BAPS: રાજીપાના વિચારથી જીવન કપટમુક્ત અને ખટપટમુક્ત બને છે

News18 Gujarati
Updated: February 21, 2020, 3:29 PM IST
BAPS: રાજીપાના વિચારથી જીવન કપટમુક્ત અને ખટપટમુક્ત બને છે
વચનામૃત જીવનમાર્ગદર્શક

કેન્સર શરીરને કોરી ખાય છે તેમ જીવનને કોરી ખાતી પાંચ વર્તણૂકો છે – સૌની ટીકા કર્યા કરવી, સૌ સામે ફરિયાદો કર્યા કરવી, સૌ સાથે પોતાની સરખામણી કર્યા કરવી, સૌ સાથે હોડ બક્યા કરવી અને સૌ સાથે સંઘર્ષમાં ઊતરતા રહેવું.

  • Share this:
ભક્ત પ્રતિક, સારંગપુર - BAPS

આ અંકમાં રાજીપાના વિચારથી જીવન કપટમુક્ત અને નિંદામુક્ત બને છે તે વિષે જાણીશું.

(૪) રાજીપાના વિચારથી જીવન કપટમુક્ત અને ખટપટમુક્ત બને છે.

રામચરિતમાનસના સુંદરકાંડમાં શ્રીરામચંદ્રજીના મુખે આ શબ્દો મુકાયા છે કે –
નિર્મલ મન જન સો મોહિ પાવા ।
માહિ કપટ છલ છિદ્ર ન ભાવા ।।નિર્મળ મનનો વ્યક્તિ મને પામે છે. મને છળ-કપટ ગમતાં નથી.

તુલસીદાસે નિષ્કપટપણાને નવમી ભક્તિ ગણાવતાં કહ્યું છે –
‘નવમ સરલ સબ સન છલહીના’
મોક્ષમાર્ગે ભગવાન અને સંત આગળ નિષ્કપટ રહેવું અતિ અગત્યની વાત છે. એક કવિએ નિષ્કપટપણા વિશે કહ્યું છે,
‘શરણ આયે સબહી તરે, એક કપટી ન તરે મહારાજ.....’
ભવસાગર પાર ઊતરવા કપટનો ત્યાગ કરવો પડે. આવું કપટમુક્ત જીવન બને છે રાજીપાના વિચારથી. મનુષ્ય કનક(સંપત્તિ), કાન્તા(સ્ત્રી) અને કીર્તિ મેળવવા કપટનો આશરો લેતો હોય છે. આ ત્રણની પણ લાલસા કપટ અને ખટપટ નિંદા કરાવે છે.

મનુષ્યજીવનની પાંચ જીવલેણ વર્તણૂક જણાવતાં કહેવાયું છે –
‘There are five cancerous behaviours : criticizing, complaining, comparing, competing, contending.’
જેમ કેન્સર શરીરને કોરી ખાય છે તેમ જીવનને કોરી ખાતી પાંચ વર્તણૂકો છે – સૌની ટીકા કર્યા કરવી, સૌ સામે ફરિયાદો કર્યા કરવી, સૌ સાથે પોતાની સરખામણી કર્યા કરવી, સૌ સાથે હોડ બક્યા કરવી અને સૌ સાથે સંઘર્ષમાં ઊતરતા રહેવું.

જો રાજીપો લેવાનો વિચાર હોય તો આ પાંચેય કુટેવોથી બચી જવાય તેવું છે.

રાજીપાનો વિચાર અનેક આપત્તિઓથી આપણને બચાવી લે છે. રામાયણમાં આ સંબંધી એક સુંદર વિગત નોંધવામાં આવી છે. કૈકેયીના વરદાનથી શ્રીરામને વનમાં જવું પડ્યું. રામના વિરહથી દશરથનું મૃત્યુ થયું, લક્ષ્મણ-સીતા પણ વનમાં ચાલી નીકળ્યા – આવા અનેક કષ્ટોમાં રઘુકુળ મુકાઈ ગયું. તેથી ભરત અત્યંત ક્રોધિત થઈ ગયા. કુળના સુખને પલીતો ચાંપનાર કૈકેયીને મારી નાંખવા સુધીનો વિચાર તેઓને આવી ગયો, પરંતુ તેઓ તેમ કરી ન શક્યા તેનું કારણ જણાવતાં ભરત શત્રુઘ્નને કહે છે :
‘हन्यामहमिमां पापां कैकेयीं दुष्टचारिणीम् ।
यदि मां धार्मिको रामो नासूयेन्मातृघातकम् ।।’
અર્થાત્ ‘હું આ ઘડીએ દુષ્ટ અને પાપી કૈકેયીને મારી નાંખત; પણ આ ક્રિયાથી રામ રાજી નહીં થાય તેમ મને લાગે છે. તેથી હું કૈકેયી સાથે દુશ્મનાવટ કરી શકતો નથી.’

ભગવાનને રાજી કરવાના વિચારમાત્રથી ભરત શાંત બની રહ્યા.

ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ પરમહંસ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં મહંતપદે હતા ત્યારે કેટલાક દ્વેષીઓએ તેઓને હેરાન-પરેશાન કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. કેટલાક તો સ્વામી ધામમાં જાય તેવી માનતા કરતા. કેટલાક તો સ્વામી પર બેલાં(પથરા) ફેંકી તેઓને પતાવી દેવાની યુક્તિઓ કરતા. કેટલાક સ્વામીનું ખોટું દેખાય તે માટે મંદિરમાં ચીજ-વસ્તુઓનો પણ ઘણો બગાડ કરતા. સ્વામી કાન-ભંભેરણી પણ કરતા. સ્વામી આ સઘળું જાણતા પણ હતા. છતાં તેઓને કોઈના વિશે રાગ-દ્વેષ બંધાયો નહોતો. તેઓએ છેવટ સુધી સૌની સેવા કરી, સૌને સાચવ્યાં. તેનું કારણ જણાવતાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે – ધૂળ જેટલો પણ જે માણસમાં માલ નથી, તેની આગળ પણ અમારે હાથ જોડવા પડે છે, કેમ જે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે.

આમ, ભગવાનને રાજી કરવાના વિચારથી વ્યક્તિ ક્યારેય કપટ-ખટપટમાં ફસાતી નથી.

કેવળ એક ભગવાન અને સંતને રાજી કરવાના વિચારવાળો ભક્ત કપટ-ખટપટથી તો મુક્ત થાય જ છે પણ કાર્યનો યશ કોને ફાળે જશે? મારી યોગ્ય કિંમત અંકાશે કે નહીં? જેવા કોઈ જ વિચારો ન રહેતા તેની તમામ શક્તિઓ કાર્યસિદ્ધિ પાછળ એ રીતે વપરાય છે કે અશક્ય કાર્યો પણ પાર પડી જાય. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગને કહ્યું છે કે ‘There is no limit to what a man can do or where he can go, if he dosen’t mind who gets the credit.’ કાર્યનો યશ કોને મળશે એનો વિચાર પડતો મૂકીને કાર્ય કરનારી વ્યક્તિ શું કરી શકશે? અને ક્યાં પહોંચી જશે? એની કલ્પના થઈ શકે તેમ નથી.
માત્ર પાંચ સંતો અને મુઠ્ઠીભર હરિભક્તોથી પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજે શરૂ કરેલી BAPS સંસ્થા સો વર્ષમાં તો આખા વિશ્વમાં પથરાઈ જશે એની કોને કલ્પના હશે? પણ આજે એ થયું છે, કારણ કે અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત પ્રવર્તાવીને શાસ્ત્રીજી મહારાજને ભગવાન અને ગુરુને જ રાજી કરવાનો વિચાર હતો. આ મહાન કાર્યોનો યશ કોને ફાળે જશે તેની લેશ પરવા તેઓને નહોતી. આમ, રાજીપાના વિચારથી કાર્યસિદ્ધિ પણ સરળ અને ઢૂંકડી બની જાય છે.
First published: February 21, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading