હસ્તી કેવડિયા, સારંગપુર - BAPS
મનની મક્કમતા, શારીરિક સુદૃઢતા તથા સ્વપ્ન મુજબ કોઈપણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરીને પ્રત્યેક અંગમાં ઉમંગ અને ઉત્સાહનું વહેતું અવિરત ઝરણું એટલે તરુણાઈ.
હા, જેની ચાલમાં ચપળતા, બાહુમાં બળ તથા જીવનમાં જોમ ને જુસ્સો હોય તેને ‘તરુણ’, ‘કિશોર’, ‘યુવાન’ કે ‘નૌજવાન’ કહીને નવાજવામાં આવે છે, પરંતુ શું આ વાસ્તવિકતા છે કે શબ્દોનો શણગાર!?
આજની યુવાની એ હોટલની બહાર ખાણી-પીણીના મનોરમ્ય ચિત્રવત્ થઈ ગઈ છે. જે બહારથી રમણીય, પરંતુ અંદરથી ફિક્કી હોય છે. આજે ઉપરોક્ત યૌવનની વ્યાખ્યા પ્રાયઃ શબ્દોમાં જ સિમિત થઈ ચૂકી છે, કારણ કે તેનું જીવન ક્ષણભંગુર સુખ સમાન મોજ-મજામાં એવું ગુંચવાઈ ગયું છે. જાણે અલ્પ સુખ લેવા મધ માટે ટળવળતી માખી જ ન હોય. જે અંતે સર્વસ્વ ગુમાવી બેસે. હા, આ કડવું જરૂર છે, પરંતુ વાસ્તવિક ચિત્ર છે. આમ, તો યુવાની માટે એવું કહેવાયું છે કે;
ઘટમાં ઘોડા થનગને, આતમ વિંઝે પાંખ,
અણદિઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.
ગૌરવયુક્ત યુવાનીની આ સુક્તિઓના શબ્દો આજે શરમના માર્યા લુપ્ત થઈ ગયા હોય તેવું લાગે છે, કારણ કે અશ્લિલ દૃશ્યો, ડાંસ-ડિસ્કો અને સિનેમાઓ સુધી જ યુવાનોની આંખ અને પગ હંમેશા ગતિશીલ જ રહે છે. જાણે પોતાના જીવનનું એક અવિભાજ્ય અંગ ન હોય!
આ એક-બે યુવાનીની જ દારૂણ દાસતા નહીં, પરંતુ વૈશ્વિક સમસ્યા થઈ ગઈ છે અને તેથી જ સમગ્ર સમાજ માટે પ્રકાશ પાથરનારી યુવાની આજે આશાનું કિરણ નહીં, પરંતુ નિરાશાનો ઘોર અંધકાર બની ચૂકી છે. મીઠી સોડમથી તરબતર કરનાર પલ્લવિત પુષ્પ જાણે કીચડમાં ખદબદી રહ્યું છે. અને ગગનમાં ચમકતો દૈદીપ્યમાન તારો નહીં, પરંતુ ખરતી ઉલ્કાસમાન લાગી રહી છે.
પ્રાચીનકાળમાં વિદ્યાર્થીઓ આશ્રમમાં ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરતા જ્યાં અધ્યયનની સાથે સાથે બ્રહ્મચર્ય, સંયમ આદિ પણ દૃઢ પાલન થતું. જ્યારે આજે બ્રહ્મચર્યભંગ એ યુવાનો માટે શાસ્ત્રનિયમ લોપ નહીં, પરંતુ સર્વસામાન્ય થઈ ગયો છે.
આજે પ્રત્યેક સ્થાને, સમયે કે સંજોગે યુવાનોએ સમાજ માટે એક હાંસીનું પાત્ર બની ચૂક્યું છે. જે આજના યુવામાનસનો નક્કર એક્સ-રે છે. પરંતુ સિક્કાની બે બાજુ હોય, તેમ કોઈક વિરલાઓએ યુવાનીની આ વ્યાખ્યાઓને કેવળ પુસ્તકસ્થ થતા બચાવી પણ છે, જે ભારતની પવિત્ર અધ્યાત્મ ધરા ઉપર પશ્ચિમનો વાયરો કાળો કેર વર્તાવી રહ્યો છે, પરંતુ આજે પણ એવા યુવાનો સર્જાયા છે જેનાથી યુવાનીની વ્યાખ્યાઓ શતાંશ સત્ય ઠરે અને જોનારાનાં હૈયે હરખ અને આંખોમાં અમી ઊભરી આવે.
વાલ્મીકિ રામાયણમાં એક પ્રસંગ નોંધાયો છે. જ્યારે દુષ્ટ રાવણે છળ કરી સીતાજીનું હરણ કર્યું. ત્યારબાદ સીતાજીની શોધમાં નીકળેલા રામ-લક્ષ્મણને સુગ્રીવનો ભેટો થયો. જ્યારે રાવણ સીતાજીને પુષ્પક વિમાનમાં લઈ જતો હતો. ત્યારે સીતાજીએ પોતાના ઘરેણાંની પોટલી નીચે નાંખી, આ પોટલી સુગ્રીવને મળી હતી. સુગ્રીવે આ પોટલી રામચંદ્ર ભગવાનને બતાવી. ત્યારે ભગવાને લક્ષ્મણને તે ઘરેણા જોવા કહ્યું. લક્ષ્મણે કંકણ-નથણી બાજુબંધ બધું જોયું. પણ તે સીતાજીના છે તેવી ઓળખ પડી નહીં. પછી જ્યાં જાંજર જોયા ત્યાં તરત જ બોલી ઊઠ્યા. અરે ! આ તો સીતામાતાના જ જાંજર છે. રામચંદ્રજી પૂછે છે, “ભાઈ ! તમે કેયુર-કુંડલોને કેમ ન ઓળખ્યા?” મેં સીતા માતાના કેયુર કે કુંડલને જોયા નથી. પણ તેમને રોજ પગે લાગતો એટલે કેવળ મેં જાંજર જ જોયા છે. ચૌદ-ચૌદ વર્ષમાં એ ત્રણ જ વ્યક્તિ એક સાથે રહેતી હોય. છતાં લક્ષ્મણે સીતાનું મુખ સુધા ન જોયું હોય. તે કેવા સંસ્કારોનું બળ હશે!
ભગવાન સ્વામિનારાયણ વચનામૃત સારંગપુર પ્રકરણના ૧૮મા જણાવે છે કે, “મનુષ્યદેહે કરીને શું ન થાય?”(ગઢડા મધ્ય પ્રકરણનું ૩૩) “જ્યારે યુવાન અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતનો સમાગમ રાખે તો યુવાન અવસ્થારૂપી સમૂહને તરી જાય છે અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાજય પામીને ભ્રષ્ટ થઈ જાય છે.”
વચનામૃત આવા પથદર્શક વચનોએ ફક્ત એક યુવાનની જ નહીં, પરંતુ અનેક તરુણોની ઢાલ બનીને આફતમાંથી રક્ષા કરી છે. તેથી જ BAPSના યુવાનની આગળ ‘આદર્શ’નું વિશેષણ લગાવી આપ્યું છે. તેથી જ બાળ હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ ચારે બાજુ કાદવ હોવા છતાં કમળ તેની મહેક ભૂલતું નથી, તે સદા પ્રસરતી જ રહે છે.
આજે જો જીવનમાં સુખ-શાંતિ અને પ્રગતિ-પૂર્ણતા મેળવવી હોય તો સૌએ વચનામૃત ગ્રંથને જરૂર માર્ગદર્શક બનાવવો જોઈએ.