“મંગળ” કૃપા દ્વારા જમીન-મકાનની પ્રાપ્તિ

“મંગળ” કૃપા દ્વારા જમીન-મકાનની પ્રાપ્તિ

“મંગળ” ગ્રહ સેનાપતિ છે, મંગળનું શુભ બળ પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિ જોમ અને જુસ્સાથી ભરપૂર હોય

 • Share this:
  “મંગળ” ગ્રહ સેનાપતિ છે. મંગળનું શુભ બળ પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિ જોમ અને જુસ્સાથી ભરપૂર હોય. મંગળ ગ્રહની જે વ્યક્તિને કૃપા પ્રાપ્ત થાય તેના માટે મને કહેવત યાદ આવે છે- “નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન”. મંગળ પ્રધાન વ્યક્તિ હંમેશા ઊંચું લક્ષ રાખે છે અને તે પ્રાપ્ત પણ કરે છે. “ધીરજ” અને “શૌર્ય”ના સદગુણ મંગળના શુભબળ ધરાવતા વ્યક્તિ પાસે હોય છે. ધીરજ શબ્દ અનેક વખત સાંભળ્યો હશે પણ ધીરજ શબ્દનો શાસ્ત્રસાર આ પ્રમાણે છે- કટોકટીના સમયમાં પણ જે વ્યક્તિ મનોબળ ગુમાવતો નથી, જે વ્યક્તિ ઝડપથી બળવો કરતો નથી અને ઝડપથી શરણમાં નથી જતો વ્યક્તિ ધરજવાન છે. હવે, શૂરવીર શબ્દનો શાસ્ત્રસાર સમજીએ- શૂરવીરતામાં ત્રણ સદગુણ સમાવિષ્ટ છે- દયા, નિર્ભયતા અને કર્મઠપણું. શૂરવીર ક્યારેય દગો કરતો નથી, શૂરવીર ક્યારેય ડરતો નથી અને બીજાને ડરાવતો નથી, શૂરવીર પોતાના કાર્યનું શુભ પરિણામ પ્રાપ્ત કરીને જ નિરાંતનો શ્વાસ લે છે.

  મંગળની શાસ્ત્રોક્ત કથા ખૂબ જ રસપ્રદ છે. ભરદ્વાજ ઋષિને પૃથ્વીથી જાસુદના પુષ્પ જેવા લાલ રંગનો પુત્ર પ્રાપ્ત થયો. આ પુત્ર લાલ વર્ણનો અને પૃથ્વીપુત્ર હોવાથી ઋષિએ તેનું નામ “ભૌમ” પાડ્યું. ભરદ્વાજ ઋષિએ પોતાના પુત્ર ભૌમને અનેકવિધ વિદ્યાથી પારંગત કર્યો. ત્યારબાદ, ભૌમે નદિ કિનારે ઊભા રહી એક હજાર વર્ષ સુધી ગણેશજીની આરાધના કરી. મંગળની કઠોર અને આકરા તપથી શ્રીગણેશજી પ્રસન્ન થયા અને મંગળને વરદાન આપ્યું. સમયાંતરે શ્રીગણેશજીએ મંગળને પોતાનામાં સમાવી લીધા. ગણેશજીને ત્યારબાદ મંગળમૂર્તિ નામથી પણ ઓળખવામાં આવે છે.

  જન્મકુંડળીમાં મંગળદેવનો કોપનું શું પરિણામ આવે
  જે વ્યક્તિની જન્મકુંડળીમાં મંગળ શુભ નથી, તે વ્યક્તિઓએ મંગળના દુષ્પ્રભાવથી પીડાવું પડે છે. જીવનમાં આવેશ અને ઉશ્કેરાટ વધુ રહે. વ્યક્તિ સદાય કામવાસનાથી ગ્રસિત રહે. પોતાની જાતિય વિકૃતિ સંતોષવા માટે આવી વ્યક્તિઓ બળાત્કાર જેવા શરમજનક કૃત્ય કરતા પણ અચકાતી નથી. મંગળ જો જન્મકુંડળીમાં સ્થાનગત નિર્બળ હોય અને અશુભદૃષ્ટિથી પીડાતો હોય તો વ્યક્તિ દારૂ, જુગાર, ચોરી, ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી જેવા કાર્યોમાં સંડોવાયેલો હોય છે. કોઈની જમીન પચાવી પાડવી, ઘર પચાવી પાડવું, ગંભીર એક્સિડન્ટના ભોગ બનવું, હાઈ બ્લડ પ્રેશર જેવા રોગથી પીડાવું. વળી, લગ્નજીવનમાં સતત ઉથલપાથલ રહેવી, ઈલેક્ટ્રીક કરંટથી શરીરને હાનિ પહોંચવી, ઝેરી દવા પીને આપઘાત કરવાના વિચાર આવવા, લોહી વિકાર, પિત્તના દર્દ વગેરે જુદી જુદી સમસ્યાથી વ્યક્તિ જીવનભર દુઃખી થાય છે.

  જન્મકુંડળીમાં મંગળદેવની શુભ કૃપાનું ફળ પ્રાપ્ત થાય
  મંગળદેવની શુભકૃપાથી યુક્ત વ્યક્તિ ધીરજવાન અને શૂરવીર હોય છે. વ્યક્તિને જમીન-મકાનનું સુખ પ્રાપ્ત થાય છે, પોતે કુળદિપક પુરવાર થાય છે. ઈલેક્ટ્રોનિક અથવા ઇલેક્ટ્રીક કાર્યક્ષેત્રે અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરે છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, કેમિકલનો વ્યવસાય, પોલીસ વિભાગમાં ઊચ્ચો પદ મેળવવું, મિલેટ્રીમાં ઊચ્ચ પદ પ્રાપ્ત કરવું, શારીરિક ઊર્જા હોવી, ઉમદા વાહનનું સુખ મેળવવું. હોટલ વેપાર, ગેસ્ટ હાઉસ, મિઠાઈ-ફરસાણની દુકાન વગેરે વ્યવસાયમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં મંગળદેવની શુભ કૃપા હોય તે વ્યક્તિને કોઈ હરાવી નથી શકતું.

  મંગળદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું
  - ઓમ ગઁ ગણપતયે નમઃ – આ મંત્રની માળા કરવી.
  - અંગારકી ચોથનું વ્રત કરવું. (મંગળવારે આવનારી સંકષ્ટીચોથને અંગારકી ચોથ કહેવાય છે)
  - ગણેશજીને કુમકુમ અર્પણ કરવું.
  - ઓમ લં લંબોદરાય નમઃ – મંત્રજાપ કરપો.
  - રાતા બળદને ઘાસચારો નીરવો.
  - લાલગોળના લાડુ બનાવી ગણેશજીને અર્પણ કરવા.
  - મંગળવારે કંસાર બનાવી ગણેશજીને ધરાવી તે પ્રસાદનું ભોજન કરવું.
  - મંગળવારે મસૂરનું દાન કરવું
  - વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન મેળવી મંગળનું રત્ન પરવાળું ધારણ કરવું.
  - ધરણિગર્ભ સંભૂતં વિદ્યુતકાંતિ સમપ્રભ, કુમારં શક્તિહસ્તં તં મંગલમ્ પ્રણમામ્યહમ્. આ મંત્રની એક માળા કરવી.
  - શ્રીગણેશજીને જાસૂદ અથવા ગુલાબનું પુષ્પ અર્પણ કરવું.

  ઉપરોક્ત વિધિ-વિધાન કરવાથી મંગળદેવની શુભ કૃપા પ્રાપ્ત થશે. પણ, એક વાત ખાસ યાદ રાખવી- મંગળદેવની પૂજા-અર્ચન કર્યા પછી પોતાનો સંકલ્પ અવશ્ય મંગળદેવને અર્પણ કરવો.

  અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 706 999 8609
  ઈ-મેલ – harisahitya@gmail.com

  નોંધ: આ આર્ટીકલના વિચાર લેખકના અંગત છે - જેને NEWS18 GUJARATI સાથે કોઈ લેવા દેવા નથી.
  Published by:Ashish Goyal
  First published: