BAPS: પ્રભુ પ્રત્યે રાજીપાના વિચાર માત્રથી ભૂંડા કર્મ બળી રાખ થઈ જાય છે

News18 Gujarati
Updated: February 20, 2020, 3:46 PM IST
BAPS: પ્રભુ પ્રત્યે રાજીપાના વિચાર માત્રથી ભૂંડા કર્મ બળી રાખ થઈ જાય છે
વચનામૃત જીવનમાર્ગદર્શક

ભગવાનનો રાજીપો મેળવવાના વિચારમાત્રથી સદાય હળવાફૂલ રહેવાય છે. આપણે પણ આ વિચાર કેળવી સદાય શાંત, હળવા અને પ્રફુલ્લિત રહી શકીએ છીએ

  • Share this:
ભક્ત નિકુંજ, સારંગપુર - BAPS

ગત અંકમાં રાજીપાના વિચારથી સ્વભાવની મુક્તિ થાય છે તે જાણ્યું. તે જ રીતે આ અંકમાં પણ રાજીપાના વિચારથી થતાં ફાયદાઓમાં ભૂંડાં કર્મો બળે છે તથા જીવન સ્પર્ધામુક્ત અને તાણમુક્ત બને છે. તે વિષયક જાણીશું.
(૨) રાજીપાના વિચારથી ભૂંડાં કર્મો બળે.

ભારતીય શાસ્ત્રો ત્રણ પ્રકારના કર્મકોઠાર બતાવે છે – ૧. સંચિત ૨. ક્રિયમાણ ૩. પ્રારબ્ધ.

આ ત્રણેય પ્રકારનાં કર્મફળ જીવને અવશ્ય ભોગવવા પડે છે. મોટા-મોટા દેવો, ઈશ્વરો પણ કર્મકેદમાંથી છટકી શક્યા નથી, પરંતુ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૪૫મા કહે છે, “ભગવાનનાં ભક્ત-સંત અને ભગવાનનાં અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આ ને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાનનાં ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે અને ભગાવન અને ભગવાનનાં સંતને કુરાજી કરે અને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય, તો પણ તેનો નાશ થઈ જાય અને નરકમાં પડવું પડે અને ભગવાન અને ભગવાનનાં સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને તેનો જો નરકમાં જવાનો પ્રારબ્ધ હોય તો પણ તેના ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમપદને પામે. જે સમજુ હોય તેને તો ભગવાન અને ભગવાનનાં ભક્ત રાજી થાય તેમજ વર્તવું.”

આમ, રાજીપાના વિચારથી ભૂંડા કર્મો બળે છે.(૩) રાજીપાના વિચારથી જીવન સ્પર્ધામુક્ત અને તાણમુક્ત બને.

એકવીસમી સદીમાં માણસમાત્રને વત્તે-ઓછે અંશે પીડી રહેલો મહારોગ છે – માનસિક તાણ, ટેન્શન, દરેક વ્યક્તિના માથે તાણનો અદૃશ્ય બોજો લદાયેલો રહે છે. ‘શું થશે? અને શું નહીં થાય?’, ‘લોકોને કેવું લાગશે?’, ‘લોકો શું ધારશે?’ – જેવા અનેક વિચારો માનવીના મનની પણછ તાણેલી જ રાખે છે.

આ તાણ જન્મે છે સ્પર્ધામાંથી. આજે સૌ એકમેકની હોડે ચડ્યા છે. One-upmanship – મૂઠી ઊંચેરા બનવા માટે સૌ ધમપછાડા કરી રહ્યા છે. આ સરખામણી અને સ્પર્ધા ઈર્ષ્યાના ભાવ મનમાં જગાવતાં જાય છે. તેને કારણે જીવનપર્યંત મનુષ્ય બળ્યા કરે છે.

આ આગ ઠરે છે રાજીપાના વિચારથી. જે કાંઈ પણ કરવું, બોલવું, વિચારવું તે ભગવાન અને સંત રાજી થાય તે માટે જ કરવાની ભાવના જાગે છે ત્યારે કોઈથી આગળ નીકળી જવાનો ભાવ અને કોઈથી પાછળ રહી જવાનો ભય ખરી પડે છે. કર્મના ફળરૂપે જ્યારે રાજીપો લેવાની ભાવના આવે છે ત્યારે બોજો ગાયબ થઈ જાય છે, કારણ કે મનુષ્યને બોજો કર્મનો નહીં, કર્મના ફળનો લાગે છે.

ભગવાન સ્વામિનારાયણના પરમહંસ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી વડોદરામાં શાસ્ત્રાર્થ કરવા જઈ રહેલા. આખા સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠા તેઓની હાર કે જીત પર દાવે લાગી હતી, પરંતુ આવા સમયે તેઓ તો ‘વ્હાલા રૂમઝુમ કરતા કાન, મારે ઘેર આવો રે...’ ગાતાં ગાતાં ચર્ચા માટે જઈ રહેલા. તેઓની આ હળવાશનું રહસ્ય રાજીપાનો વિચાર હતું. શાસ્ત્રાર્થમાં જીત મેળવી સૌથી આગળ વધી જવું છે, બીજાને ઝાંખા પાડી દેવા છે જેવા કોઈ જ વિચારો નહીં. ‘બસ ! એક ભગવાનને રાજી કરવા છે’ એ જ નિશાન હતું. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના ૨૪મા વચનામૃતમાં કહ્યું છે કે ‘મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ.’

આમ, ભગવાનનો રાજીપો મેળવવાના વિચારમાત્રથી તેઓ સદાય હળવાફૂલ રહેતા. આપણે પણ આ વિચાર કેળવી સદાય શાંત, હળવા અને પ્રફુલ્લિત રહી શકીએ છીએ.

પ્રમુખસ્વામી મહારાજ પ્રવૃત્તિના ગોવર્ધન ઊંચકવા છતાં મોરપીંછ જેવા હળવા રહી શક્યા હતા. તેનું કારણ આ જ છે કે તેઓને ભગવાન તથા ગુરુને રાજી કરવાનો વિચાર સદા રહેતો હતો. દિલ્હીમાં અક્ષરધામના ઉદ્ઘાટન વખતે તેઓ બોલ્યા હતા : ‘આ કાર્ય જે કર્યું છે તે સ્પર્ધાના ભાવથી નથી કર્યું. બીજાથી અમે આગળ છીએ તે બતાવવા માટે પણ નથી કર્યું. બીજાને ઝાંખા કરવા પણ નથી કર્યું. પણ અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે યમુના કિનારે મંદિર કરવું છે તેથી તેઓનો સંકલ્પ પૂરો કરવા આ કાર્ય થયું છે.’

પ્રમુખસ્વામી મહારાજને અક્ષરધામ ખાતમુહૂર્ત વખતે કે ઉદ્ઘાટન વખતે એક જ વિચાર – ગુરુને રાજી કરવાનો હતો. તેથી પ્રમુખસ્વામી મહારાજ આવું વિરાટ કાર્ય ઊપાડવા છતાં પણ હળવા રહી શકેલા. એક પ્રસંગે નિર્માણાધીન અક્ષરધામના પરિસરમાં ચોતરફ ખડકાયેલા ગંજાવર ગુલાબી પથ્થરો જોઈ પ્રમુખસ્વામી મહારાજે સંતોને કહ્યું, “આ આટલા બધા પથરા અહીં પડ્યા છે, પણ છાતી પર એક કાંકરી જેટલો પણ ભાર અનુભવાતો નથી.”
આમ, રાજીપાના વિચારથી થતી પ્રવૃત્તિની આ ફલશ્રુતિ છે.
First published: February 20, 2020, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading