નિકુંજ સોજિત્રા, સારંગપુર - BAPS
પ્રાર્થના એટલે અંતરઆત્માનો ગંભીરનાદ કે જેનાથી ઉચ્ચ-નીચ, ધનિક-નિર્ધન કોઈપણ વ્યક્તિ પોતાની આવશ્યકતા કે માંગને પ્રભુસુધી પહોંચાડી શકે છે. પ્રાર્થના એ ભગવાન સાથેનો અતૂટ અને કરુણાભર્યો સોનેરી સંબંધ છે. માત્ર પ્રાર્થના જ એક એવી અભિવ્યક્તિ છે કે જે કોઈપણ વ્યક્તિ ભગવાન પાસે ખુલ્લા હૃદયથી રજૂ કરી શકે છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં પ્રાર્થના અનિવાર્ય છે. તે માત્ર હિન્દુ ધર્મ પૂરતી સીમિત નથી. પરંતુ બધા જ ધર્મના ભાવિકો, ગુણાનુરાગીઓ જીવનમાં પ્રાર્થનાને અનેરુ મહત્ત્વ આપે છે.
પશ્ચિમી સંસ્કૃતિમાં પણ પ્રાર્થનાનું મહત્ત્વ એક ઘટના દ્વારા સ્મૃતિ પર દૃશ્યમાન થાય છે. દિવસ હતો એ અમેરિકાના દેશવાસીઓના આનંદ-ઉલ્લાસનો! તેમની ટેકનોલૉજીએ એક ડગ આગળ વધી ચન્દ્ર સુધી હરણફાળ ભરી હતી. તા. ૧૧/૪/૧૯૭૦ ના રોજ અમેરિકાના અવકાશયાન અપોલો-૧૩ ને ચંદ્ર તરફ મોકલવામાં આવ્યું. બધુ બરાબર ચાલતું હતું. યંત્રો-ઉપરકરણો યોગ્ય રીતે સંચાલિત થઈ રહ્યા હતા. પરંતુ અચાનક જ યાંત્રિક ત્રુટિને કારણે ચંદ્રની કક્ષામાં ભીતિજનક અકસ્માત સર્જાયો. યાનનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો. વૈજ્ઞાનિકોની આશા નિરાશા તરફ પ્રયાણ કરી રહી હતી. બધા ચિંતાતુર હતા. વૈજ્ઞાનિકોના હૃદયના ધબકાર બે ઘડી ચૂકાઈ ગયા હોય તેવું ભાસતું હતું. કારણ કે આ યાન પાછળ ઘણો બધો ખર્ચ કર્યો હતો. હવે શું કરવું એવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકો નિમગ્ન હતા. વળી ત્રણ અવકાશ યાત્રીઓ અત્યારે મૃત્યુની કક્ષામાં ભ્રમણ કરી રહ્યા હતા. ઘણા બધા યત્નો કર્યા છતા યાનનો સંપર્ક થઈ શકે એમ નહોતો. વૈજ્ઞાનિકોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા. બસ હવે એક જ આધાર હતો ‘પ્રાર્થના’. આખરે રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિકસને ઘોષણા કરી ‘અવકાશ યાત્રીઓ માટે સમગ્ર દેશ પ્રાર્થના કરે અને ઠેર ઠેર પ્રાર્થનાસભા યોજાઈ. વ્યક્તિગત અને સામૂહિક પ્રાર્થના રંગ લાવી અને તેની પ્રતીતિ સૌ કોઈને પ્રત્યક્ષ થઈ. યાનનો સંપર્ક પાછો સધાઈ ગયો અને ત્રણેય અવકાશયાત્રીઓની રક્ષા થઈ.
શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં ગજેન્દ્રમોક્ષનું આખ્યાન કંડારાયેલુ છે. એક તળાવના કિનારે હાથીઓની વસ્તી હતી. આ હાથીઓનો રાજા હતો ગજેન્દ્ર. હાથીઓ તળાવમાં ગેલ કરતા અને નાહવાનો આનંદ માણતા હતા. આ તળાવમાં એક ભયંકર અને વિકરાળ મગરમચ્છ રહેતો હતો. એક દિવસ આ મગર હાથીઓને રમતમાં મશગૂલ જોઈ તેમની તરફ આવ્યો. હાથીઓનો રાજા ગજેન્દ્રનો પગ પકડ્યો અને તેને અંદર ને અંદર ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. ગજેન્દ્ર પણ બળ કરી પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરવા લાગ્યો. બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ રચાયું, પરંતુ પાણીમાં તો મગરનું જોર વધારે. તેથી આ મગરમચ્છ ગજેન્દ્રને ઊંડા પાણીમાં તાણી ગયો. ગજેન્દ્રને મોતનું મુખ દેખાવા લાગ્યું. હવે ગજેન્દ્ર પાસે બીજા કોઈ ચારો નહોતો. તેને અંતરમાં શુદ્ધભાવે ભગવાનને પ્રાર્થના કરી અને કમળનું પુષ્પ આકાશ તરફ ધર્યું. અંતરાત્માનો આ રણકાર સાંભળીને ભગવાન પોતાના વાહન ગરુડની પણ રાહ જોવા ન રહ્યા અને પગપાળા ગજેન્દ્રની રક્ષા કરવા દોડી આવ્યા. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રની મદદથી મગરનું ગળું કાપી નાખ્યું અને ગજેન્દ્રની રક્ષા કરી.
પ્રાર્થના માત્ર શબ્દોમાં જ વર્ણવાય તેવું જરૂરી નથી, જો પ્રાર્થના અંતરથી ગદ્ગદ્ભાવે કરવામાં આવે તો તે પ્રભુ સુધી અવશ્ય પહોંચે છે.
મહાભારતકાળની આ વાત છે. જ્યારે પાંડવો કૌરવો સાથે જુગારમાં પરાજિત થઈને પોતાની સંપત્તિ, સત્તા, બધુ જ ગૂમાવી બેઠા હતા...ત્યાં સુધી કે પોતાની પત્ની દ્રૌપદીને પણ જુગારરૂપી દાવાનળમાં હોમી દીધી. એ સમયે દુષ્ટ દૂર્યોધનના ઈશારા મુજબ દુશાસન દ્રૌપદીને અપમાનિત કરવા સભાની મધ્યમાં લાવ્યો અને જાહેરસભામાં દ્રૌપદીનાં ચીર ખેંચવા લાગ્યો. લાચાર દ્રોપદીને આંખોમાં આંસુ સરવા લાગ્યા અને કોઈકતો બચાવશે તેવી આશાએ તેણે પોતાના મહાન ધર્મરથી સભાસદો તરફ જોયું. પરંતુ તેઓ દુર્યોધનની કૂટિલનીતિ આગળ અશક્ત હતા. અંતે દ્રૌપદીએ પોતાના વ્હાલા પાંચ પતિ સામું જોયું, પરંતુ તેઓ પણ દ્રૌપદીને બચાવવા અસમર્થ હતા. સાડીનો છેલ્લો તાકો બાકી હતો અને દ્રૌપદીના મુખમાંથી શબ્દો સરી પડ્યા હે કૃષ્ણ...! હે કૃષ્ણ...! દ્રૌપદીનો આ કરુણાભર્યો પોકાર સાંભળી તરત જ શ્રીકૃષ્ણ પરમાત્મા પ્રકટ થયા અને દ્રૌપદીની સાડીમાં ચીર પૂરવા લાગ્યા. લોકો પ્રાર્થના ત્યારે કરે છે કે જ્યારે તેની પાસે કોઈનો સહારો ન વધ્યો હોય, પરંતુ દરેક ક્રિયામાં પ્રાર્થનાનું સ્થાન અગ્રિમ ક્રમાંકે રાખવામાં આવે તો કોઈ પણ દ્વિધાનો નિવેડો વહેલી તકે આવતો હોય છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં પ્રાર્થનાને જીવનનું અભિન્ન અંગ બનાવવાનું કહે છે. (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૪૮, ગઢડા અંત્ય પ્રકરણ ૩૯).