ઈમારત ટકાવવામાં પાયો મહત્વનો, તેમ સંસ્કૃતિને ટકાવવા મહત્ત્વનો ભાગ મંદિર

સારંગપુર બીએપીએસ મંદિર

વૃક્ષની બધી જ ડાળીઓમાં પાણી પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ મૂળ ભજવે છે. તેમ સંસ્કૃતિની વિવિધ શાખાઓમાં પુષ્ટિ આપવા માટેનું મૂળ મંદિર છે.

 • Share this:
  હસ્તી કેવડિયા, સારંગપુર - BAPS

  ઈમારત ટકાવવામાં મહત્ત્વનો ભાગ તેનો પાયો છે. તેમ સંસ્કૃતિને ટકાવવા મહત્ત્વનો ભાગ મંદિર છે. વૃક્ષની બધી જ ડાળીઓમાં પાણી પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ મૂળ ભજવે છે. તેમ સંસ્કૃતિની વિવિધ શાખાઓમાં પુષ્ટિ આપવા માટેનું મૂળ મંદિર છે. મંદિર સંસ્કૃતિનું તો રક્ષણ કરે જ છે, સાથે સાથે માનવજાતને જીવનમાં આવતા વિઘ્નોના વાવાઝોડા સામે ટકી રહેવાનું બળ પણ આપે છે. મંદિર દેશની તેમજ સમાજની એકતાનું પણ મૂળ કારણ છે.

  મંદિરનો વિકાસ ક્રમ પણ અતિ રોચક છે. સૃષ્ટિની શરૂઆતનો માનવ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવતો. ઘરમાં કે અન્ય સ્થળે નવરાશની પળોમાં તે વિચારતો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધાં ન હોત તો મારું જીવન કેવી રીતે ચાલત? તેને આ પંચમહાભૂતો તરફથી શાંતિ અને સહાય મળતાં. તેથી તે તેમને જ દેવતા માનતો અને તેમની જ પૂજા કરતો.

  કોઈવાર માનવ ગિરિશિખરો ઉપર કે ગિરિગુહાઓમાં બેસી ઊંડા વિચારમાં ઉતરતો કે આ પંચભૂતરૂપી પ્રકૃતિનો પ્રેરક કોણ હશે? પવનનો પ્રેરનાર, વરસાદનો વરસાવનાર, આકાશનો આધાર કોણ હશે? આ વિચારધારામાંથી તો કેનોપનિષદ થયું. ભગવાનને જ તેની જિજ્ઞાસા જાણી અને તેમની પ્રેરણાથી માણસને પ્રકૃતિના પાલવમાં છુપાયેલા પ્રભુની પ્રતીતિ આવી. આખી સૃષ્ટિ તેને પ્રભુમય લાગી. તે ભાવવિભોર બની બોલવા લાગ્યો:
  ‘હે વિપ્રશ્રેષ્ઠ! આ આકાશી ચંદની, ભુવનો, અરણ્યો, પર્વતો, દિશાઓ, નદીઓ, સમુદ્રો જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે બધું પ્રભુમય છે.’ કવિ કલાપીએ આ જ ભાવને જુદા શબ્દોમાં રજૂ કર્યો છે :
  “જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની;
  જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન, ત્યાં ત્યાં નિશાની આપની.”

  શિખર કે ગુફાઓમાં ઉદ્ભવેલા આ વિચારોમાં તેને શાંતિ મળી. આ શાંતિની અનુભૂતિ ગામમાં રહ્યા હતા થકા પણ થાય એટલે માનવે ગામમાં પ્રભુનો નિવાસ રચવાનું વિચાર્યું.

  વેદી, પીઠિકા કે બાજોઠ ઉપર ચાર સ્તંભ કે શેરડીના ચાર શાઠા જોડી એને ઉપરના ભાગે એક કરીને બાંધ્યા. મંદિરનું આ મૂળ સ્વરૂપ. ગિરિશિખર અને ગુફામાંથી શાંતિનો એને અનુભવ હતો એટલે તેણે મંદિરોનો આકાર તેવો કર્યો. વળી, ભારતીય સંસ્કૃતિ યજ્ઞીય સંસ્કૃતિ છે. તેથી મંદિરના શિખરનો આકાર યજ્ઞવેદીની જ્વાળાઓ જેવો કર્યો એમ પણ કહી શકાય. કેલ અને શેરડી સમય જતાં કરમાઈ જાય એટલે વધુ ટકે તેવા કાષ્ઠમંડપો બનાવ્યા. કાળક્રમે પછી ઈંટો અને પાષાણનો ઉપયોગ થવા લાગ્યો. શિખર અને ગર્ભ-ગૃહવાળા મંદિરો પણ બનવા લાગ્યાં.

  મંદિરો શિખર અને ગર્ભગૃહ સાથે દર્શનાર્થીઓ માટે ગૂઢમંડપ થયો. ત્રણ દિશાથી પ્રવેશવા માટે મુખ- મંડપ મુકાયા. નૃત્ય માટે નૃત્યમંડપ કે રંગમંડપ ઉમેરાયા. પછી ભિન્ન ભિન્ન પ્રકારના સ્તંભો, મંડોવર, ઝરૂખા, ઘુમ્મટ, ઘુમ્મટીઓ, તોરણ, છત, મંડોવરનાં દિક્પાલો અને દેવી-દેવતાના વિભિન્ન સ્વરૂપો, ઘુમ્મટમાં દેવતાનાં સ્વરૂપો, મંડોવરના કલાત્મક સ્વરૂપો, પછી શિખરની શરૂઆત, ચારે બાજુની રેખાઓ ગાંસમાં આગળ વધે અને ઉપર એક વર્તુળમાં મળે છે. આ વર્તુળ એટલે આમલક શિખર. તે ઉપર કળશ અને ધ્વજદંડ. સૌથી ઉપર ધજા. આમ મંદિરો એક શિખરનાં અને એકથી વધુ શિખરનાં થાય છે.

  સનાતન હિન્દુ પરંપરામાં મંદિરને દેવ સ્વરૂપ માનવામાં આવ્યું છે. મંદિરના સ્થાપત્યનાં વિવિધ અંગોની ભગવાનના વિવિધ અંગો સાથે એકરૂપતા સ્થાપીને ભારતીય ઋષિઓએ તેનો ખૂબ મહિમા કહ્યો છે. આથી દેવસ્વરૂપ મંદિર તેમજ ગર્ભગૃહમાં બિરાજતા ભગવાન પ્રત્યે ભક્તિથી સૌ છલકાય છે. ભારતીય મનીષીઓ પંચરાત્રાદિ શાસ્ત્રોના આધારે માનતા કે ધાતુ, પાષાણ, કાષ્ઠ, લેપન, સ્ફટિક, વગેરે અને મનોમય 8 પ્રકારની મૂર્તિઓ પ્રભુનું સ્વરૂપ છે. તેથી મનોમય સિવાયની અર્ચાસ્વરૂપ પ્રભુની મૂર્તિઓ મંદિરોમાં પધરાવાય છે.

  આ સંસ્કૃતિના મૂળ મંદિરોએ કેવળ પથ્થર ની ઈમારત નથી. પરંતુ તે ચૈતન્ય તત્ત્વ છે. જેનાથી લાખો કરોડો હિન્દુઓ આ મંદિરો દ્વારા આશ્વાસન અને શાંતિ પામે છે.

  શિલ્પ રત્નાકર ગ્રંથમાં મંદિરની રચનાના સુંદર હેતુઓ જ સંસ્કૃતિનું મૂળ મંદિર છે તે સમજાવે છે. નગરની શોભા માટે, દેવોના નિવાસ માટે, લોકોના ધર્મનાં કાર્યો સિદ્ધ કરવા માટે, સુરવનિતાઓની ક્રીડાઓ માટે, સર્વ લોકોના માટે, આત્મદર્શીઓના વિજય માટે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે મંદિરો છે.

  સંસ્કૃતિના મૂળ મંદિરને ટકાવી રાખવા સંતોનું યોગદાન વિશેષ છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એક હજાર કરતાં વધુ મંદિરો બાંધીને ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં પ્રસરી છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ દ્વારા સન્માનિત આ મંદિરો ઉપાસના અને માનવ ઉત્કર્ષનાં કેન્દ્ર બની ગયા છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં કહે છે કે અમે ઉપાસના રહેવા માટે મંદિરો બાંધ્યા છે.
  Published by:kiran mehta
  First published: