હારેલી જીત! અસ્તિત્વ, ભોજન અને પ્રજનનના આ સંઘર્ષમાં ‘જે જીતે તે ટકેનો નિયમ લાગુ પડ્યો

News18 Gujarati
Updated: March 24, 2020, 6:05 PM IST
હારેલી જીત! અસ્તિત્વ, ભોજન અને પ્રજનનના આ સંઘર્ષમાં ‘જે જીતે તે ટકેનો નિયમ લાગુ પડ્યો
મહંત સ્વામી - ફાઈલ ફોટો

જીતની દોડમાં તેઓ એટલા આગળ અને ઉંચાઈએ આવી ગયા હોય કે તેમના માતા-પિતા, જુના મિત્રો અને પાડોશીઓ હવે ઘણા પછાત અને નીચા લાગે છે.

  • Share this:
સારંગપ્રીત, સારંગપુર - BAPS

પૃથ્વીએ પહેલો શ્વાસ લીધો અને જીવના સંઘર્ષનો આરંભ થયો. અસ્તિત્વ, ભોજન અને પ્રજનનના આ સંઘર્ષમાં ‘જે જીતે તે ટકે’નો જ સાર્વત્રિક નિયમ લાગુ પડ્યો. તેમાં પણ માનવીય સંદર્ભમાં તો જીત માત્ર જીવન જરૂરિયાતની પૂર્તિનું સાધન નહીં પરંતુ તેના વિશેષ અસ્તિત્વ અને પુરુષત્વનો માપદંડ બનતી ગઈ. હાં, જીત માણસને અઢળક સિદ્ધિઓની લહાણ કરે છે. પછી તે સત્તાની સીડી હોય કે સમૃદ્ધિનું શિખર ! પદ, પ્રતિષ્ઠા અને પૈસાની સુલભતા પણ જીતને આભારી છે.

જેમ જેમ આ વિશ્વ આધુનિકતાના શણગાર સજવા લાગ્યું તેમ તેમ જીતનો તલસાટ વધવા લાગ્યો. આજે રમતના મેદાનથી માંડીને યુદ્ધભૂમિ સુધી દરેકના હૃદયમાં જીતવાનો અફાટ સમુદ્ર ઘૂઘવી રહ્યો છે. ‘You can win’ અને ‘I play to win’ જેવાં મોટીવેશનલ વાક્યો જીતના ઉન્માદને જ્વાળામુખી બનાવવામાં મદદ કરતા ગયાં. વિશ્વવિખ્યાત બોક્સર માઈક ટાયસનને તેની જીતના સાતત્યનું રહસ્ય પૂછ્યું ત્યારે તેનો જવાબ જીવંત જ્વાળામુખી જેવો હતો. તેણે કહ્યું, “હું હંમેશા જીતવા માટે જ રમું છું. મેચ પહેલાં હું વિચારું છું કે તેના હ્રદય પર વાર કરીને પછાડી દઈશ. તેના છોકરાને ખાઈ જઈશ. આવા વિચારોથી મને બહુ બળ મળે છે અને હું જીતી જાઉં છું.” જીતનો જુસ્સો સારી બાબત છે પણ જયારે તે જીત ઝનૂનની હદે પહોંચીને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે ચોક્કસ ચિંતાનો વિષય બને છે. કોઈ પણ રીતે સામેવાળાને પાછા પાડીને પોતાની વિશેષતા અને મહત્તાના રાગને અલાપતું વ્યક્તિત્ત્વ બહાર લાવવા માટે થતા જીતના પ્રયત્નો બહુધા હાનિકારક હોય છે. દુર્યોધનની જિન્દગીભરના જીતના ઝનૂને તેને ક્ષણિક જીતના મધ ચટાડીને અંતે બરબાદીના સકંજામાં ફસાવ્યો.

વળી, વિજેતાઓનાં વર્ચસ્વ અને સમ્માનને જોઈને નવલોહિયા યુવાનોની જીતની જ્વાલા વધારે ઊંચે ચઢે છે. હદ તો ત્યારે પાર થાય જ્યારે જીત મેળવવા માટે નિષિદ્ધ, ન્યૂન અને નીતિ વગરનાં સાધનોનો સહારો લેવામાં આવે છે. આવા ખોટા રસ્તાઓ અપનાવી જલ્દીથી જીતની સીડી ચઢવા માગતા લોકોની સંખ્યા સમુદ્રના શેવાળની જેમ વધતી જાય છે. વળી, આ જીતની દોડમાં તેઓ એટલા આગળ અને ઉંચાઈએ આવી ગયા હોય કે તેમના માતા-પિતા, જુના મિત્રો અને પાડોશીઓ હવે ઘણા પછાત અને નીચા લાગે છે. સ્વજનોના અહેસાનોની ચાદરના લીરે-લીરા ઉડાવીને બનાવટી અને અંજાયેલા નવા સભ્ય સમાજની આગળ આચારનગ્ન થવામાં તેમને વાંધો નથી. તેઓના દિવસો હરિફાઈના સૂર્યોદય સાથે શરૂ થાય છે. જીતના જશ્ન સાથે સંધ્યા નાચે છે અને એકલવાયાપણાની નિશા નિસાસાની નિદ્રાને નોતરે છે.

હા, સેકન્ડોમાં સંઘર્ષનો સફાયો કરીને મિનિટોમાં મેડલના માળખામાં પોતાનું માથું નાખવા મથતાં આવા જીતના ઝનૂનીઓ જ્યારે નીતિ-નિયમને નેવે મૂકીને આગળ વધે છે ત્યારે બીજાને દઝાડે અને પોતાને છેતરે છે. સાધન-શુદ્ધિ વગર મેળવેલી જીતને જ જો જીવનની પૂર્ણતા અને સાર્થકતા માનવામાં આવે તો તે જાત છેતરામણી છે અને લાંબા ગાળે આવી જીતની જકાત, મેડલના માળખાઓ, સમ્માનોનો સંગ્રહ, અને પદવીઓનો પ્રવાહ પણ તેમના મનનો ખાલીપો ભરવા સક્ષમ નથી. પરિણામે આવી જીતનો હાર જીવનની હારનું કારણ બને છે. જુઓ આ છે હારેલી જીતના દાખલાઓ.

પોતાની યુવાન વયે જ સમગ્ર યુરોપખંડને પોતાના પગતળે દબાવી દેનાર નેપોલિયન બોનાપાર્ટ અંતે લખે છે – “I have enough wealth to buy any comfort, I could have the world at my feet, but I haven’t seen six happy days in my life.’’ અઢળક સત્તા અને સંપત્તિનો વિજેતા કહે છે કે તેણે સુખના છ દિવસ પણ જોયા નથી. હોકીની રમતમાં ભારતને પાંચ વાર સ્વર્ણચંદ્રક જિતાડી આપનાર વિજેતા કુંવર દિગ્વિજય સિંહે (બાબુ) બાવન વર્ષની વયે માથામાં ગોળી મારી આપઘાત કર્યો હતો. આવા તો અઢળક ઉદાહરણો છે.એવી જીતના પર્વતની ઊંચાઈ પામીને શું કરીશું કે જ્યાં સદાકાળ બરફ જ છવાયેલો રહે. ત્યાં કોઈ વૃક્ષ નથી જ્યાં કોઈ પથિક ઘડીક વિશ્રામ કરી શકે કે પછી કોઈ પંખી માળો બાંધી શકે. ત્યાં સફેદી છે પણ કફનની સફેદી! શાંતિ છે પણ મોતની! એટલે જ કહેવાયું છે –
“ઊંચાઈ મળવાથી કાંઈ મંજિલ મળી જતી નથી. હું કૈક વ્યક્તિઓને પર્વત પર રખડતી જોઊં છું.”

તો પ્રશ્ન થાય કે કઈ જીત સાચી ? આનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આપે છે કે “જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વ જગત જીત્યું.” ખરેખર માણસે પોતાના મનમાં ઉપજતાં અહંકાર જેવા દોષોનો ન જીત્યા તો બીજી બધી જીત હારેલી જીત જ છે.
First published: March 24, 2020, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading