BAPS: દુઃખનું મૂળ છે અહંકાર, જીવનમાંથી હું હટે તો દુઃખ મટે

BAPS: દુઃખનું મૂળ છે અહંકાર, જીવનમાંથી હું હટે તો દુઃખ મટે
વચનામૃત : જીવનમાર્ગદર્શક

આપણે ‘દુઃખે પેટ ને કૂટે માથું’ જેવા પ્રયત્નો કરીએ છીએ. દુઃખનાં મૂળને કાઢ્યાં વગર ફક્ત દુઃખની ડાળીઓને કાપવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુધી મૂળ ન કપાય, ત્યાં સુઘી ડાળો કાપવાનો શો અર્થ ?

 • Share this:
  માનસી કેવડિયા, સારંગપુર - BAPS

  સુખ એ પ્રત્યેક વ્યક્તિની ઝંખનાં છે. રાત-દિવસની દોડધામ પણ સુખ માટે જ થાય છે. તેમ છતાંય દુઃખનાં દાવાનળમાંથી બહાર નીકળી શકાતું નથી. સુખ માટેની આટલી રઝળપાટ પછી પણ અંતે તો ઉકળાટ, કકળાટ ને રઘવાટ જ મળે છે. આનું કારણ શું ?  કારણ એટલું જ છે કે આપણે ‘દુઃખે પેટ ને કૂટે માથું’ જેવા પ્રયત્નો કરીએ છીએ. દુઃખનાં મૂળને કાઢ્યાં વગર ફક્ત દુઃખની ડાળીઓને કાપવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુધી મૂળ ન કપાય, ત્યાં સુઘી ડાળો કાપવાનો શો અર્થ ?

  દુઃખનું મૂળ છે અહંકાર. એ મૂળને કારણે આપણને શૂળ ઊભા થાય છે. જો એ મૂળ જાય તો જ સુખ થાય. હું હટે તો દુઃખ મટે.

  એકવાર એક ગુરુએ પોતાના શિષ્યોને આશ્રમના કૂવામાંથી પાણી ભરી લાવવા કહ્યું. આદેશ અનુસાર શિષ્યો પાણી સીંચીને લાવ્યા, પણ પાણી ગંધાતું હતું. આથી, ગુરુજીએ કૂવાનું બધું પાણી ઉલેચી નાખવાં જણાવ્યું. પાણી ઉલેચ્યા બાદ નવું પાણી ભર્યું છતાંય પાણી ગંધાતું હતું. ગુરુજી જાતે જ કૂવા પાસે આવ્યા અને કૂવામાં જોયું તો મરેલું કૂતરું પડેલું. ગુરુજીએ બધાને ઠપકો આપતાં કહ્યું, ‘ગમે તેટલું પાણી ઉલેચશો તો પણ ગંધ નહીં જાય, કારણ કે તમે કૂતરું તો કાઢ્યું નથી.’

  આપણે બધા કૂતરું કાઢ્યા સિવાય ફક્ત પાણી ઉલેચવાનો પ્રયત્ન કરીએ છીએ. અહં ને અકબંધ રાખીશું ત્યાં સુધી સુખના દ્વાર બંધ જ રહેવાનાં.

  અહંકારનું સ્વરૂપ આપણને સોહામણું લાગે, પરંતુ આખરે તેનું પરિણામ તો બિહામણું જ હોય છે. તેમ છતાંય અહંકાર આપણને રળિયામણો લાગે છે. અહંકારને પાળવાની ને પંપાળવાની જાણે આપણને ટેવ પડી ગઈ છે. વળી, આ અહંકારને દરરોજ પોષવાનું પણ આપણે ભૂલતા નથી. દરરોજ વારંવાર અરીસામાં પોતાનાં ચહેરાને નીરખવાની ટેવ આખરે તો આપણા અહંને પોષવાની જ ચેષ્ટા છે. અરીસો એટલે દર્પણ. એક અર્થમાં આપણા દર્પને પોષે તે દર્પણ કહેવાય. દર્પણ આપણા અહંને જાળવી રાખે છે. વળી, આપણા દર્પને પોષે તેવા મિત્રો અને સોબતીઓનો સાથ પણ આપણને મધ જેવો લાગે છે, પરંતુ એ મધ જેવો સંગાથ આપણો વધ કરે તેનો આપણને ખ્યાલ હોતો નથી.

  ધનુષ્યના ટંકાર કરતાં પણ અહંકારનો રણકાર વધુ વજનદાર હોય છે અને આ વધારનારાઓની સંખ્યા પણ ઘણા મોટા પ્રમાણમાં હોય છે. તારામાં જોમ નથી ? શું તું બાયલો છે ? આવું તો તું સાંભળી લે, હું ન સાંભળી લઉં... આમ કહી આપણા અહંને વધુ પ્રજ્વલિત કરે ને આ અહંકારની પ્રજ્વલિત જ્વાળામાં આપણે આખા સળગી જઈએ તો પણ ખબર ન રહે.

  જ્યોર્જ બર્નાર્ડ શૉ એકવાર એક સાંકડી જગ્યા પરથી પસાર થતા હતાં. સામેથી એક વ્યક્તિ આવ્યો. આથી, બર્નાર્ડ શૉએ કહ્યું : ‘પ્લીઝ! મને રસ્તો આપો ને!’ તો પેલાએ કહ્યું ‘હું મૂર્ખાઓને રસ્તો નથી આપતો’ એમ કહી ઊભો રહ્યો. બર્નાર્ડ શૉ કહે, ‘હું આપું છું’ એમ કહી ખસી ગયા. પેલો મૂર્ખ બની ગયો, છતાં વટમાં ને વટમાં પસાર થઈ ગયો. બર્નાર્ડ શૉ સમજુ હતાં. જે સરળ નથી તે મૂર્ખ છે. જે વળી શકે છે તે શાણો છે. નમ્રતા માણસને તારે છે જ્યારે અભિમાન પોતાને જ મારે છે. તેથી કહ્યું છે કે –
  “દેને કો અન્નદાન હૈ લેને કો હરિનામ,
  તરને કો હૈ દીનતા ડૂબન કો અભિમાન.”

  ગર્વથી દરેક માણસને પછડાટ મળી છે, છતાં કોઈ વિરલ જ આવા અહંકારના અલંકારોથી અળગા રહે ને બીજાની ખુશામતમાં ન તણાય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં જણાવે છે કે માનીની ભક્તિ અસુર જેવી હોય છે. જ્યાં સુધી માન ન મળે ત્યાં સુધી તેઓને ભક્તિ પણ કરવી ન ગમે. એટલે અમારા ભક્તોએ માને રહિત ભક્તિ કરવી.

  ૨૮ વર્ષની નાની વયનાં નારાયણસ્વરૂપદાસ (પ્રમુખસ્વામીમહારાજ) પ્રમુખ પદે આરૂઢ થયાં તે જ દિવસે દરેક હરિભક્તોના એઠાં વાસણો એકલા હાથે ધોયેલા. સારંગપુરમાં જળઝીલણી સમૈયાનાં દિવસે બપોરે કોઈને ખબર ન પડે તેમ હરિભક્તોના દુર્ગંધિત સંડાસ-બાથરૂમ સાફ કરવા લાગ્યા! અરે, પોતાની જ ૫૧ મી જન્મજયંતીની સવારે હરિભક્તોએ ફેકી દીધેલી એઠી દાતણની ચીરીઓ ઉપાડવા માંડ્યા. એ જ હાથે, જે હાથ અનેક વિરાટ કાર્યોના વિશ્વકર્મા બનેલાં.

  આમ, આત્માનું કેન્સર એવા અહંકારરૂપી રોગ દૂર કરવા માટે એવા અહંશૂન્ય સંતનું શરણ એ જ એક ઉપાય છે. જેના દ્વારા આપણને ‘હું’ ટાળવાની પ્રેરણા મળતી હોય છે.
  Published by:News18 Gujarati
  First published:April 01, 2020, 21:27 pm