Good Friday 2022: ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડે (Good Friday)નું ખૂબ મહત્વ છે. જે દિવસે ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો ત્યારે શુક્રવાર હતો. તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને પછી તેમને સૂલી પર ચઢાવવામાં આવ્યા હતા. એ શુક્રવારના દિવસે ઇસુ ખ્રિસ્તે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. ત્યારથી એ શુક્રવારને ગુડ ફ્રાઈડે તરીકે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડેને બ્લેક ફ્રાઈડે (Black Friday), હોલી ફ્રાઈડે (Holy Friday) અથવા ગ્રેટ ફ્રાઈડે (Great Friday) કહેવાય છે. આ વર્ષે ગુડ ફ્રાઈડે 15મી એપ્રિલે છે. ગુડ ફ્રાઈડે ઈસ્ટર સન્ડે પહેલા આવતો શુક્રવાર છે. આવો જાણીએ ગુડ ફ્રાઈડેના ઈતિહાસ વિશે.
ગુડ ફ્રાઈડે કેવી રીતે ઉજવાય છે?
ગુડ ફ્રાઈડેના દિવસે ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ યોજવામાં આવે છે. ખ્રિસ્તી સમુદાયના લોકો સવારની પ્રાર્થનામાં ભાગ લે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તના અંતિમ ક્ષણો અને બલિદાનને યાદ કરવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો વાંચવામાં આવે છે. તેમના દ્વારા કહેવામાં આવેલા સંદેશાઓ અને ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવાના પ્રયાસો કરવામાં આવે છે.
ખ્રિસ્તી ધર્મગ્રંથો અનુસાર એવું કહેવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત યેરુસલેમમાં લોકોને ઈશ્વરનો સંદેશ કહેતા હતા, માનવ કલ્યાણનો ઉપદેશ આપતા હતા. તેમના ઉપદેશોની લોકો પર ઊંડી અસર પડતી હતી, જેના કારણે લોકો ઇસુ ખ્રિસ્તને ભગવાન માનવા લાગ્યા. બીજી તરફ ધર્મના કેટલાક ઠેકેદારો આવી ઘટનાથી ચિડાઈ જવા લાગ્યા હતા.
તે લોકોએ રોમના શાસકને ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ ફરિયાદ કરી. તેઓએ રાજાને કહ્યું કે ઈસુ ખ્રિસ્ત પોતાને ઈશ્વર પુત્ર કહે છે. ઈસુ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
તેમને ખીલાની મદદથી ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. આ ઘટનાથી તેમના અનુયાયીઓ દુઃખી અને નિરાશ થઈ ગયા. તે શુક્રવારનો દિવસ ગુડ ફ્રાઈડે તરીકે ઉજવવામાં આવ્યો હતો.
જો કે, ત્રીજા દિવસે રવિવારે તેઓ ફરી જીવિત થયા હતા. જેની ખુશીમાં ઈસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને ઇસ્ટર સન્ડે (Easter Sunday) કહેવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર