BAPS: માણસના વ્યક્તિત્તવને ઘેરી લેતું માન - ગુમાનનું પોટલું

News18 Gujarati
Updated: February 14, 2020, 9:38 PM IST
BAPS: માણસના વ્યક્તિત્તવને ઘેરી લેતું માન - ગુમાનનું પોટલું
વચનામૃત જીવનમાર્ગદર્શક

કોઈ કદર કરે કે બિરદાવે એવી ભાવના સાથે કરેલી ભક્તિ કે સેવાની સોડમ પ્રસરવાને બદલે તેમાંથી ગુમાનની ગંધ આવે છે

  • Share this:
સાધુ વેદપ્રકાશદાસ, સારંગપુર - BAPS

સૃષ્ટિના આદિકાળથી જ માણસે વિશ્વવિજેતા બનવાનો વિક્રમ નોંધાવ્યો છે. તેણે પૃથ્વીના પેટાળમાં જઈને પ્રભુત્વ મેળવ્યું. પક્ષી કરતાં વધારે ઊંચાઈએ ઊડીને આકાશ કબ્જે કર્યું. વિશ્વના અનેક રહસ્યોનો તાગ મેળવીને સંશોધન કર્યું. પશુઓ અને પક્ષીઓ પર કાબૂ મેળવીને પોતાનું ધાર્યું કામ કરાવ્યું. વિજ્ઞાનના અનેક અણધાર્યા પ્રયોગો કરીને મનુષ્યજીવનને સુવિધામય બનાવ્યું. બધાં તત્ત્વો ઉપર કાબૂ મેળવીને તે વિશ્વવિજેતા પણ બન્યો. પરંતુ માનવ ‘માન’ નામના એક મહાવૈરી પર કાબૂ મેળવી શક્યો નથી! એ છે સૂક્ષમાતિસૂક્ષ્મ અને પીડે છે પારાવાર ! સૂક્ષમાતિસૂક્ષ્મ હોવાથી પ્રથમ તો તેને પિછાણવો મુશ્કેલ. ક્યારેક વાણીથી વદાઈ જાય કે વર્તનમાં ડોકાઈ જાય, ત્યારે તેના અસ્તિત્વની તીક્ષ્ણ આર, પ્રથમ તો સામાવાળાને ભોકાંય; માનને સંઘરીને ફરતી વ્યક્તિને તો હજુ કદાચ તેનો અણસાર પણ ન આવ્યો હોય !!

માણસના વ્યક્તિત્તવને ઘેરી લેતી માન-અપમાન, આદર-અનાદરની આ શાખા-વિશાખાઓને જો તે પોતે, છેક મૂળ સુધી દ્રષ્ટાભાવે જુએ તો જ તેની ઉદ્વિગ્નતા ટળે, અન્યથા આ શાખા-વિશાખામાં વધુ ફૂલે-ફાલે અને તે તેમાં વધારે ને વધારે ફસાતો જાય.

જાપાની કવિ ચોન નાગુચીએ તેમનાં કાવ્યો ઉપરાંત ઘણી સંક્ષિપ્ત બોધકથાઓ પણ લખી છે. એક બોધકથામાં તેઓ એક બિંદુની વાત કરે છે. નિરંતર ઉછાળા મારતાં સાગરમાંથી એક બિંદુ ઊડીને દૂર એક લિસ્સા પથ્થરના અંકે ગોઠવાઈ ગયું. પથ્થરે પૂછ્યું, ‘રે ! તું અહીં કેમ છુપાયું ?’ ‘રાક્ષસથી હું ત્રાસી ગયો છું’ બિંદુ બોલ્યું. ‘કયો રાક્ષસ?’ ‘આ સાગર; મારે હવે એની સાથે સ્પર્ધામાં ઉતરવું છે.’ અરે પાગલ ! સૂરજના તાપે સળગી તું તો પલભરમાં અદૃશ્ય થઇ જઈશ. વિરાટ સાગરનો સંબંધ તોડી તે તારી જાતને ક્ષુદ્ર બનાવી દીધી. ઈર્ષા, તિરસ્કાર અને હીનતાની ભાવનાથી તારો અહં જાગ્યો લાગે છે. જો સાગર તો તેના સહસ્ર હાથ લંબાવી હજી પણ તને નિમંત્રણ આપે છે. તેનો તારા પ્રત્યેનો પ્રેમ લગીરે ઓછો થયો નથી. એક કુદકો માર, તું બિંદુ મટી સ્વયં સાગર બની જઈશ. તેની સાથે સ્પર્ધા કરવાનો આ એક જ રસ્તો છે.’

કવિ ચોન નાગુચી આ બોધકથામાંથી બોધ તારવતાં કહે છે કે, ‘હું પણ પરમ ચૈતન્યના સાગરથી અલગ પડી ગયો છું. અલગતાએ મારા મનની માવજત કરી છે, મારા અહંને પોષ્યો છે અને મને અકથ્ય આનંદથી વંચિત કરી મૂક્યો છે. જગતની સઘળી ક્રિયાઓ શરીરથી અને નામથી થતી હોય છે. પછી એ અત્યંત સાત્ત્વિક ક્રિયાઓ જેવી કે; દાન, તપ, ભક્તિ, સેવા કેમ ન હોય! વ્યક્તિ પોતે દેહરૂપ છે કે નામરૂપ છે, તેમ સમજી જાણે અજાણે માનનાં જ્વરમાં ફસાય છે, માનના સૂક્ષ્મ જીવાણુંઓ રુધિરમાં ભળી સમગ્ર દેહમાં અભિસરણ કરતા જ રહે છે. જ્યારે આ જીવાણુંઓ વિપુલ સંખ્યામાં વહેવા લાગે, ત્યારે માનનો આ મહાવ્યાધિ વર્તમાનમાં ડોકાય છે.

કોઈ કદર કરે કે બિરદાવે એવી ભાવના સાથે કરેલી ભક્તિ કે સેવાની સોડમ પ્રસરવાને બદલે તેમાંથી ગુમાનની ગંધ આવે છે. માત્ર નૈતિક કર્તવ્ય કે ખાતાપાલનથી થયેલી ભક્તિ કે સેવામાં અંતઃકરણનો આનંદ ન મળે, તો પોતે કાંઈક કર્યાની વ્યક્તિને તીવ્ર જાણ રહ્યા કરે છે. જેને માનમાં રૂપાંતરિત થતાં વાર લાગતી નથી. તેથી કરેલા કોઈપણ કાર્યમાં, કર્તવ્યપાલન કે ખાતાપાલન સાથે સાથે પ્રેમ અને ઉત્કટભાવના ભળે, તો એવા માનરહિત કાર્યની સુવાસ ચારે તરફ પથરાય છે. પોતે આવું કાર્ય કરવું છે. એવી તેને જાણ જ રહેતી નથી. કવિશ્રી ઉમાશંકર જોશીએ આ જ ભાવને નિરૂપતા ગાયું છે, “વ્યક્તિ મટીને બનું, વિશ્વમાનવી.”ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્યના ૪૧મા માનના સ્વાદની વિચારપ્રેરક વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, “.અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં અને જેમ શ્વાન હોય તે સુકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય છે, પણ મુર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી.”

પ્રસ્તુત વચનામૃતમાં આ રીતે ભગવાન સ્વામિનારાયણ માન-ગુમાનનાં પોટલાને શિરેથી ઊતરાવી, હળવાફૂલ કરી, હરિ ભજવાની પાત્રતા કેળવવાની મહામૂલી શીખ આપે છે.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर