BAPS : ઇર્ષ્યા ટાળ્યાનો એક અદ્ભૂત ઉપાય

News18 Gujarati
Updated: March 17, 2020, 3:57 PM IST
BAPS : ઇર્ષ્યા ટાળ્યાનો એક અદ્ભૂત ઉપાય
વચનામૃત

સર્જનહારે માણસને ઘડ્યો ત્યારે વિષનું એક ટીપું પણ મૂકી દીધું

  • Share this:
માનસી કેવડિયા, સારંગપુર - અમદાવાદ

સર્જનહારે માણસને કંઈક એવો ઘડ્યો છે કે તેના હૃદયમાં પ્રેમ, કરુણા, સેવા, ભક્તિ, સમર્પણના અમૃતકુંભની પડખે વિષનું એક ટીપું પણ મૂકી દીધું છે. યુગોના યુગો વીતી ગયા, પણ માનવીનું હૃદય આ ગરલબિંદુને હજી પચાવી શક્યું નથી ! ચડસા-ચડસી અને દેખાદેખીના આ યુગમાં, પોતાના સાધનોની, પ્રતિષ્ઠાની, મોભાની અન્ય સાથે મનમાં સૂક્ષ્મસ્તરે સ્પર્ધા ચાલતી જ હોય છે. આ સ્પર્ધામાંથી જન્મેલું વિષનું એક ટીપું એટલે ‘ઈર્ષ્યા’.

સમાજમાં ભિન્ન ભિન્ન માટી ધરાવતી, ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળી વ્યક્તિઓ જોવા મળે છે. કેટલીક વ્યક્તિઓ એવી વિચિત્ર પ્રકૃતિ ધરાવે છે કે અન્યના દુઃખથી તેમને આનંદ થાય ! કોઈને દુઃખી થતો, છેતરાતો, સંજોગોમાં ફસાતો, કોર્ટ-કચેરીના આંટા મારતો જુએ ત્યારે તેમને અંદરથી ખુબ ટાઢક થાય ! માણસાઈના પ્રાથમિક ઉસૂલોને જે આ રીતે પાળી ન શકતો હોય તેને ‘માણસ’ કહેવો કે કેમ તે પ્રશ્ન થાય.

એક ઈર્ષ્યાળું પટેલ હતો. તેનો એક પટેલ મિત્ર. આ મિત્રનું એક વખત ઘર સળગ્યું. તેનું બધું જ બળી ગયું. ત્યારે આ ઈર્ષ્યાળુ પટેલ ખરખરો કરવા આવ્યો અને પૂછવા લાગ્યો, ‘શું બળી ગયું?’

ઘરના ગોદડાં, સાતીંડા બધાનું પૂછ્યું. પછી ત્યાંથી નીકળી ગયો. થોડે ગયો હશે ત્યાં યાદ આવ્યું કે, ‘તેનું ગાડું સળગી ગયું હશે કે કેમ ? જો ગાડું હશે તો બળદ રાખશે અને પાછો ખેતી કરશે.’

તે પાછો પૂછવા આવ્યો. પેલાએ એને જોયો અને તેના મનનું પામી ગયો અને કહ્યું, ‘તારા મનમાં જે છે તે મારું ગાડું પણ બળી ગયું છે. ચિંતા ન કરીશ ચાલવા માંડ.’ સ્વભાવોની કેવી વિચિત્રતા? વ્યક્તિની કેવી અવળાઈ? પોતાના દુઃખે દુઃખી ન થાય, એટલો અન્યના સુખે દુઃખી થાય !ઘણી વખત વર્ષોથી મૈત્રી નિભાવી હોય એવા મિત્રો જેઓ અનેકવાર એકમેકના દુઃખનાં ભાગીદાર બન્યાં હોય પરંતુ એકમેકની સુખની ભાગીદારીમાં કંજુસાઈ દેખાઈ આવે.

એક સૂફી, વેપારમાં ખૂબ કમાયો. તેનો એક મિત્ર તેની મુલાકાતે આવ્યો. તેની સમૃદ્ધિ જોઈ તેનો મિત્ર આશ્ચર્યચકિત થઇ ગયો. તેની હાજરીમાં તો તેણે સૂફીને કાંઈ કહ્યું નહિ. પણ પછી આ વાત તેણે બીજાઓને કહેવા માંડી કે, ‘હમણાં જ સૂફીને ત્યાં ગયેલો. તમે માનશો ? સમૃદ્ધિની છોળો વચ્ચે જીવે છે. એને ત્યાં આનંદ પ્રમોદનાં સાધનોનો તો કોઈ તોટો નથી. એને સૂફી કેવી રીતે કહેવાય ?’

કોઈએ આ વાત પેલા સૂફીને કહી, ત્યારે તેણે કહ્યું, ‘મારી પાસે આનંદ-પ્રમોદના ઘણાં સાધનો હતા પણ તેમાં એક ઊણપ હતી, આજે તે પૂરાઈ ગઈ.’ ‘કઈ રીતે ઊણપ પુરાઈ?’ પેલા માણસે પૂછ્યું, ‘મારી ઈર્ષ્યા કરનારો મને મળી ગયો !’ સૂફીએ ઉત્તર આપ્યો. આ જ વાતને ભગવાન સ્વામિનારાયણ તેમના વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના ૭૧મા ઈર્ષ્યાનાં લક્ષણ તરીકે સમજાવતાં કહે છે કે, “જેમની ઉપર જેને ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષ્યાનું લક્ષણ છે.”

આ ઈર્ષ્યાનો અગ્નિ અન્યનું તો બાળે, પણ ઇર્ષ્યા કરનારને પહેલો દઝાડે, કારણ કે અગ્નિને એ પોતે સંઘરીને બેઠો છે. ઈસપનીતિમાં સસલા અને સિંહની જાણીતી વાત છે કે સસલું પેલા સિંહને તેનું જ પ્રતિબિંબ પાણીમાં બતાવે છે. સિંહને પોતાના પ્રતિબિંબ પ્રત્યે ઇર્ષ્યાગ્નિ ભભૂક્યો. જેમાં પોતે જ સ્વાહા થઈ ગયો.

પરંતુ ઇર્ષ્યા ટાળ્યાનો એક અદ્ભૂત ઉપાય, સૌને પીડતી આ સમસ્યાની જડીબુટ્ટી, ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના ૪મા બતાવે છે. આ વચનામૃતની શરૂઆતમાં ભગવાન સ્વામિનારાયણ, પરમહંસો અને હરિભક્તોને બોધ આપતાં કહે છે, “ભગવાનના ભક્તને પરસ્પર ઇર્ષ્યા ન કરવી.” ત્યારે આનંદાનંદ સ્વામી તદ્દન નિખાલસપણે કબૂલે છે કે ‘હે મહારાજ ! ઇર્ષ્યા તો રહે છે.’ તેમની એ સમસ્યાનું સમાધાન કરતા મહારાજ આગળ કહે છે, “ઇર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી” એમ કહી નારદજીને તુંબરું પર કેવી રીતે ઇર્ષ્યા થઈ તેનો પ્રસંગ વર્ણવે છે.

નારદજી સાત મન્વંતર સુધી ગાનવિદ્યા શિખ્યા. તોપણ તેમના સંગીતગાનથી ભગવાન કેમેય પ્રસન્ન ન થયા અને જ્યારે તુંબરું પાસે જઈ ગાનવિદ્યા શિખ્યા અને ભગવાન સામે ગાયું, ત્યારે ભગવાન પ્રસન્ન થયા. આ પ્રસંગનું પ્રમાણ લઈ ભગવાન સ્વામિનારાયણ ઇર્ષ્યા ટાળવાનો અદ્ભૂત ઉપાય બતાવે છે, “ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે, જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા.”.
First published: March 17, 2020, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading