BAPS: સુખી જીવન માટે એક જ દવા 'સવળી સમજણ'

News18 Gujarati
Updated: January 10, 2020, 3:40 PM IST
BAPS: સુખી જીવન માટે એક જ દવા 'સવળી સમજણ'
માણસ પોતે માનેલાં સુખ માટે વલખાં મારે અને કદાચ એ તમામ તેને પ્રાપ્ત થાય તોય તે અતૃપ્ત જ રહેવાનો

માણસ પોતે માનેલાં સુખ માટે વલખાં મારે અને કદાચ એ તમામ તેને પ્રાપ્ત થાય તોય તે અતૃપ્ત જ રહેવાનો

  • Share this:
સાધુ સર્વકુશલદાસ, સારંગપુર - BAPS

'સુખી જીવન'ની વ્યાખ્યા કરવી અતિ મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિના જીવનના - જન્મથી મૃત્યુ પર્યંતના બધા જ તબક્કાઓ સુખમય વીત્યા હોય એવું ભાગ્યે જ બને છે. શૈશવ સુખમાં વીત્યું હોય, યુવાની ઍશ-આરામમાં વીતાવી હોય અને
પાછલી અવસ્થા દુઃખકારી બની જાય - એના કહેવાતા સ્વજનો ય હવે એની ભાળ લેવા આવતા ન હોય ! લૌકિક દૃષ્ટિએ જેમાં સુખ મનાયું છે - પુત્ર-પરિવાર, વ્યવસાય, ધન, સંપત્તિ, સત્તા ઇત્યાદિ પ્રાપ્ત કર્યું હોય, પરંતુ જો શારીરિક સ્વાસ્થ્ય

લથડે તો આ સુખનો આસ્વાદ માણવાની ક્ષમતા જ ન રહે. શરીરસુખ સારું હોય, દ્રવ્યાદિક વિષે કોઈ મણા ન હોય અને છોકરો કહ્યામાં ન રહે અને વંઠે તો અજંપાનો - ઉદ્વેગનો વિષાદ છવાઈ જાય. વિવિધ પળોની બનેલી છે આ જિંદગી-  જો પ્રારંભનાં પળોમાં સુખ તો પછીનાં પળોમાં દુઃખ !

અલમસ્ત, ગુણાતીત સ્થિતિમાં નિશદિન રત સત્પુરુષ સિવાય કોઈ એવી વ્યક્તિ નહિ હોય જેનું જીવન સાંગોપાંગ સુખથી ભર્યું હોય. જગતે પેદા કરેલા ધનિકો, સમ્રાટો, સત્તાધીશો અરે તજજ્ઞોએ પણ જીવનના અંતિમ તબક્કામાં 'અધુરપ'ની
'ખાલીપા'ની ફરિયાદ કર્યા કરી છે.વિશ્વમાં ઘણી વ્યક્તિઓ એવી થઈ ગઈ જેને પ્રકૃતિએ જન્મથી જ આંધળી, બહેરી, અપંગ સર્જી હોય અને છતાંય ઈશ્વરેચ્છાને શિરોધાર્ય માની, વિધેયાત્મક વલણ દાખવી, સાચી સમજણ દાખવી સફળ જીવન જીવી ગઈ હોય. હેલન કેલર
એનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. એક ભાઈનો ડાબો હાથ અકસ્માત્‌માં કપાઈ ગયો. કોઈકે પૂછ્યું : 'તમને તમારા હાથની ખોટ સાલતી નથી ?' 'સાચું કહું' એ માણસે કહ્યું : 'સોયમાં દોરો પરોવવો હોય એ સિવાય ભાગ્યે જ મને તે યાદ આવે છે.'

પોતાનો એક હાથ કપાઈ જાય તો અન્ય હાથને કેળવીને, ઉદ્યમ કરી નિભાવ ચલાવે છે. બન્ને હાથ કપાઈ ગયા હોય તો પગ દ્વારા હાથનું કામ લઈ જીવન ગુજારતી વ્યક્તિઓ સમાજમાં જોવા મળે છે.

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્ર.૭૦માં વાત કરતાં કહે છે કે 'કાં જે ઘરમાં દશ માણસ હોઈએ અને તે દશેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ ઊગરે તો શું થોડો છે ? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા
મળે તે શું થોડા છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું. પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો શૂળી લખી
હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે.'

માણસ પોતે માનેલાં સુખ માટે વલખાં મારે અને કદાચ એ તમામ તેને પ્રાપ્ત થાય તોય તે અતૃપ્ત જ રહેવાનો. સાઇકલમાંથી સ્કૂટર, મોટર, બંગલો, જર-ઝવેરાત, નોકરચાકર, સંતતિ, સત્તા... અંત જ નથી એની એષણાઓનો !! તે ગમે તેટલું કેમ
ન મેળવે તોય તે સીમિત જ રહેવાનું. તેણે હજુ જે નથી મેળવ્યું તે અસીમ, અમાપ રહેવાનું. પ્રકૃતિનો આ અફર નિયમ છે. તો પછી શા માટે તેણે દુઃખી થવું જોઈએ ? જેટલું મળ્યું છે તે ઈશ્વરની ઇચ્છાથી મળ્યું છે એમ માની સ્વસ્થ શાંત,
સંતોષી જીવન ન જીવાય ? આશાવાદી અભિગમ કેમ ન કેળવાય?

બે મિત્રો જીવનની ફિલસૂફીની ચર્ચાએ ચડ્યા હતા. એકે કહ્યું, 'આ જિંદગી તો ચાર દિનની ચાંદની છે.' બીજાએ કહ્યું, 'ચાર દિન જેટલી ટૂંકી છે, પણ છે તો ચાંદની.' જે કાંઈ છે તે ટૂંકું, અલ્પ, સીમિત એમાં જ સંતોષ કેમ ન માનવો ? જે કાંઈ
અને જેટલું આપ્યું હોય તે ઈશ્વરદત્ત છે એમ માની ખરી રીતે તો માણસે પ્રભુનો આભાર માનવો જોઈએ. આવી સાચી સમજણ દાખવી સર્જનહારનો ૠણ સ્વીકાર કરવો જોઈએ.
First published: January 10, 2020, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading