Hanuman Jayanti 2022: આ વર્ષે હનુમાન જયંતી 16 એપ્રિલે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાએ થયો હતો. તેમના બાળપણ સાથે જોડાયેલી એક કથા છે, જેમાં તેમનું મહાવીર બનવાનું વર્ણન મળે છે.
Hanuman Jayanti 2022: આ વર્ષે હનુમાન જયંતિ 16 એપ્રિલે છે. હિંદુ કેલેન્ડર અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂનમના દિવસે થયો હતો. માટે હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હનુમાનજી ભગવાન શિવના અંશ હતા. તેમના પિતા કેસરી અને માતા અંજના હતા. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેઓ ખૂબ જ તેજસ્વી, કાંતિમય, બુદ્ધિશાળી અને શક્તિશાળી હતા. જેમ જેમ તેઓ મોટો થયા તેમ તેમ તેમના તોફાન પણ વધતા ગયા. તેમના બાળપણ સાથે જોડાયેલી એક કથા છે, જેમાં તેમના મહાવીર બનવાનું વર્ણન છે. આવો જાણીએ એ કથા વિશે.
મહાવીર હનુમાનની કથા
પૌરાણિક કથા અનુસાર, એક દિવસ બાળ હનુમાન આંગણામાં રમી રહ્યા હતા, તે દરમિયાન તેમને ભૂખ લાગી. તેમણે ઊગતા સૂર્યને ફળ સમજ્યો. તેમણે એ તેજસ્વી લાલ રંગનું ફળ ખાવા માટે આકાશમાં છલાંગ લગાવી. તેઓ પવનની ઝડપે આકાશમાં ઉડવા લાગ્યા અને જોતજોતામાં સૂર્ય લોક પહોંચી ગયા.
સૂર્યદેવ પાસે પહોંચતા જ તેમણે તે ગળી જવા માટે મોં ખોલ્યું. આ જોઈ સૂર્યદેવ ત્યાંથી દોડવા લાગ્યા. હવે સૂર્યદેવ આગળ-આગળ અને બાલ હનુમાન તેમની પાછળ-પાછળ. આ જોઈને દેવરાજ ઈન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયા.
સૂર્યદેવને બચાવવા માટે તેમણે હનુમાનજી પર વજ્રથી પ્રહાર કર્યો. પરિણામે બાળ હનુમાન પૃથ્વી પર પડ્યા. જ્યારે પવનદેવને આ વાતની ખબર પડી તો તેઓ ક્રોધિત અને દુઃખી થયા કારણ કે હનુમાનજી પવન પુત્ર પણ છે.
શોકાતુર પવનદેવ મૂર્છિત હનુમાનજી સાથે એક ગુફામાં ગયા અને ત્યાં તેમની મૂર્છા તૂટવાની રાહ જોવા લાગ્યા. બીજી તરફ પવન દેવતાની ગેરહાજરીથી પશુ-પક્ષીઓ અને મનુષ્યો બધા જ ત્રાહિમામ પોકારવા લાગ્યા. ધરતી પર હાહાકાર મચી ગયો. બીજી તરફ ઈન્દ્ર દેવને પણ ખબર પડી ગઈ હતી કે તેમણે જે બાળક પર હુમલો કર્યો હતો તે કોઈ સામાન્ય બાળક નથી. તે રુદ્રાવતાર હનુમાન છે.
વાયુદેવના દુઃખને દૂર કરવા અને પૃથ્વી પર વાયુના સંકટને દૂર કરવા ત્રિદેવ સાથે તે ગુફામાં તમામ મુખ્ય દેવતાઓ પ્રગટ થયા હતા. ત્યાં બધા દેવતાઓને રુદ્રાવતાર હનુમાનજી વિશે ખબર પડી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત તમામ દેવતાઓએ હનુમાનજીને તેમની દૈવી શક્તિઓથી સજ્જ કર્યા.
હનુમાનજીને શિક્ષા આપવાની જવાબદારી સૂર્યદેવે લીધી. બાદમાં તેઓ હનુમાનજીના ગુરુ બન્યા. આ રીતે તમામ દેવતાઓની શક્તિઓના મિલનથી પવનપુત્ર મહાવીર હનુમાન બન્યા, જેને ભગવાન શ્રી રામના સંકટમોચન કહેવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર