BAPS: બધાને સફળતા જોઈએ છે? પણ પુરુષાર્થ કરવો નથી

News18 Gujarati
Updated: January 7, 2020, 3:15 PM IST
BAPS: બધાને સફળતા જોઈએ છે? પણ પુરુષાર્થ કરવો નથી
વચનામૃત : જીવનમાર્ગદર્શક

ભગવાન સ્વામિનારાયણે સફળતા પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ જણાવ્યો છે

  • Share this:
તરુણ ઢોલા, સારંગપુર - BAPS

આજના વર્તમાનયુગમાં કયો એવો માનવી છે જેને સફળતાના શિખરો સર નથી કરવા? હા, બધા સફળતા ઈચ્છે છે. આજના માનવીને સફળતા જોઈએ છે, પણ પુરુષાર્થ કરવો નથી. કદાચ પુરુષાર્થ કરે છે, પણ તેમના કાર્યમાં અડચણોનો અનુભવ થતાં તે નિરાશ થઈ જાય છે ને પુરુષાર્થ કરવાનું મૂકી દે છે, પરિણામે તે કાંઈ પ્રાપ્ત કરી શકતો નથી.

આનું કારણ છે આજે માણસના જીવનમાં જે તે કાર્ય કરવાનો ઈશક નથી. દૃઢ તમન્ના નથી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત કારિયાણી પ્રકરણના ૧૦માં ઈશકની વાત કરતાં કહે છે, “જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં. ત્યારે તેનો સાચો ઈશક જાણવો.”

સામાન્યતઃ ઈશક એટલે પોતે નક્કી કરેલ ધ્યેયપ્રાપ્તિ અથવા પોતાને અતિ પ્રિય હોય તેને કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં પ્રાપ્ત કરવાની અદમ્ય ઝંખના અને તે માટે તેવો જ પ્રબળ પુરુષાર્થ.

ગંગાને જેમ સમુદ્રને મળવાનો ઈશ્ક હતો તો હિમાલય જેવો પર્વત પણ આડો ન આવ્યો. તેથી જ કહેવામાં આવ્યું છે,

“કદમ હોય જો અસ્થિર તો મારગ પણ જડતો નથી,અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી.”

ઈતિહાસ તરફ ડોકિયું કરીએ તો આપણને એવા હજારો દાખલા મળે છે કે જેના જીવનમાં હજારો અંતરાય આવે પણ ઈશક હોય તે પ્રતિકૂળ સંજોગોમાં પણ પુરુષાર્થ કરી સફળતાને પામ્યા છે.

ભાગવતમાં ધ્રુવજીનું આખ્યાન આવે છે. ઉત્તાનપાદ રાજાને સુનીતિ અને સુરુચિ નામે બે પત્નીઓ હતી. રાજાને વધુ પ્રિય સુરુચિ હતી. તેનો પુત્ર ઉત્તમ અને સુનીતિનો પુત્ર ધ્રુવ હતો.

એક દિવસ ઉત્તાનપાદ ઉત્તમને ખોળામાં બેસાડીને લાડ કરી રહ્યા હતા. તે જ સમયે ધ્રુવને પણ ખોળામાં બેસવાની ઈચ્છા પ્રાપ્ત થઈ. પરંતુ તે સમયે સુરુચિએ ધ્રુવને કહ્યું, ‘દીકરા ! રાજસિંહાસન પર બેસવાનો અધિકાર તને નથી. જો તું રાજસિહાંસન ઈચ્છતો હોય તો તપસ્યા કરીને નારાયણની આરાધના કર અને તેમની કૃપાથી મારા ગર્ભમાં આવીને જન્મ લે.’

ધ્રુવ માતા સુનીતિ પાસે જઈને આ વાત કરે છે. તેમની માતાને તે સાંભળી દુઃખ થયું, છતાં કહે છે, ‘સુરુચિ બરાબર કહે છે. તેના કથનનું પાલન કર.’

ધ્રુવ રાજ્ય છોડીને જંગલમાં તપ કરવા ગયા. પાંચ વર્ષના ધ્રુવે મધુવનમાં જઈ ઉપાસનાનો આરંભ કર્યો. ત્રણ-ત્રણ રાત્રિને અંતરે કેવળ કોઠું બોર ખાઈને એક મહિનો વિતાવ્યો. બીજો મહિનો છ-છ દિવસ પછી સૂકું ઘાસ અને પાંદડા ખાઈને, ત્રીજો મહિનો નવ-નવ દિવસ પછી કેવળ પાણી પીને ચોથો મહિનો શ્વાસ જીતીને બાર-બાર દિવસો પછી કેવળ વાયુ ભરખીને, પાંચમો મહિનો શ્વાસ જીતીને એક પગે ઊભા રહી મન સ્થિર કરીને ધ્યાનયોગ વડે ભગવાનની આરાધના કરી ભગવાનને પ્રસન્ન કર્યા અને વરદાન પામ્યા.

અહીં વિચાર કરવો ઘટે કે ધ્રુવજીની ઉંમર ફક્ત પાંચ વર્ષની જ છે. કોઈ પણ પાંચ વર્ષનો બાળક પહેલા તો ઘરથી કે માતા-પિતાથી છૂટો પડે નહીં અને પાછા તે જંગલમાં ગયા. હવે તે રાજકુમાર છે, તેથી જંગલમાં તેને મહેલમાં મળતી કોઈપણ સુખ સુવિધા મળવાની ન હતી. અરે ! શું જમશે, ક્યાં રહેશે તે પણ નક્કી નહીં છતાં તેમને ભગવાન પ્રાપ્ત કરવાનો ઈશક જાગ્યો તો તે સફળતાના શિખરને સર કરી શક્યો.

આવો જ ઈશક આજે પણ સંશોધકો, વિજ્ઞાનીઓ, રમતવીરોને લાગ્યો હોય છે.

વાસ્કો-ડી-ગામાએ આવા જ ઈશકને કારણે હિંદુસ્તાન શોધી કાઢ્યું. થોમસ આલ્વા એડીસને પણ આવા ઈશકને કારણે દુનિયાને ઈલેક્ટ્રીકસીટી ભેટ આપી. ટોમ વ્હીટકેર નામે એક અમેરિકને જમણો પગ ન હોવા છતાં ૧૯૯૮ની સાલમાં એવરેસ્ટ સર કર્યો હતો. જર્મનીનો એરીક ૧૩ વર્ષની ઉંમરે અંધ થયા છતાં તો પણ અંધ હોવા છતાં એવરેસ્ટ સર કર્યો.

આમ, જેને જે વાતનો ઈશક હોય તેની આગળ હજારો અંતરાય આવે તો પણ તે અટકે નહીં.
First published: January 7, 2020, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading