BAPS: જીવનઘડતરનો કે સમાજઘડતરનો આધાર વિચાર છે

News18 Gujarati
Updated: February 18, 2020, 3:30 PM IST
BAPS: જીવનઘડતરનો કે સમાજઘડતરનો આધાર વિચાર છે
વચનામૃત જીવનમાર્ગદર્શક

એક વિચાર જિંદગી બચાવે પણ છે અને જિંદગી બરબાદ પણ કરે છે.

  • Share this:
ભક્ત તરુણ, સારંગપુર - BAPS

‘જુએ છે કોણ?’
સૌ કહેશે : ‘આંખ’

પરંતુ ઘણી વાર આપણને અનુભવ થાય છે કે આંખ આગળથી કંઈક પસાર થઈ જવા છતાં તેની વિગત ધ્યાન બહાર રહી જવા પામે છે; અને ક્યારેક આંખ બંધ હોય તોય કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનું યથાતથ વર્ણન આપણે કરી શકીએ છીએ.

તો પછી ‘જુએ છે કોણ?’

હવે આપ કહેશો : ‘મન’હા, બરાબર છે. વ્યક્તિ મનના વિચારપૂર્વક જુએ છે, જાણે છે, ચાલે છે, બોલે છે, પ્રત્યેક ક્રિયા કરે છે. પહેલા વિચાર ઉદ્ભવે છે કે ‘આ ખાઉં.’ પછી તે માટેની સઘળી પ્રક્રિયા શરૂ થાય છે. પહેલાં વિચાર ઝબકે છે કે ‘હવે ઊઠું.’ પછી પગ ઊપડે છે.

તેથી જ કહ્યું હશે કે ‘Sow a thought, reap an act’ – વિચાર વાવો અને ક્રિયાનો પાક મેળવો. ‘Sow an act, reap a habit’ – એક ક્રિયા સતત કરતા રહો અને એક ટેવ કેળવો અને જેવી ટેવ તેવું જીવન. આમ, જીવનઘડતરનો કે સમાજઘડતરનો આધાર વિચાર છે.

એક વિચાર જિંદગી બચાવે પણ છે અને જિંદગી બરબાદ પણ કરે છે.

મૃત્યુના શાપથી વ્યથિત પરીક્ષિતના મનમાં શુકદેવજીએ બસ, એક વિચાર રોપી દીધો કે –
त्वं तु राजन् मरिष्येति पशुबुद्धिमिमां जहि ।
न जातः प्रागभूतोऽद्य देहवत्त्वं नव नङ्क्ष्यसि ।।
હે રાજન્ ! ‘હું મરવાનો છું.’ એવી તારી પશુબુદ્ધિનો ત્યાગ કર.(કારણ કે તું આત્મા છે.) દેહની જેમ આત્માનો નાશ થતો નથી.

આ આત્મવિચારને કારણે ભયભીત પરીક્ષિત નિર્ભય બની ગયો અને પરમપદને પામ્યો. એક વિચારથી જિંદગી બની ગઈ.

આત્મહત્યા કરવા જઈ રહેલા એક અંધ યુવાનને કોઈ સૂફી સંતે વિચાર આપ્યો કે ‘ખુદાએ જિંદગી જીવવા આપી છે, મિટાવી દેવા નહીં. તું જિંદગી જીવવાની કોશિશ કર.’ બસ, આ એક વિચારે તે અંધ યુવાન આપઘાતના માર્ગેથી પાછો વળ્યો. તેણે જિંદગી જીવવાની કોશિશ કરી. તેને ચૌદ વાર પી.એચ.ડી.ની ડિગ્રી મળી. જીવનપર્યંત શિક્ષણમંત્રીનું પદ શોભાવ્યું. તે યુવાન હતો – ડૉ. તાહા હુસૈન.

આમ, વિચારથી જીવન આબાદ બને છે, પરંતુ અવળા વિચારનું મનોભૂમિમાં વાવેતર થાય તો તે વિચાર બરબાદી પણ નોંતરે છે. દાસી મંથરાએ રાણી કૈકેયીના મનમાં એક અવળા વિચારને રોપ્યો અને આ વિચારથી રઘુકુળમાં જે ઉલ્કાપાત સર્જાયા તે જાણીતી વાત છે.

આમ, બસ એક જ વિચાર વિશ્વનો નક્શો બદલવા પૂરતો છે.

આવાં તો કંઈક દૃષ્ટાંતોથી ફલિત થાય છે કે વિચારવિસ્ફોટ એક શક્તિશાળી ચીજ છે. ‘There is nothing so powerful as an idea whose time has come.’ અર્થાત્ ‘જેની પ્રગટ થવાની પળ પાકી ગઈ છે એવા વિચારથી શક્તિશાળી બીજું કશું જ આ દુનિયામાં નથી.’ વિક્ટર હ્યુગોની આ વાત સો ટકા સાચી છે.

લૌકિક માર્ગની જેમ આધ્યાત્મિક માર્ગે પણ વિચારની મહ્ત્તા સર્વસ્વીકૃત થયેલી છે.

જનક રાજસમૃદ્ધિમાં રહીને પણ જીવનમુક્તિ મેળવી શક્યા અને ભરતજી રાજપાટનો ત્યાગ કરવા છતાં અધોગતિ પામ્યા. શાથી? વિચારથી જ તો! ભરતજી વનમાં બેઠેલા પણ વિચારમાં વાસનાનો વાસ હતો. જનક રાજમાં બેઠેલા પણ મન વિકારના વિચારથી મુક્ત હતું.

આમ, જેવા વિચાર તેવી પ્રાપ્તિ એ રોકડો હિસાબ છે. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું હશે : ‘કર વિચાર, પામ તું.’

અને એક કવિએ પણ લખ્યું છે,
‘વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા;
મુક્તિ પામવા, સુખેથી ધામમાં જવા;
વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા.’
આમ, જીવમાંથી બ્રહ્મરૂપ થવા વિચારની જરૂરિયાત છે. તે સાર્વજનિક સૂર છે. તો ક્યો એક એવો વિચાર છે જે કરીએ તો બીજા કોઈ વિચાર કરવાની જરૂર ન રહે? ‘એક સાધે સબ સધે’ એવો કયો એક વિચાર છે જે કરીએ તો એક સાથે બધાં જ કાર્ય સિદ્ધ થઈ જાય?

આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન સ્વામિનારાયણનાં પરમહંસ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના રાજીપાનો વિચાર દોહરાવતાં કહે છે :
‘કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ,
તો સરે સરવે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ.’

તે વાત ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનાં ૨૮મા વચનામૃતમાં કરે છે કે ‘સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે જે, ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું.’
આમ, સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર ‘ભગવાન અને સંતને રાજી કરવા’ એ જ છે, કારણ કે, તેથી સર્વે કાર્ય સિદ્ધ થાય છે.

કેવી રીતે આ વિચાર સર્વશ્રેષ્ઠ છે? તે વિશેષ સમજવા આપણે આવતા અંકે જોઈએ
First published: February 18, 2020, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading