BAPS: મહેમાનને જમાડવામાં કસર નથી રાખતા તો, ભગવાનને રાજી કરવામાં કોઈ કચાશ રહે ખરી?

News18 Gujarati
Updated: February 22, 2020, 5:12 PM IST
BAPS: મહેમાનને જમાડવામાં કસર નથી રાખતા તો, ભગવાનને રાજી કરવામાં કોઈ કચાશ રહે ખરી?
વચનામૃત જીવનમાર્ગદર્શક

ગટરને ગંગાજળમાં ફેરવી દેવાની તાકાત છે રાજીપાના વિચારમાં છે

  • Share this:
ભક્ત તેજસ, સારંગપુર - BAPS

આ અંકમાં આપણે રાજીપાના વિચારથી પ્રત્યેક કાર્યમાં ચીવટ આવે છે, તે જોઈએ.

(૫) રાજીપાના વિચારથી પ્રત્યેક કાર્યમાં ચીવટ

‘स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवाः।’
પોતાના કાર્યથી ભગવાનની પૂજા કરી સિદ્ધિ મેળવવાની વાત ગીતાકારે જણાવી છે. પોતાના કર્મને પણ પુષ્પ, ચંદન, તુલસીપત્ર જેવા માંગલિક ઉપચારતુલ્ય ગણવાની વાત શ્રીકૃષ્ણ ભગવાન આપણને શિખવાડી રહ્યા છે. જેમ જે પુષ્પ, ચંદન, ફળ વગેરે ભગવાનને અર્પણ કરવાનું હોય તે લેશ પણ બગડેલું આપણે ન ચલાવીએ, તેમ આપણું કાર્ય પણ એવું જ પવિત્ર અને ચીવટવાળું રાખવાનું છે.

પરંતુ મોટે ભાગે જોવા મળે છે કે ભક્તિસંબંધી ક્રિયામાં શુદ્ધિનો આગ્રહ રાખનાર વ્યાવહારિક રોજિંદા કાર્યોમાં ગડબડગોટા કરતો હોય, લાહરિયાપણું, ‘ચાલશે’ જેવી મનોવૃત્તિઓ કાર્યમાં ઘર કરી જાય છે; પરંતુ જો પ્રત્યેક ક્રિયામાં ભગવાન અને સંતને રાજી કરવાનો વિચાર હોય તો સહેજે તે ક્રિયા ચોકસાઈવાળી બને.પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ પાર્ષદ અવસ્થામાં(સંતદીક્ષા પૂર્વે અપાતી દીક્ષા) તેમના ગુરુ સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી સાથે વિચરણ કરતા હતા. એક વખત વાસણોને કલાઈ કરવાની હતી. તે સેવા યોગીજી મહારાજ કરતાં જાય અને સાથે બેઠેલા એક હરિભક્ત ભગવાનભાઈને પૂછતા જાય કે, ‘જુઓ, કલાઈ કેવી થાય છે? સ્વામી રાજી થાશે ને?!’ કલાઈ કરવા જેવી સામાન્ય સેવામાં પણ યોગીજી મહારાજને ગુરુને રાજી કરવાનો વિચાર રહેતો હતો. તેથી તેઓની પ્રત્યેક ક્રિયા ચોકસાઈવાળી બની રહેતી.

કાર્ય સામાન્યમાં સામાન્ય ભલે હોય પણ તે કાર્ય પ્રત્યેનો અભિગમ સામાન્યને અસામાન્યમાં ફેરવી દે છે.

જો પ્રત્યેક કાર્યમાં ભગવાન અને સંતને રાજી કરવાનો અભિગમ રહે તો શૌચાલય સાફ કરવાની સેવા હોય તોય ચીવટવાળી બની રહે. જે ભોજન નિકટના સંબંધીને જમાડવાનું હોય તેમાં સડેલું ટામેટું, બટાટું કોઈ જવા દે? તો જે ક્રિયાથી ભગવાન અને સંતને રાજી કરવાના હોય તેમાં કોઈ કચાશ રહે ખરી?

જ્યારે સૈનિકો લડવા માટે જાય છે ત્યારે પોતાનાં સગાં-વહાલાંની અને પોતાના રાષ્ટ્રની આબરૂ સાથે લઈને જાય છે અને એ ભાનથી જ તેઓ શરીરની શક્તિ કરતાં વધારે શક્તિ બતાવી લડી શકે છે. તેમ આપણે કોઈ કાર્ય રાજીપાના વિચારની ભાવનાથી કરીએ છીએ ત્યારે એ વિચારથી જ આપણે વધુ શક્તિ, વધુ ચીવટ અને વધુ જુસ્સાથી કાર્ય કરી શકીએ છીએ.

આમ, આપણે જોઈ શકીએ છીએ કે રાજીપાનો એક વિચાર આપણી સાધના અને આપણા વ્યવહારને કેવા બદલી શકે તેમ છે. જેમ દૂધપાકમાં પડેલું ચપટી કેસર દૂધપાકના રંગ, સ્વાદ, સુગંધને બદલી દે છે તેમ જીવનમાં ઉમેરાતો રાજીપો એક વિચાર આપણા જીવનના રંગ, સ્વાદ, સુગંધને બદલવા પૂરતો છે.

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય ૧૧માં કહે છે કે ‘ધર્મ, અર્થ અને કામ સંબંધી ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિ-રૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે.’

અહીં ભગવાન સ્વામિનારાયણ જણાવે છે કે ભગવાનના રાજીપાના વિચાર સાથે આપણે વેપાર, ખેતી, અભ્યાસ, વ્યવહાર વગેરે જે કાંઈ કરીએ તે બધું જ મોક્ષદાયી બની જાય છે. કબીર કપડું વણતાં-વણતાં, ગોરો કુંભાર ગારો ખૂંદતા-ખૂંદતા, રોહીદાસ ચમાર ચામડું ટીપતાં-ટીપતાં, અર્જુન બાણગંગા વહાવતાં-વહાવતાં પણ મોક્ષ મેળવી શક્યા તેના મૂળમાં આ જ વિચાર કારણભૂત હશે. ભગવાનને પ્રસન્ન કરવાની ઇચ્છાથી થતી વ્યાવહારિક-સાંસારિક પ્રવૃત્તિ પણ કલ્યાણકારી બની જાય છે. ગટરને ગંગાજળમાં ફેરવી દેવાની તાકાત છે રાજીપાના વિચારમાં.

પ્રમુખસ્વામી મહારાજનું જીવન પણ આવી ચીવટ અને ચોકસાઈવાળું હતું. તેઓ વિષે ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિપ્રાય ઉચ્ચારેલો હતો કે ‘કદાચ પ્રમુખસ્વામી મહારાજના ભાગે મંદિરમાં ચણાતી દીવાલમાં એક ઈંટ મૂકવાની સેવા આવે તો તે ઈંટ પણ પ્રમુખસ્વામી મહારાજ એ રીતે મૂકે કે જાણે ભગવાન સ્વામિનારાયણના મસ્તક પર મુગટ પહેરાવતા ન હોય?’ ભગવાનના મસ્તક પર મુગટ પહેરાવવામાં તો સૌને ચોકસાઈ રહે. પણ તેટલી જ ચીવટ ચણતરકામમાં રહેવી અઘરી. પરંતુ પ્રમુખસ્વામી મહારાજ દરેક ક્રિયા ભગવાન અને ગુરુને રાજી કરવા માટે જ કરે છે. તેથી તેઓનું પ્રત્યેક કાર્ય એવું ચોકસાઈવાળું થાય છે કે તેને નીરખવા સૌ કોઈ સ્થિર થઈ જાય.
First published: February 22, 2020, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading