BAPS: સંપત્તિ મળે, સત્તા મળે પરંતુ સ્વભાવ ન ટળે તો મનુષ્યજન્મ નિષ્ફળ કહેવાય

News18 Gujarati
Updated: February 19, 2020, 3:35 PM IST
BAPS: સંપત્તિ મળે, સત્તા મળે પરંતુ સ્વભાવ ન ટળે તો મનુષ્યજન્મ નિષ્ફળ કહેવાય
વચનામૃત જીવનમાર્ગદર્શક

આંબો છાંયડો આપે, પાંદડા આપે, બળતણ માટે લાકડાં આપે, પણ જો કેરી ન આપે તો તેનો જન્મ નિષ્ફળ કહેવાય

  • Share this:
ભક્ત તીર્થ, સારંગપુર - BAPS

શાંતિની ખોજમાં યુગોથી મથી રહેલો માનવી અસંખ્ય વિચારોની દુનિયામાં ખોવાયેલો રહે છે. બ્રહ્માંડની ગતિને માપવાના પ્રયત્નોથી લઈને સૂક્ષ્મ અણુની પણ ભીતરમાં તે ઘૂમી વળ્યો છે. સાગરના પેટાળમાં અને ચંદ્રની સપાટી પર તે વિહરી ચૂક્યો છે.

જીવનને શાંતિ આપવાની લાલચમાં અસંખ્ય ભૌતિક શોધખોળો પાછળ અસંખ્ય વિચારોમાં માનવીની પેઢીઓની પેઢીઓ વીતી ગઈ. પરંતુ અંતે આધ્યાત્મિકતા તે જ સર્વશ્રેષ્ઠ અને અંતિમ ઈલાજ સાબિત થયો : શાશ્વત શાંતિ પામવાનો. પરંતુ જે અગમ્ય છે, અપાર છે, અલૌકિક છે, અનિંદનીય છે, એવા પરમાત્મા માનવીની સામાન્ય લૌકિક બુદ્ધિથી કેવી રીતે પામી શકાય? એવા પરમાત્માને અને એમના ગુણાતીત સંતને આપણાં તુચ્છ સાધનોથી કેવી રીતે પ્રસન્ન કરી શકાય? ભગવાન અને ગુણાતીત સત્પુરુષને પ્રસન્ન કરવાની સાધના કેવી રીતે કરી શકાય? એનો પ્રારંભ વિચારથી થાય છે. તે વિચાર એટલે ભગવાન અને સંતને રાજી કરવાનો વિચાર.

જૂનાગઢના રાજમાર્ગ પર ભગવાન સ્વામિનારાયણની ગજરાજ પર ભવ્ય શોભાયાત્રા નીકળી રહી હતી. સેંકડો સંતો અને હજારોની ભક્તમેદની ભગવાન સ્વામિનારાયણનો ગગનભેદી જય જયકાર કરી રહી હતી. વિશાળ જનમેદની વીંધતો એક સામાન્ય ગરીબ બાળક કાકડી વેચવા ચારે તરફ ઘૂમી રહ્યો હતો. દૂરથી ગજરાજ પર વિરાજમાન ભગવાન શ્રીસ્વામિનારાયણને નીરખતાં જ વીજળીની ઝડપે તેના મનમાં એક વિચાર સ્ફૂરી ગયો : ‘આ કાકડી ભગવાનને આપું તો? બીજા કોઈને વેચવામાં મને એકાદ પૈસો મળશે અને ભગવાનને આપવામાં તેમનો અપાર રાજીપો મળશે’ અને એક પૈસાની પણ અપેક્ષા વિના મેદનીને વીંધતો એ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ગયો. ગજરાજ પર બેઠેલા અંતર્યામી ભગવાન સ્વામિનારાયણે અંબાડી પરથી નીચા નમી, હાથ લંબાવી, તેની કાકડી અંગીકાર કરી, જાહેર શોભાયાત્રામાં કાકડી ખાઈને તેના ભાવને પૂરો કર્યો, અનંત તપ કરીને તપસ્વીઓ ન પામ્યા તે ભગવાનની પ્રસન્નતા આ અબુધ બાળક પામી ગયો. કારણ? ભગવાનને રાજી કરવાનો સર્વશ્રેષ્ઠ વિચાર તેના રોમ રોમમાં વ્યાપી ગયો હતો. શા માટે આ વિચાર સર્વશ્રેષ્ઠ છે?

આ વિચાર ઉત્તમ એટલા માટે છે કે ભગવાન સ્વામિનારાયણે તેને ગુણાતીત વિચાર કહ્યો છે. બીજા બધા વિચારો સારા ખરા પણ ગુણમય. તેથી માયામય પણ ખરા, પરંતુ ‘ભગવાન અને સંતને રાજી કરવા છે’ તે વિચાર માયા પરનો છે, ગુણાતીત છે તેમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના ૨૭મા કહ્યું છે.

વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે ‘તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે? અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? અને ક્રોધ કેવી રીતે ટળે છે?’ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ‘કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાઈ દેખાય, તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે.’

ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ‘એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, ‘જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી.’

મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે ‘કામ-ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે તે એ તમારા જીવમાં રહ્યો છે.’

અહીં, મુક્તાનંદ સ્વામીના જીવમાં રહેલા વિચાર ‘ભગવાનને કુરાજી કરવા નથી’ – તે પર ભગવાન સ્વામિનારાયણ ગુણથી પરના વિચારની મહોર મારી આપે છે. આમ, રાજીપાનો વિચાર ગુણાતીત વિચાર છે. માટે એ વિચાર સર્વશ્રેષ્ઠ વિચાર કહી શકાય.

આ રાજીપાના વિચારથી વ્યવહાર માર્ગે તથા આધ્યાત્મિક માર્ગે કેવી રીતે પ્રગતિ કરી શકાય તે હવે પછીથી આપણે જોઈશું?

૧) રાજીપાના વિચારથી સ્વભાવમુક્તિ
આંબો છાંયડો આપે, પાંદડા આપે, બળતણ માટે લાકડાં આપે, પણ જો કેરી ન આપે તો તેનો જન્મ નિષ્ફળ કહેવાય. તેમ મનુષ્યદેહમાં સંપત્તિ મળે, સત્તા મળે, વૈભવ-વિલાસ મળે, પણ જો સારા સાધુને સંગે રહી સ્વભાવ ન ટળે તો મનુષ્યજન્મ નિષ્ફળ કહેવાય. માટે જન્મારો સફળ કરવા સ્વભાવ ટાળવાના છે. આ કાર્ય પણ મોટા પુરુષનો રાજીપો મેળવવાથી સિદ્ધ થાય છે તે જણાવતાં ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમ પ્રકરણના ૫૮મા કહે છે : “અતિશય જે મોટાપુરુષ હોય તો તેનો જે ઉપર રાજીપો થયો હોય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.”
First published: February 19, 2020, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading