BAPS: સમજવું અને જાણવું એ બેમાં ભેદ છે, જાણકારી હોવાથી સાચી સમજણ પ્રાપ્ત નથી થતી

News18 Gujarati
Updated: January 9, 2020, 4:43 PM IST
BAPS: સમજવું અને જાણવું એ બેમાં ભેદ છે, જાણકારી હોવાથી સાચી સમજણ પ્રાપ્ત નથી થતી
સામી ભીંતને પછવાડે શું હશે એની પણ ખબર ન પડે એવો માણસ, પોતાને સૂઝે એવાં પૂર્વાનુમાનો કરે છે, આગાહીઓ કરે છે, અંદાજો બાંધે છે અને તેને આધારે નિર્ણયો લે છે

સામી ભીંતને પછવાડે શું હશે એની પણ ખબર ન પડે એવો માણસ, પોતાને સૂઝે એવાં પૂર્વાનુમાનો કરે છે, આગાહીઓ કરે છે, અંદાજો બાંધે છે અને તેને આધારે નિર્ણયો લે છે

  • Share this:
માધવ કાનાબાર, સારંગપુર - BAPS

સમજવું અને જાણવું એ બેમાં ભેદ છે. માત્ર જાણકારી પ્રાપ્ત કરવાથી સાચી સમજણ પ્રાપ્ત થતી નથી. સાચી સમજણ એટલે ભગવાન જ કર્તા-હર્તા છે. ભગવાન જ સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક છે અને પોતે તો નિમિત્તમાત્ર છે એવું દૃઢપણે માનવું. આવી સમજણ કેળવાય તો તે પ્રમાણે આચરણ થાય. આવા આચરણમાં સ્થિરતા હોય, ભગવાન પરત્વેની પૂર્ણ શ્રદ્ધા હોય, ગમે તેવા દેશકાળનો સ્વીકાર કરવાની તૈયારી હોય. જે કાંઈ કરે છે તે ભગવાન આપણા ભલા માટે જ કરે છે. સુખ નહિ આપવા પાછળનું કારણ આગળ જતાં એ દુઃખમય બનવાનું હશે.

ટાગોરના પરિવારમાં પાંચ અતિ નજીકનાં સ્વજનોનાં મરણ થયાં, પરંતુ તેઓ ભાંગી નહોતા પડ્યા. એક ભાઈએ તેમને પૂછ્યું, 'આ તો આશ્ચર્ય કહેવાય !!' 'મને એ સ્વાભાવિક લાગે છે.' ટાગોરે કહ્યું. ‘તમારી જગ્યાએ અમે હોઈએ તો જરૂર ભાંગી પડીએ.' 'આપણે પોતાના બાહુબળ ઉપર જ મદાર બાંધીએ છીએ પણ અનેક બળ એવાં છે જેમનો સ્પર્શ પણ નવી ચેતના જન્માવે.' સમજણથી ભરેલો એવો ટાગોરનો આ જવાબ હતો. ઘણી વખત મુખે પ્રભુનું નામસ્મરણ ચાલતું હોય પરંતુ યથાર્થ એવી સમજણના અભાવે તેમનું નિરંતર સાન્નિધ્ય નથી અનુભવાતું.

'ટોલ્સટોય કહે છે કે 'સુખની દરેક કથા સામાન્ય અને એક સમાન હોય છે, પરંતુ દુઃખની દરેક કથા જુદી જુદી હોય છે.' માનવીનું સમગ્ર જીવન એ સમય અને સંસાર સાથેનો સતત સંઘર્ષ છે. પરંતુ ઈશ્વરનું શરણું પકડી તેનું સર્વકર્તા-હર્તાપણું સ્વીકારી આ સંઘર્ષને, સમજણ કરીને કોઠે પાડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

સર્જનહારે જીવન એવું તો વણ્યું છે કે નિષ્ફળતા કે નિરાશાના દર દસ ટાંકે એક ટાંકો સફળતાનો કે આશાનો જોવા મળે. નિષ્ફળતાના ખુલાસા આપવા પડે, સફળતાનું માત્ર રહસ્ય જ પૂછવામાં આવે. અનેક મહાન વ્યક્તિઓનાં જીવન કષ્ટોથી ભરેલાં હોવા છતાં તેઓ સફળ રહ્યા. તેનાં કારણોમાં મહત્ત્વનું કારણ તેમનો ઈશ્વર પર ભરોસો - સંપૂર્ણ શરણાગતિ - એ રહ્યું છે. દુઃખોના પ્રગાઢ અંધકાર વચ્ચે, પ્રભુ પરના આશરાની આ જ્યોત જલતી જ રહે છે.

સામી ભીંતને પછવાડે શું હશે એની પણ ખબર ન પડે એવો માણસ, પોતાને સૂઝે એવાં પૂર્વાનુમાનો કરે છે, આગાહીઓ કરે છે, અંદાજો બાંધે છે અને તેને આધારે નિર્ણયો લે છે. સમયનાં આવરણોને ભેદી અનંત સુધી પહોંચતી ભગવાનની દિવ્ય દૃષ્ટિથી તે અજાણ છે. વચનામૃત જેતલપુરના ૫માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે '...હું તો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણે કાળને વિષે સર્વ ક્રિયાને જાણું છું.' વળી, વચ. ગઢડા પ્રથમ ૭૪માં કહે છે, ‘ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાનડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં.’ તેથી કોઈ પણ વિષમ દેશકાળમાં ધીરજ ગુમાવ્યા સિવાય, 'ઈશ્વર જે કરશે તે બરાબર જ હશે' એવો દૃઢ વિચાર રાખે તો ટકી શકાય.પ્રમુખસ્વામી મહારાજ સ્થિપ્રજ્ઞતાની સર્વોચ્ચ સ્થિતિએ પોતે તો વિરાજે છે પરંતુ તેમણે પકવેલા એવા હરિભક્તોની સમજણ પણ ઉદાહરણીય હોય છે. કેનેડાના ગુજરાતી સમાજ અને સત્સંગના અગ્રણી ભગવાનજી માંડવિયાને ૧૯૮૫માં પોતાના બ્લડ કૅન્સરની જાણ થઈ છતાં સહેજ પણ વિચલિત ન થયા. અંતિમ દિવસોમાં તેમણે તેમના મિત્રને પાઠવેલા પત્રમાં એમની સાચી સમજણનાં દર્શન થાય છે. 'શારીરિક દુઃખો તો બધાંને આવે છે. રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષોને પણ કૅન્સર થયું હતું. જીવનમાં ઉપાધિઓ તો આવે પણ પ્રમુખસ્વામી જેવા ભગવાનના ધારક સંતનું શરણ ક્યારેય છોડવું જોઈએ નહિ.' ઉચ્ચકોટિની આવી સમજણ દાખવી, ભગવાનને સર્વ કર્તાહર્તા સમજી, તેમની ઇચ્છા એ જ આપણું પ્રારબ્ધ એમ સમજી કેવળ સ્વકલ્યાણ અર્થે જ સત્સંગ કરીએ તો વાસ્તવિક સુખ એમાં રહેલું છે, એવો બોધ આ વચનામૃતમાંથી પ્રાપ્ત થાય.
First published: January 9, 2020, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading