આજે ગીતા જયંતી, શું છે ગીતાનું ધાર્મિક મહત્ત્વ ?

આજે ગીતા જયંતી, શું છે ગીતાનું ધાર્મિક મહત્ત્વ ?
પ્રતિકાત્મક તસવીર

આશરે ૫ થી ૭ હજાર વર્ષ પહેલાં ગીતાનું સર્જન થયેલું એવું માનવામાં આવે છે અને અત્યાર સુધીમાં ૧૦૦ થી પણ વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે. ભાગ્યે જ કોઈ ભાષા બાકી હશે જેમાં ગીતાનો અનુવાદ નહિ થયો હોય.

 • Share this:
  ધર્મ ભક્તિ: આજે ૨૫ ડિસેમ્બર હોવાથી આખી દુનિયા આજના દિવસે નાતાલની ઉજવણી કરે છે. અને તેમા કંઈ ખોટુ નથી. બધા જ ધર્મના બધા તહેવાર આપણે મનાવવા જોઈએ. હિંદુ ધર્મમાં પણ આજના દિવસનું ખાસ મહત્વ છે. આજે મોક્ષદા એકાદશી છે અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે આજના દિવસે જ મોક્ષ આપવાવાળી ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણે જ્યારે ગીતાનું જ્ઞાન આપ્યું હતું તે દિવસે હિંદુ કેલેન્ડર પ્રમાણે એકાદશી હતી. માટે આ એકાદશી હવે મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે. એટલે જ આજનો દિવસ ગીતા જયંતિ તરીકે પણ ઉજવાય છે. તો ચાલો જાણીએ ગીતાનું ધાર્મિક મહત્વ.

  મહર્ષિ વેદવ્યાસ રચિત ભારતીય સંસ્કૃતિના જ્ઞાનકોશ સમાન મહાભારતમાં કુલ ૧૮ પર્વ છે. તેના છઠ્ઠા પર્વમાં એટલે કે ભીષ્મ પર્વમાં ૨૫ થી ૪૨ સુધીના ૧૮ અધ્યાય ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ તરીકે ઓળખવામાં આવે છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયો અને ૭૦૦ શ્લોક છે. આખી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ ૫૭૪ શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે, જ્યારે અર્જુને ૮૫ શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે. તો વળી ૪૧ શ્લોક એવા પણ છે જેમાં સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે. આ ૧૮ અધ્યાયને ત્રણ ભાગમાં વિભાજિત કરીએ તો પ્રથમ છ, ‘જ્ઞાનયોગ’, બીજા છ એ ‘ભક્તિયોગ’ અને અંતિમ છ અધ્યાય ‘કર્મયોગ’ તરીકે જાણીતા છે.  આશરે ૫ થી ૭ હજાર વર્ષ પહેલાં ગીતાનું સર્જન થયેલું એવું માનવામાં આવે છે અને અત્યાર સુધીમાં ૧૦૦ થી પણ વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે. ભાગ્યે જ કોઈ ભાષા બાકી હશે જેમાં ગીતાનો અનુવાદ નહિ થયો હોય. ગીતાનું જ્ઞાન અર્જુન ઉપરાંત અન્ય બે લોકોએ સાંભળ્યું હતું. વેદવ્યાસ પાસેથી દિવ્ય દૃષ્ટિ મેળવનાર સંજય અને સંજયના મુખેથી ધૃતરાષ્ટ્ર આ બંનેએ સાંભળ્યું હતું.

  દરેક વ્યક્તિને સમજણ આવ્યા પછી શાળા કે કોલેજકાળ દરમ્યાન અમુક તબક્કે અભ્યાસક્રમમાં જો ગીતા ભણાવવામાં આવે તો કોઈ દિવસ કોર્ટમાં ગીતા પર હાથ રાખી ને કસમ ખાવાનો વારો નહિ આવે. એટલું જ નહિ એ વ્યક્તિ જીવનરૂપી મહાભારતમાં પણ ગમે તેટલા સંઘર્ષમય તબક્કામાંથી પસાર થતો હશે તો પણ ક્યારેય ફેઈલ તો નહિ જ જાય. એક વાર પણ સાચી નિષ્ઠાથી ગીતા વાંચી હશે એને સંસાર રૂપી ભવસાગર કેમ તરવો એનું આત્મજ્ઞાન થયા વગર નહી રહે.

  વિશ્વના મોટા ભાગ ના તત્વચિંતકો, તત્વજ્ઞાનીઓ, ક્રાંતિકારીઓ અહીં સુધી કે મોડર્ન સાયન્ટિસ્ટોએ પણ આ મહાગ્રંથ માંથી પ્રેરણા લીધી છે અને હજી લઇ રહ્યાં છે. શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલું આ અદભુત જ્ઞાન આપણા બધાના જીવનવ્યવહારમાં ઉતરે અને માનવતાનાં નૈતિક મૂલ્યો જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે.
  Published by:Margi Pandya
  First published:December 25, 2020, 11:42 am