર માઝા મૂકી છે.

ભારતમાં નાનાં ગામડાંની લઇને મોટાં શહેરો સુધી હારડાની જેમ ઝૂલતી ગુટકાની પડીકીઓ નજરે ચઢે છે. હિંદુસ્તાનમાં જાહેર મકાનોની સીડીઓના ખૂણા ભાગ્યે જ તમને તમાકુની પિચકારીથી અસ્પૃશ્ય જોવા મળશે. ટ્રેનમાં , બસમાં અને હાલતાં ચાલતાં જાહેર સ્થળો કે સમારંભોમાં તમાકુ ખાવા-પીવી એ બાબત સામાન્ય થઇ ગઈ છે. ત્યારે તેની લત લાગવી એ પણ સહજ બનતું જાય છે. તેમાં વળી જેમ ક્લોરોફોર્મની શીશી કે એનેસ્થેશિયાનું ઇન્જેક્ષન માણસના અંગને ખોટાં બનાવી દે છે તેમ બીડી, સીગરેટ કે ગુટકાની આકર્ષક જાહેરાતો માણસની બુદ્ધિને બહેરી બનાવી દે છે. કુસંગનો છેદ આ બેહોશીને વધુ ઘેરી કરે છે અને પછી શતમુખ વિનિપાતને માણસ નોતરી બેસે છે.

એક દશક પહેલાં જીભ , ગાલ અને જડબાના કેન્સરના કિસ્સાઓ જવલ્લે જ જોવા મળતા. આજે હવે એ રોજબરોજની બીના બની ગઇ છે. ગુટકાના ઉત્પાદનમાં તમાકુ, સોપારી, કાથો, ચૂનો ઉપરાંત કૃત્રિમ રંગો અને સુગંધકારક દ્રવ્યો વાપરવામાં આવે છે. કુદરતી કાથો લગભગ એક હજાર રૂપિયે કિલોના ભાવે મલે છે, જેની સામે કૃત્રિમ કાથો વાપરે છે જે ગેરૂ, મુલતાની માટી, સોપારી અને સ્થાનિક મટન શોપમાંથી વધેલા ઘટેલા માંસના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે.

આરંભે સુખદાયી જણાતું વ્યસનનું રાજસિક સુખ અંતે કેવું ઝેરમય નીવડી શકે છે તે ઉપરોક્ત હકીકતો પરથી સહેજે સમજાય તેવું છે.

ડૉ. હોલીસ એસ. ઇગ્નિહામે ન્યૂયોર્કની વર્લ્ડ કોન્ફરન્સમાં કહેલું છે કે , બંદૂક - રિવોલ્વરની તમામ ગોળીઓ, તમામ જંતુઓ અને વાયરસ કરતાં, પણ ધૂમ્રપાન વધુ ખતરનાક છે, આ વિધાનમાં લેશ પણ અતિશયોક્તિ નથી.આરંભે અમૃત જેવું લાગતું વ્યસન આપણી સંપત્તિને પણ કેવી તહસનહસ કરી રહ્યું છે ? ! ઘરમાં બાકોરું પડે તો આપણે તરત તેને છાંદી દઇએ છી એ. ખિસ્સામાં કાણું પડે તો આપણે તરત તેને સાંધી લઇએ છીએ. પરંતું વ્યસનોરૂપી બાકોરાં ને કાણાં આપણી સંપત્તિને તાણી જાય છે. છતાં આપણી ઊંઘ ઉડતી નથી. કિમ આશ્ચર્યમ્. અત: પરમ ? - આ યક્ષ પ્રશ્ન આ બાબતે જરા વધુ ઉપયુક્ત લાગે છે. તમારું શું કહેવું છે ? ગુણાતીતાનંદ સ્વામી કહેતા, કુસંગીના ફેલમાં, સત્સંગીના રોટલા, બે હથેળી વચ્ચે મસળાતા તમાકુમાં કેટલાય કુટુંબના રોટલા કચરાઈ જાય છે.

વ્યસનનો સાથ સંતતિનો હાથ પણ વાલીના હાથમાંથી છોડાવી જાય છે. હથેળીમાં તમાકુ મસળતો કે હોઠ અને દાંત વચ્ચે તમાકુ દબાવતો કે બીડી - સિગરેટના ધુમાડા કાઢતા બાપ અદૃશ્યપણે પોતાના સંતાનોમાં પણ આ કૂટેવનું બીજારોપણ કરતો જાય છે. એકવાર વર્ગખંડમાં શિક્ષકે વિદ્યાર્થીઓને સવાલ કર્યો કે, “તમારામાંથી કોણ પોતાના પિતાનું અધુરું કાર્ય પૂરું કરે છે ? ” એક વિદ્યાર્થીની આંગળી ઊંચી થતાં શિક્ષકે પૂછયું: બોલ બેટા ! તું તારા પિતાનું કયું અધુરું કાર્ય પુરુ કરે છે ? ત્યારે તેણે કહ્યું : “મારો બાપ અડધી બીડી પીને ફેંકી દે છે. હું તે પૂરી કરી નાખું છું ” ટુચકો રમૂજી છે પરંતુ વ્યસની બાપને ચીમકી આપનારો છે. આરંભમાં અમૃત જેવું લાગતું વ્યસન આપણા કાળજાના કટકા જેવા સંતાનોને પણ કેવા ગેરમાર્ગે દોરી રહ્યું છે ?! એક પડીકીમાં પુરાયેલા પાંચ - પંદર સોપારીના કટકા કે દોઢ-બે ઇંચના ખાખી- ધોળા ઠૂંઠા આપણા સ્વાસ્થ્ય, આપણી સંપત્તિ, આપણા સંતાનો, આપણા સંસ્કારો અને આપણી શાંતિને વેરણછેરણ કરી દે તે શું આપણને મંજૂર છે?

શાસકોના શોષણ સામે મજૂરોને હાકલ કરતાં કાર્લ માકર્સે કહેલું: ‘દુનિયાના મજૂરો ! એક થાઓ. તમારે ઝંઝીરો સિવાય કશું ગુમાવવાનું નથી.” આ રીતે વ્યસનોની ચુંગાલ સામે રણશિંગુ ફૂંકતા આ નારો વહેતો કરવા જેવો છે કે, “હિંદુસ્તાનના વ્યસનીઓ ! સાબદા. થાઓ. તમારે સડેલા મોઢાં, વેડફાતા પૈસા , બગડતા સંતાનો, ઘસાતાં સંસ્કારો અને લૂંટાતી શાંતિ સિવાય કશું ગુમાવવાનું નથી.”

ભગવાન સ્વામિનારાયણ આ વ્યસનમુક્તિનો ઉપાય વચનામૃતમાં જણાવે છે કે શ્રદ્ધાપૂર્વક આગ્રહ રાખે તો વ્યસન આ દેહે જ ટળી શકે છે.
First published: April 14, 2020, 11:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading